TMCના આ નિર્ણયથી ચા વેચનાર અને નાના હોટેલમાલિકોમાં ચિંતા જોવા મળી રહી છે
ચા માટે વાપરવામાં આવતો પેપર-કપ
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા હોટેલ, ચાની ટપરીઓ અને અન્ય ખાદ્ય પદાર્થોની દુકાનોમાં પેપર-કપના ઉપયોગ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવેલી ફરિયાદને આધારે TMCના આરોગ્ય વિભાગે તમામ વૉર્ડ-અધિકારીઓને તાત્કાલિક તપાસ કરીને નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. TMCના આ નિર્ણયથી ચા વેચનાર અને નાના હોટેલમાલિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
TMCના આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ‘મોટા ભાગના પેપર-કપ અંદરથી પ્લાસ્ટિક અથવા વૅક્સ (પૉલિથિન)ના પાતળા પડથી કોટેડ હોય છે જે એને વૉટરપ્રૂફ બનાવે છે. જ્યારે ગરમ ચા અથવા કૉફી આવા કપમાં રેડવામાં આવે છે ત્યારે એ પડમાંથી માઇક્રોપ્લાસ્ટિક અને નુકસાનકારક રસાયણો બહાર આવે છે. લાંબા ગાળે આ પ્રકારનાં રસાયણો શરીરમાં પ્રવેશવાથી ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે. ખાસ કરીને કેટલાંક રસાયણો કૅન્સર જેવી જીવલેણ બીમારી થવાની સંભાવના ઊભી કરે છે. એ ઉપરાંત પેપર-કપનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે પણ ગંભીર પડકાર ઊભો કરે છે. પ્લાસ્ટિક કોટેડ પેપર-કપ સંપૂર્ણપણે રીસાઇકલ થવા મુશ્કેલ હોય છે, એના કારણે કચરો વધી રહ્યો છે. હાલમાં હોટેલ અને ચા વેચનારાઓને સલામત વિકલ્પો અપનાવવાની સલાહ આપવામાં આવી છે. આ પગલું માત્ર આરોગ્યની સુરક્ષા માટે જ નહીં, પર્યાવરણને બચાવવા માટે પણ મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.’
