Thane: 30 વર્ષ જૂની બિલ્ડિંગમાં એક ઘરના સીલીંગનો ભાગ ધરાશાયી થઇ ગયો જેથી એક સગીર છોકરો અને અન્ય વ્યક્તિને ઈજાઓ થઇ હતી.
પ્રતીકાત્મક તસવીર
થાણે (Thane)માંથી એક ભયાવહ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આજે સવારે આશરે પોણા સાત વાગ્યાની આસપાસ વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવેલ સાઈ મમતા બિલ્ડિંગમાં સીલીંગ પડવાથી બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રિપોર્ટ પ્રમાણે થાણેની આ ઈમારતને જર્જરિત ઈમારત તરીકે સૂચિબદ્ધ કરાઈ હતી. આ ઈમારતનું માળખું ખૂબ જ ખરાબ હાલતમાં હતું જેને રીપેર કરવાનું કહેવામાં આવ્યું હતું.
આજે થાણે (Thane)માં આ ઘટના બની હતી. સવારે આશરે પોણા સાત વાગ્યાની આસપાસ આ 30 વર્ષ જૂની બિલ્ડિંગમાં એક ઘરના સીલીંગનો ભાગ ધરાશાયી થઇ ગયો હતો. અચાનકથી સીલીંગ તૂટી પડતાં એક સગીર છોકરો અને અન્ય વ્યક્તિને ઈજાઓ થઇ હતી. એમ અધિકારીઓએ આ બીના અંગે વાત કરતા જણાવ્યું હતું. આ ઘટના વાગલે એસ્ટેટ વિસ્તારમાં સ્થિત સાઈ મમતા નામની બિલ્ડિંગમાં બની હતી. તેનો સમય આશરે સવારે 6.45 વાગ્યાનો નોંધાયો છે.
ADVERTISEMENT
થાણે (Thane)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે થાણેની આ બિલ્ડિંગમાં એક રૂમમાં આ ઘટના બની હતી. જેમાં પરિવારના સભ્યો ઊંઘી રહ્યા હતા ત્યારે અચાનક છતની સીલીંગનું પ્લાસ્ટર પડી ગયું હતું. જેમાં સૂઈ રહેલ ૧૧ વર્ષના છોકરાને ઈજાઓ થઇ હતી. આ સાથે જ જ ૨૨ વર્ષના એક અન્ય વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ થઇ હતી.
પ્રાપ્ત અહેવાલો સૂચવે છે કે આ દુર્ઘટના જે ઈમારતમાં બની છે તે સાઈ મમતા થાણેની ચાર માળની ઈમારત છે, જેમાં વધારાના ટેરેસ રૂમની સાથે ૧૨ જેટલા ફ્લેટ આવેલા છે. આ ઈમારતનું માળખું જૂનું થઇ ગયું હોવાથી હજી પણ સાવધાન થઇ જવાની જરૂર છે અને જરૂરી ધ્યાન આપીને સમારકામ કરવું હિતાવહ છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીઓ જણાવે છે કે સાઈ મમતા નામના ચાર માળના બિલ્ડિંગનું માળખું અતિશય જોખમી થઇ ગયું છે. પહેલેથી જ આ ઈમારતને C2B શ્રેણી હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યું હતું- આનો અર્થ એ થયો કે આ ઈમારતને પહેલેથી જ એક જર્જરિત ઇમારત તરીકે અલગ તારવીને તેમાં તાબડતોબ માળખાકીય સમારકામની જરૂર હોવાની ચેતવણી પણ આપી દેવામાં આવી હતી. આવી ચેતવણીઓ આપી હોવા છતાં ત્યાંના ફ્લેટમાં અનેક પરિવારો રહે છે.
આ દુર્ઘટના બાદ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ ઈમારતની વિગતવાર માળખાકીય ઓડિટ માટે જાણ કરવામાં આવી છે. અધિકારીઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવી છે કે આ ઈમારતની તપાસ કરશે અને નક્કી કરશે કે સમારકામ અથવા તો સ્થળાંતર કેટલું જરૂરી છે.
આ ઘટનાની જાણ થાણે (Thane) મ્યુનિસિપલ વિભાગને કરવામાં આવી હતી. હવે આ ઈમારતના માળખાની જરૂરી તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે એમ અધિકારીએ વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું.

