મીરા રોડમાં બનેલી આ ઘટનામાં ટીવી, સોફા, મોબાઇલ, લૅપટૉપ, ૩૦૦૦ રૂપિયા કૅશ, કપડાં, શોકેસ, મંદિર વગેરે મળીને પાંચ લાખ રૂપિયાનું થયું નુકસાન
ટીવીમાં સ્ફોટ થવાથી લાગેલી આગમાં ઘરમાં થયેલું નુકસાન.
મુંબઈ : મીરા રોડમાં પરિવાર હોટેલ પાસે આવેલા પૂનમસાગર કૉમ્પ્લેક્સની જે-પાંચ બિલ્ડિંગમાં મંગળવારે રાતે સાડાઅગિયાર વાગ્યાની આસપાસ બિલ્ડિંગના પહેલા માળે આવેલા
ઘરમાં અચાનક ટીવીમાં સ્ફોટ થયો હતો. આ સ્ફોટને કારણે ઘરમાં
આગ ફેલાઈ હતી. આ ઘટનાને લીધે ટીવી, સોફા, મોબાઇલ, લૅપટૉપ, ૩૦૦૦ રૂપિયાની કૅશ, કપડાં, શોકેસ, મંદિર જેવી ઘરની વસ્તુઓનું લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના મુખ્ય અધિકારી
પ્રકાશ બોરાડેએ ‘મિડ-ડે’ને કહ્યું
હતું કે ‘ઘરમાં ટીવીના પ્લગ પાસે લૅપટૉપ અને મોબાઇલ ચાર્જ કરવા મૂક્યાં હતાં. અચાનક શૉટ-સર્કિટ
થતાં ટીવીમાં બ્લાસ્ટ થયો હતો અને આગ ફેલાતાં અન્ય વસ્તુઓને નુકસાન થયું હતું. પરિવારના કહેવા પ્રમાણે અંદાજે પાંચ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી.’
આ ઘરમાં રહેતા સનદ તિવારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવ બન્યો ત્યારે અમારા ઘરમાં કોઈ
નહોતું. અમે બનાવ પહેલાં જ નીચે રાઉન્ડ મારવા ગયા હતા. એ વખતે અમારા ઘરની વિન્ડોમાંથી આગની લપટો જેવું દેખાતાં અમે દોડતા
ઉપર ઘરે ગયા હતા. ત્યાં જઈને
જોયું તો ટીવીથી લઈને શોકેસ, મોબાઇલ, લૅપટૉપ જેવી તમામ મહત્ત્વની વસ્તુઓ આગની લપેટમાં આવી ગઈ હતી. અમે ઘરની નીચે હોવાથી હકીકતમાં શું થયું એ અમને જ જણાયું નથી.’

