થાણે જિલ્લાના કલવા પોલીસ-સ્ટેશનમાં ૧૮ વર્ષની એક ટીનેજરે તેનું અપહરણ કરીને જબરદસ્તી લગ્ન કરાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદ ગુરુવારે નોંધાવી હતી. કલવા પોલીસે આ મામલામાં ૭ આરોપીઓની ઓળખાણ કરી લીધી છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણે જિલ્લાના કલવા પોલીસ-સ્ટેશનમાં ૧૮ વર્ષની એક ટીનેજરે તેનું અપહરણ કરીને જબરદસ્તી લગ્ન કરાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદ ગુરુવારે નોંધાવી હતી. કલવા પોલીસે આ મામલામાં ૭ આરોપીઓની ઓળખાણ કરી લીધી છે અને બાકીનાને શોધી રહી છે. ટીનેજરે કલવા પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે ‘મને પહેલાં ગુજરાતના નવસારીમાં એક મંદિરની મુલાકાત કરવાના બહાને લઈ જવામાં આવી હતી. બાદમાં મને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રહેતા એક સંબંધીના ઘરે લઈ જવામાં આવી હતી. મારા સંબંધી તેમના એક યુવક સાથે જબરદસ્તી લગ્ન કરાવવા માગતા હોવાની શંકા જવાથી મેં કલવા પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. અપહરણકર્તા સંબંધીએ જો હું વિરોધ કરું તો મને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી હું ભાગી નહોતી શકી.’
ટીનેજરે સંપર્ક કર્યા બાદ કલવા પોલીસે તાત્કાલિક ૧૨ લોકો સામે અપહરણ, ધમકી અને જબરદસ્તી લગ્ન કરાવવા સહિતની ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ અંતર્ગત ૧૨ લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.