બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) વિસ્તારમાં એક કિલોમીટર દોડીને સુરતની ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિકાસ સહાને ઝડપી લઈ સુરત લાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
માસીના દીકરાની બેરહેમીપૂર્વક બ્લેડ વડે ગળું કાપીને હત્યા કરનાર આરોપી વિકાસ સહાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
કામધંધો ન કરતા ભાણિયાને માસી ટોકતી હતી એટલે તેના ત્રણ વર્ષના દીકરાનું અપહરણ કરીને તેને બ્લેડથી ગળું કાપીને મારી નાખ્યો : મુંબઈમાં નાસતો ફરતો આરોપી સુરત પોલીસને જોઈને ભાગ્યો, પરંતુ BKCમાં એક કિલોમીટર દોડીને પોલીસે પકડી પાડ્યો : માસીનો ફોન ચાલુ કર્યો અને પોલીસને લોકેશન મળી ગયું
મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસના પ્લૅટફૉર્મ-નંબર ૪ પર આવેલી કુશીનગર એક્સપ્રેસના એક ડબ્બાના ટૉઇલેટના ડસ્ટબિનમાંથી ૨૩ ઑગસ્ટે મળી આવેલો માસૂમ બાળકના મૃતદેહનો ભેદ ઉકેલાઈ ગયો છે. સુરતમાં માસીને ત્યાં રહેવા આવેલા અને કામધંધો ન કરતા ભાણિયાને માસીએ ટોકતાં તેના ત્રણ વર્ષના દીકરાનું અપહરણ કરીને મુંબઈ લાવી તેનું બેરહેમીપૂર્વક બ્લેડથી ગળું કાપી નાખ્યું હતું. એ પછી ટ્રેનના ટૉઇલેટના ડસ્ટબિનમાં તેના મૃતદેહને નાખીને નાસતો ફરતો આરોપી સોમવારે મોડી સાંજે સુરત પોલીસને જોઈને ભાગ્યો હતો, પરંતુ બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) વિસ્તારમાં એક કિલોમીટર દોડીને સુરતની ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિકાસ સહાને ઝડપી લઈ સુરત લાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
સુરતની ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) ભાવેશ રોઝિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કૃષ્ણાનગરમાંથી ૨૧ ઑગસ્ટે ૩ વર્ષના બાળકનું અપહરણ થયું હતું જેની તપાસ શરૂ કરવામાં આવી હતી. એમાં જાણવા મળ્યું હતું કે આરોપી વિકાસ સાઉદી અરેબિયાથી પાછો આવીને તેના વતન બિહાર ખાતે આવ્યો હતો. એ પછી છેલ્લા ૧૫ દિવસથી સુરત રહેતી તેની માસીના ઘરે આવ્યો હતો. કામધંધો ન કરતા ભાણેજને માસી ટોકતી હોવાથી તેને ખોટું લાગ્યું હતું એટલે માસીના ત્રણ વર્ષના દીકરાનું અપહરણ કરીને મુંબઈ લઈ ગયો હતો. ટ્રેનમાં બાળકનું બ્લેડ વડે ગળું કાપી નાખીને હત્યા કરી હતી અને ટૉઇલેટના ડસ્ટબિનમાં તેનો મૃતદેહ નાખી દઈને નાસી ગયો હતો. તે સુરતથી બાળકનું અપહરણ કરીને ગયો એ દરમ્યાન તેની માસીનો મોબાઇલ ફોન પણ સાથે લઈ ગયો હતો. આ ફોન તેણે થોડી વાર માટે ચાલુ કરતાં તેનું લોકેશન મુંબઈમાં મળ્યું હતું જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે મુંબઈમાં ત્રણ દિવસ સઘન તપાસ હાથ ધરી હતી. એક દિવસ બાંદરામાં લોકેશન મળ્યું એટલે ત્યાં આરોપીની શોધખોળ કરી, બીજા દિવસે કુર્લામાં લોકેશન મળ્યું તો ત્યાં પણ શોધખોળ કરી, પરંતુ સોમવારે તેણે ફોન ચાલુ કર્યો અને BKCનું લોકેશન મળ્યું હતું જેથી આ વિસ્તારમાં તપાસ કરીને લોકેશન પર પોલીસ પહોંચતાં આરોપી સચેત થઈ ગયો અને ભાગવા માડ્યો, પરંતુ પોલીસે એક કિલોમીટર સુધી દોડીને આરોપીને ઝડપી લીધો હતો અને સોમવારે રાતે મુંબઈથી તેને સુરત લઈ ગયા હતા.’

