ટ્રાફિકનો લાભ લઈને બે કાર-ડ્રાઇવરોના ૮૦,૦૦૦ રૂપિયાના મોબાઇલ ચોરાયા
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર વિસ્તારમાં ટક-ટક ગૅન્ગનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે. અહીં ટ્રાફિકની સ્થિતિનો ગેરલાભ લઈને, ડ્રાઇવરોનું ધ્યાન ભટકાવીને કીમતી ચીજવસ્તુઓની ચોરી કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે સાંજે ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર બનેલી ઘટનામાં બે કાર-ડ્રાઇવરોને નિશાન બનાવીને કુલ ૮૦,૦૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે. છેલ્લા ૧૫ દિવસમાં આ પ્રકારની નોંધાયેલી આ પાંચમી ઘટના છે. આ કેસમાં પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીઓની તપાસ શરૂ કરી છે.
પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર-વેસ્ટમાં કલ્પતરુ ઑરા સોસાયટીમાં રહેતો ૨૧ વર્ષનો ગુજરાતી યુવાન સોમવારે સાંજે પોતાની કાર લઈને ઘાટકોપર-ઈસ્ટથી ઘરે પાછો ફરી રહ્યો હતો. આ દરમ્યાન ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર નિત્યાનંદનગર નજીક જાહેર શૌચાલય પાસે ભારે ટ્રાફિક હોવાથી તેણે પોતાની કાર ઊભી રાખી હતી. એ જ સમયે બે માણસોએ કારની બન્ને બાજુના કાચ જોર-જોરથી ખખડાવીને તેનું ધ્યાન ભટકાવ્યું હતું. એક માણસે ગાડી નીચે પગ આવી ગયો હોવાનું નાટક કરીને ગેરમાર્ગે દોર્યા બાદ કારની બાજુની સીટ પર રાખેલો આઇફોન 17 PRO ચોરી લીધો હતો. આ જ ટ્રાફિક જૅમ અને ભીડનો ફાયદો ઉઠાવીને એ જ ગૅન્ગે અન્ય એક કારચાલક ઉનેઝ શેખને પણ નિશાન બનાવ્યો હતો અને તેનો સૅમસંગ S24 મોબાઇલ ફોન સેરવી લીધો હતો. બન્ને ફરિયાદીએ ગાડી રોકીને તપાસ કરતાં ચોરી થયાનું ધ્યાનમાં આવ્યું હતું. આ મામલે ભોગ બનનાર યુવકોની ફરિયાદના આધારે અમે ગુનો નોંધીને CCTV ફુટેજના આધારે ટક-ટક ગૅન્ગના ગઠિયાઓને પકડી પાડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે ઘાટકોપર-વેસ્ટના LBS રોડ અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આ પ્રકારની પાંચ ચોરીના સેપરેટ ગુના પાર્કસાઇટ, ઘાટકોપર અને પંતનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાયા છે.
