Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટીનેજ દીકરીના બાળકને મમ્મીએ જ ૪૦,૦૦૦ રૂપિયામાં વેચી દીધું

ટીનેજ દીકરીના બાળકને મમ્મીએ જ ૪૦,૦૦૦ રૂપિયામાં વેચી દીધું

Published : 15 October, 2026 07:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાલાસોપારામાં ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કિસ્સો આવ્યો સામે, બાવીસ વર્ષના યુવકની ધરપકડ, ડિલિવરી કરાવનારી હૉસ્પિટલ સીલ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


નાલાસોપારામાં ૧૭ વર્ષની ટીનેજર ગર્ભવતી થઈ અને તેણે બાળકને જન્મ આપ્યો, જેને ૪૦,૦૦૦ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે જાતીય અત્યાચાર તથા ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કેસ નોંધીને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે બાવીસ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે તેમ જ કુલ ૬ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
ટીનેજરની મમ્મીને ટીનેજરના સંબંધ વિશે અને તે ગર્ભવતી હોવાની ખબર પડ્યા બાદ ફરિયાદ કરવાને બદલે દીકરીની ડિલિવરી કરાવવા માટે હૉસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં ડૉક્ટરે છોકરી સગીર હોવા છતાં તેની ડિલિવરી કરાવી હતી. ત્યાર બાદ નવજાત શિશુ એક કપલને વેચી દેવામાં આવ્યું હતું. 
ડિલિવરી પછી સગીરાને પેટમાં અને પેટના નીચેના ભાગમાં દુખાવો ઊપડતાં તેને તુળીંજની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેની ચકાસણી કરતાં ડૉક્ટરોને ટીનેજરે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હોવાનું જણાયું હતું. ત્યાર પછી આ બાબતે તુળીંજ પોલીસને જાણકારી આપવામાં આવી હતી. 
ટીનેજર પર જાતીય અત્યાચાર કરનારા આરોપી વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ ઉપરાંત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ટીનેજરની મમ્મી, પાડોશી મહિલા અને અન્ય સામે ચાઇલ્ડ ટ્રાફિકિંગને લગતી કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

મુંબઈના વનરાઈ વિસ્તારમાં સિમેન્ટની બેન્ચ તૂટી પડી, ૮ વર્ષના બાળકનું મોત



દિંડોશી પોલીસ-સ્ટેશન સાથે જોડાયેલી એક મહિલા પોલીસ-કૉન્સ્ટેબલના ૮ વર્ષના પુત્રનું બુધવારે રાત્રે વનરાઈ પોલીસ ક્વૉર્ટર્સના પરિસરમાં રમતી વખતે સિમેન્ટની બેન્ચ તૂટી પડતાં કરુણ મોત થયું છે. બાળકની ઓળખ રાજવીર કાળે તરીકે થઈ છે. તે રાત્રે આશરે ૯.૩૦ વાગ્યે પોલીસ ક્વૉર્ટર્સના પરિસરમાં બેસવા માટે મુકાયેલી સિમેન્ટની બેન્ચ પર રમી રહ્યો હતો ત્યારે અચાનક બેન્ચ તૂટી પડી હતી, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

આ ઘટના બનતાં જ સ્થાનિક રહીશો અને પોલીસ બાળકને તાત્કાલિક સારવાર માટે ટ્રૉમા કૅર હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ત્યાં ફરજ પરના ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.

વૃદ્ધોને જૂની ઓળખ બતાવીને દાગીના અને રોકડ પડાવતો શાતિર પકડાયો

વૃદ્ધો તથા સામાન્ય મહિલાઓ અને પુરુષોને જૂની ઓળખ હોવાનું નાટક કરીને, વાતોમાં પરોવીને તેમની પાસેથી સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી લેતા ૩૭ વર્ષના દિનેશ મંચેકરની ઉલ્હાસનગર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 4ની ટીમે ઝડપી પાડ્યો છે. બદલાપુર-વેસ્ટ પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની સમાંતર તપાસ દરમ્યાન મળેલા ટેક્નિકલ ઇનપુટ્સ અને બાતમીના આધારે આરોપીની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી પોતાના સાથીદારો સાથે મળીને જાહેર રસ્તાઓ પર લોકો સાથે નકલી ઓળખ અને જૂની યાદો તાજી કરીને છેતરપિંડીથી તેમના દાગીના પડાવી લેતો હતો.
ઉલ્હાસનગર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 4ના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કસ્ટડી દરમ્યાન હાથ ધરાયેલી સઘન પૂછપરછમાં આખા થાણેમાં નોંધાયેલા કુલ ૧૭ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આરોપી પાસેથી આશરે ૨૪,૨૪,૦૦૦ રૂપિયાની કિંમતના ૨૧૨ ગ્રામ સોનાના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગુનાઓમાં તેના અન્ય બે સાથીદારો સુદેશ ઉર્ફે બાબુ તાનાજી મ્હાલે અને બાબુ મંચેકર પણ સામેલ હતા. તેમને પકડવા માટે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ટોળકી સામે CCTV કૅમેરાનાં ફુટેજ અને અન્ય ટેક્નિકલ પુરાવા પણ પ્રાપ્ત થયા છે. આરોપી દિનેશ મંચેકરનો ભૂતકાળ પણ ગુનાહિત રહ્યો છે. તેના પર અગાઉ લૂંટ, ચોરી, છેતરપિંડી અને વિનયભંગ જેવા મુંબઈમાં ૨૦, નવી મુંબઈમાં એક, મીરા-ભાઈંદરમાં બે અને થાણે મળીને કુલ ૨૯ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ઘાટકોપર પોલીસ-સ્ટેશનના બે ગુનાઓમાં પણ તે વૉન્ટેડ હતો.’


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 07:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK