સીવુડ્સનો પ્રસાદ કદમ લોનનું રીપેમેન્ટ નથી કરી શક્યો એટલે તેણે પોતાની ગાડીના નંબરનો એક આંકડો બદલ્યો એમાં પકડાઈ ગયો
બંને નંબર પ્લેટ
નરીમાન પૉઇન્ટ નજીક રહેતા કૅબ-ડ્રાઇવર સાકિર અલીએ પોતાની કાર જેવો સેમ નંબર ધરાવતી એક અર્ટિગા કાર તાજ હોટેલ નજીક પાર્ક થયેલી જોઈ હતી. ત્યાર બાદ તેણે ઘટનાની જાણ કોલાબા પોલીસને કરી હતી. પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે નવી મુંબઈના સીવુડ્સમાં રહેતા પ્રસાદ કદમે કારની લોનના હપ્તા ન ભરી શકતાં પોતાની કારનો એક નંબર બદલી નાખ્યો હતો. અંતે કોલાબા પોલીસે પ્રસાદ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રસાદે જાણીજોઈને કારની નંબર-પ્લેટ બદલી નાખી હતી, કારણ કે તેણે લોન લીધી હતી અને તે હપ્તો ચૂકવી શક્યો નહોતો એમ જણાવતાં કોલાબાના એક સિનિયર પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાકિરે પોતાની અર્ટિગા કારના નંબર (MH01 EE 2388)વાળી અર્ટિગા કાર ગેટવે ઑફ ઇન્ડિયા નજીક તાજ હોટેલ પાસે જોઈ હતી. એ પછી તેણે અમને ઘટનાની જાણ કરતાં અમે બન્ને કાર પોલીસ-સ્ટેશને લઈ આવ્યા હતા. ત્યાર બાદ ચેસી-નંબર સહિત બીજી માહિતી મેળવી જોતાં પ્રસાદે કરેલી છેતરપિંડી જણાઈ આવી હતી. અમે પ્રસાદ કદમ વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.’