દેશમાં સાકરનો પૂરતો જથ્થો છે, અછત નથી; ટૂંક સમયમાં ભાવમાં ઘટાડો થશે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં સાકરની અછત નથી એવી ધરપત દેશમાં સાકર કારખાનાંની સંસ્થા ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશને (ISMA) ગઈ કાલે આપીને જણાવ્યું હતું કે છૂટક ભાવમાં વધારો થયો છે પણ થોડા સમયમાં ભાવમાં ઘટાડો થશે.
આ સંદર્ભમાં ISMAના પ્રમુખ નીરજ શિરગાંવકરે જણાવ્યું હતું કે તાજેતરનો ભાવવધારો મુખ્યત્વે સટ્ટાકીય સ્ટૉકિંગ અને હવામાન સંબંધિત મુદ્દાઓને કારણે ઓછા ઉત્પાદનને કારણે થયો છે. ભારતમાં સાકરની અછત નથી અને પુરવઠાની સ્થિતિ મૂળભૂત રીતે મજબૂત છે. દેશમાં તહેવારોની માગણીને પહોંચી વળવા માટે પૂરતો સ્ટૉક અને પુરવઠો છે.
ADVERTISEMENT
છેલ્લા એક મહિનામાં છૂટક અને જથ્થાબંધ બજારોમાં સાકરના ભાવ ૨૪ ટકા વધીને ૫૬થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો થયા છે જેના કારણે કેન્દ્ર સરકારે ૨૦ ઑગસ્ટે ૧૦ લાખ ટન કાચી સાકરની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપી હતી.
બીજી તરફ નૅશનલ ફેડરેશન ઑફ કો-ઑપરેટિવ શુગર ફૅક્ટરીઝ (NFCSF)એ પણ જણાવ્યું છે કે સ્થાનિક પુરવઠો પૂરતો છે. ૨૦૨૫-૨૬ સીઝન માટે અેનો ચોખ્ખો સાકર ઉત્પાદન અંદાજ ૨૭૯ લાખ ટન છે જેમાં એથનૉલ ઉત્પાદન માટે ડાયવર્ટ કરાયેલ અંદાજિત ૨૪ લાખ ટનનો સમાવેશ થાય છે.
NFCSFના પ્રમુખ પ્રકાશ નાઈકનવરે જણાવ્યું હતું કે ‘અન્ય ઉદ્યોગ જૂથો દ્વારા તેમના અંદાજોમાં સુધારો કરવામાં આવ્યો હોવા છતાં ફેડરેશન દ્વારા ઉત્પાદન અંદાજ જાળવી રાખવામાં આવ્યો છે.
૧ ઑક્ટોબરથી શરૂ થતી ૨૦૨૬-૨૭ સીઝન માટે ફેડરેશન દ્વારા ૩૫ લાખ ટન ઓપનિંગ સ્ટૉકનો અંદાજ છે. માસિક સ્થાનિક માગણી લગભગ બાવીસ લાખ ટન હોવાથી અે નવેમ્બરમાં ૧૫-૨૦ લાખ ટન સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે, જ્યારે પ્રારંભિક ક્રશિંગથી નવો પુરવઠો ઉમેરવાની અપેક્ષા છે.
