આ એન્જિનિયરિંગ માર્વેલ બદલ PMRDAના નામે બે રેકૉર્ડ નોંધાયા
ચીખલીનું ૧૪ માળનું અવૉર્ડ-વિનિંગ બિલ્ડિંગ.
પુણે મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (PMRDA)એ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચી દીધો છે. ચીખલીના સેક્ટર ૧૨ના હાઉસિંગ પ્રોજેક્ટમાં PMRDAએ માત્ર ૯૫ દિવસના રેકૉર્ડ સમયમાં ૧૪ માળના રેસિડેન્શિયલ બિલ્ડિંગનું કામ પૂરું કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ સિદ્ધિને એશિયા બુક ઑફ રેકૉર્ડ્સ અને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સ દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી છે.
PMRDAએ આ વખતે પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડ્યો છે. પહેલાં PMRDAએ ૧૦૦ દિવસમાં બિલ્ડિંગ પૂરું કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો અને નવા રેકૉર્ડ મુજબ ૯૫ દિવસમાં બિલ્ડિંગ બનાવ્યું છે. જોકે નોંધાયેલા રેકૉર્ડની વાત કરીએ તો લાર્સન ઍન્ડ ટુબ્રો (L&T)ના નામે ૯૬ દિવસમાં ૧૨ માળનું બિલ્ડિંગ બનાવવાનો રેકૉર્ડ નોંધાયો હતો જેને PMRDAએ પાછળ છોડી દીધો છે.
ADVERTISEMENT
આ અશક્ય લાગતા કાર્યને શક્ય બનાવવા માટે અત્યાધુનિક પ્રીકાસ્ટ (અગાઉથી તૈયાર કરાયેલા સિમેન્ટના બ્લૉક) ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંદાજે ૯૦૦૦ જેટલા શ્રમિકોએ દિવસ-રાત ૩ શિફ્ટમાં સતત કામ કરીને આ ઇમારતને નિર્ધારિત સમયમાં પૂરી કરી હતી.
