પોલીસે આરોપી યુવાન સામે ગુનો નોંધ્યો છે અને નકલી નોટો ક્યાં છપાય છે એની શોધ કરી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
તાડદેવની પોલીસે ૨૦,૦૦૦ રૂપિયાની ૨,૦૦૦ રૂપિયાની ૧૦ બનાવટી ચલણી નોટો બદલવાનો પ્રયાસ કરી રહેલા ૩૩ વર્ષના યુવાનની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ ભારત સરકારે ૨,૦૦૦ની નોટોને બજારમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરીને દેશના લોકોને તેમની પાસેની નોટો બૅન્કમાં બદલી કરવાની વિનંતી કરી હતી. નાગપાડાની મોબાઇલની એક દુકાનમાં નોકરી કરતા આરોપી યુવાને દાવો કર્યો હતો કે તેના માલિકે તેને નોટ બદલી કરવા મોકલ્યો છે. પોલીસે આરોપી યુવાન સામે ગુનો નોંધ્યો છે અને નકલી નોટો ક્યાં છપાય છે એની શોધ કરી રહી છે.
ભારત સરકારે ૧૯ મે ૨૦૨૩ના રોજ ચલણમાંથી ૨,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ નોટો ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ચલણમાં રહેશે. તમામ બૅન્કોને સરકારે બદલી કરવા આવેલી નોટો સ્વીકારવા અને નોટ બદલવા આવનારની ઓળખ સ્થાપિત કરવા કહ્યું છે, જેને પગલે અનેક લોકોએ બૅન્કમાં નોટો બદલાવી છે.
ADVERTISEMENT
એચડીએફસી બૅન્કની તાડદેવ શાખામાં ૨૬ મેએ બપોરે એક વ્યક્તિ ૨૦,૦૦૦ રૂપિયાની ૨,૦૦૦ રૂપિયાની ૧૦ નોટ બદલવા આવી હતી. બૅન્કના કૅશિયર વિશાલકુમારે પૈસા લીધા, ડિપોઝિટરના આધાર કાર્ડની ઝેરોક્સ કૉપી લીધી અને પૈસા ગણવાના મશીનમાં નોટ મૂકી હતી. જોકે તેને નોટનો કાગળ સહેજ રફ અને જાડો લાગતાં તેણે લાઇટની નીચે મૂકીને નોટ ચકાસતાં સામાન્યપણે ચલણી નોટમાં જોવા મળતાં સુરક્ષા ફીચર્સ નહોતાં. કૅશિયરે તરત જ બ્રાન્ચ મૅનેજર સતીષ મહાજનને જાણ કરી હતી. તેમણે તરત જ બૅન્કના ઉચ્ચ અધિકારીઓ અને તાડદેવ પોલીસને જાણ કરી હતી એમ તાડદેવ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસે તરત જ બૅન્કમાં પહોંચીને બનાવટી નોટ બદલી કરવા આવનારની ધરપકડ કરી હતી. તેની ઓળખ કૌસા, મુમ્બ્રાના રહેવાસી ૩૩ વર્ષના નાવિદ અશફાક શેખ તરીકે કરાઈ હતી. નાવિદ શેખે દાવો કર્યો હતો કે તે નાગપાડાની મોબાઇલ ઍક્સેસરીઝની દુકાનમાં કામ કરે છે અને તેના માલિકે તેને આ નોટો બદલાવવા કહ્યું હતું.

