૧૦ કલાક ચાલેલી હાર્ટ સર્જરી પછી મનમોહન સિંહે ડૉક્ટરોને પહેલો સવાલ શું કરેલો ખબર છે?
ડૉ. મનમોહન સિંહ
૨૦૦૯માં ડૉ. મનમોહન સિંહ દેશના વડા પ્રધાન હતા ત્યારે તેમના પર દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં ક્રિટિકલ કૉરોનરી બાયપાસ હાર્ટ સર્જરી કરવામાં આવી હતી. આશરે દસથી ૧૧ કલાક ચાલેલી આ સર્જરી બાદ ડૉક્ટરોએ તેમના મોં પરની નળીઓ હટાવી ત્યારે તેમણે પોતાની તબિયત વિશે પૂછવાને બદલે દેશ અને કાશ્મીર કેમ છે એમ પૂછ્યું હતું.
આ મુદ્દે જાણકારી આપતાં ડૉ. મનમોહન સિંહની ટ્રીટમેન્ટ કરનારા સિનિયર કાર્ડિઍક સર્જ્યન ડૉ. રમાકાંત પાંડાએ કહ્યું હતું કે ‘આ હાર્ટ સર્જરી પૂરી કર્યા પછી રાત્રે જ્યારે દરદી બોલી શકે એ માટે અમે બ્રીધિંગ પાઇપ હટાવ્યો ત્યારે તેમણે મને સૌથી પહેલાં પૂછ્યું હતું કે દેશ કેમ છે, કાશ્મીર કેમ છે? મેં તેમને કહ્યું કે તમે તમારા પર થયેલી સર્જરી બાબતે તો કંઈ પૂછ્યું જ નથી. ત્યારે ડૉ. સિંહે જવાબ આપ્યો હતો કે મને ખબર છે કે એ કામ તમે સારી રીતે જ કરશો; મને મારા પર થયેલી સર્જરીની ચિંતા નથી, પણ હું મારા દેશ પ્રત્યે વધારે ચિંતિત છું.’
ADVERTISEMENT
ડૉ. મનમોહન સિંહ વિશે વધુમાં બોલતાં ડૉ. રમાકાંત પાંડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘તેઓ એક મહાન વ્યક્તિ હતા. તેઓ એકદમ સાદગીપ્રેમી અને દેશપ્રેમી હતા. એક ડૉક્ટર તરીકે તેઓ એકદમ યોગ્ય પેશન્ટ હતા. સામાન્ય રીતે હાર્ટ સર્જરી બાદ દરદીઓ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા હોય છે, પણ તેમણે આવી કોઈ ફરિયાદ કરી નહોતી. તેઓ મજબૂત માનવી હતા. સર્જરી બાદ તેઓ જ્યારે પણ પોસ્ટ-સર્જરી ચેકઅપ માટે આવતા ત્યારે અમે તેમને હૉસ્પિટલના ગેટ પાસે લેવા જતા. જોકે તેઓ હંમેશાં આમ કરવાની ના પાડતા. વ્યક્તિગત રીતે કહું તો તેઓ મજબૂત માણસ હતા અને તેમના વિચારો એકદમ સ્પષ્ટ હતા. તેઓ જે ધારતા એમ જ કરતા હતા. કોઈ વ્યક્તિ તેમના વિચારને બદલી શકે એમ નહોતી.’