ફક્ત શાકાહારીઓ માટેના ફ્લૅટનો વિડિયો બનાવનાર પ્રૉપર્ટી-ડીલરે માફી માગવી પડી: ભાવેશ કાવરેએ વિડિયો ડિલીટ કરીને કહ્યું કે હું પોતે માંસાહારી છું
વિવાદ વધતાં ગઈ કાલે વિડિયો પોસ્ટ કરીને માફી માગતો રિયલ એસ્ટેટ એજન્ટ ભાવેશ કાવરે.
તાડદેવ વિસ્તારમાં ૬.૫ કરોડ રૂપિયાના માત્ર શાકાહારીઓ માટેના ફ્લૅટની જાહેરાત કરતા વિડિયોએ ચર્ચા જગાવી દીધી હતી. એક પ્રૉપર્ટી-ડીલરના વિડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફક્ત શાકાહારીઓ જ આ ફ્લૅટ ખરીદી શકે છે અથવા અેમાં રહી શકે છે. હવે એ બાબતે વિવાદ વકરતાં એ પ્રૉપર્ટીનો વિડિયો બનાવીને જાહેરાત કરનાર ડીલરે માફી માગી છે અને કહ્યું છે કે તે પોતે પણ માંસાહારી છે.
લગભગ ૯૦૦ ચોરસ ફુટ કાર્પેટ એરિયામાં ફેલાયેલા 2BHK અપાર્ટમેન્ટને સાઉથ મુંબઈની પ્રીમિયમ પ્રૉપર્ટી તરીકે માર્કેટિંગ કરવામાં આવી રહી હતી. જોકે અૅમેનિટીઝની યાદીમાં ‘માત્ર શાકાહારી માટે’ શબ્દો હતા જેના કારણે ઘણા યુઝર્સે સોશ્યલ મીડિયા પર આવા ભેદભાવનો વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
મરાઠી એકીકરણ સમિતિ તેમ જ એકનાથ શિંદે જૂથની શિવસેનાના યુવા નેતા ગુરુજ્યોતસિંહ કીર એવા લોકોમાં હતા જેમણે સૂચિની ટીકા કરી હતી અને સંભવિત ખરીદદારોને તેઓ માંસાહારી ખોરાક ખાય છે કે કેમ અેના આધારે બાકાત રાખવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. સોશ્યલ મીડિયા પર મૂળ પ્રૉપર્ટીનો વિડિયો ફરતો થયા પછી વિવાદ વધુ તીવ્ર બન્યો હતો. આ વિડિયો પછી ડિલીટ કરી નાખવામાં આવ્યો હતો.
વિડિયો બનાવનાર રિયલ એસ્ટેટ એજન્ટ ભાવેશ કાવરેએ પાછળથી માફી માગી હતી અને ફ્લૅટમાલિક તરફથી આ શરત આવી હોવાનું સમજાવતાં કહ્યું હતું કે ‘શાકાહારીઓને ફ્લૅટ વેચવા વિશે મેં વિડિયોમાં જે કંઈ કહ્યું અે મારો નહીં પણ ફ્લૅટમાલિકનો માપદંડ હતો. તેઓ વારકરી અને શાકાહારી છે અેથી તે તેમની ઇચ્છા હોઈ શકે છે અથવા તેમની પાસે માંસાહારી ખોરાક ખાતી વ્યક્તિને ફ્લૅટ ન વેચવા માટે ધાર્મિક કારણો હોઈ શકે છે.’
