કોલ્હાપુર જિલ્લામાં આવેલા પ્રયાગ ચિખલી ગામમાં ૭૫ ટકા પરિવારો પાસે પોતાનાં વાહનો માટે નક્કી કરેલા સિગ્નેચર નંબર છે. જાણો પંચગંગા નદીના કિનારે વસેલા આ ગામની ૩૫ વર્ષ જૂની એક પરિવાર, એક નંબર પરંપરા અને RTO હરાજીના રોમાંચ વિશે
શિવતેજ શંકર યાદવનાં ચારેચાર ટૂ-વ્હીલરના એકસરખા 0554 નંબર છે.
મહારાષ્ટ્રમાં એક એવું અનોખું ગામ છે જ્યાં પરિવારની ઓળખ તેના નામ કે અટકથી નહીં પણ વાહનની નંબરપ્લેટ પરથી થાય છે. કોલ્હાપુર જિલ્લામાં આવેલા પ્રયાગ ચિખલી ગામમાં ૭૫ ટકા પરિવારો પાસે પોતાનાં વાહનો માટે નક્કી કરેલા સિગ્નેચર નંબર છે. જાણો પંચગંગા નદીના કિનારે વસેલા આ ગામની ૩૫ વર્ષ જૂની એક પરિવાર, એક નંબર પરંપરા અને RTO હરાજીના રોમાંચ વિશે
કલ્પના કરો કે તમે કોઈ ગામના રસ્તા પર ઊભા છો. સામેથી એક ચમચમાતી કાર પસાર થાય છે જેની નંબરપ્લેટ પર લખ્યું છે MH09 8282. એની પાછળ એક બાઇક આવી રહી છે. એનો નંબર પણ MH09 8282 છે. થોડી જ વારમાં ખેતર તરફ જતું ટ્રૅક્ટર દેખાય છે અને નવાઈની વાત એ છે કે એની પાછળ પણ એ જ ૪ આંકડા MH09 8282. આ કોઈ ફિલ્મનું શૂટિંગ કે નંબરપ્લેટનું કૌભાંડ નથી, પરંતુ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આવેલા પ્રયાગ ચિખલી ગામની અનોખી ઓળખ છે. જો તમે આ ગામમાં હો તો ‘આ ગાડી કોની છે’ એ જાણવા માટે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની ઍપ ખોલવાની જરૂર ન પડે. અહીં વાહનની નંબરપ્લેટ માત્ર સરકારી નોંધણીનો આંકડો નથી, આખા પરિવારની અટક છે. દાદાએ વાહનની નોંધણી માટે પસંદ કરેલો નંબર દીકરો સાચવે અને દીકરાનો નંબર પૌત્ર આગળ ધપાવે. મુંબઈથી લગભગ ૩૮૦ કિલોમીટર દૂર આવેલા આ ગામમાં વાહનનો ફૅન્સી નંબર સ્ટેટસ સિમ્બૉલ કે માત્ર ન્યુમરોલૉજીનો વિષય નથી, પેઢીઓની પરંપરા અને પરિવારની એકતાનું પ્રતીક છે. ગામમાં ૭૫ ટકા પરિવારો પાસે પોતાના સિગ્નેચર નંબર છે, જે આખા ખાનદાનની ઓળખ બની ચૂક્યા છે. આવો જાણીએ આ અનોખી પ્રથા, RTOની પ્રક્રિયા અને ગામના ઇતિહાસ-ભૂગોળ વિશે.
ADVERTISEMENT
કેવી રીતે શરૂ થઈ પ્રથા?
અંદાજે ૧૦,૦૦૦ની વસ્તી ધરાવતા પ્રયાગ ચિખલી ગામમાં આજે ૪૦૦૦ જેટલાં વાહનો છે જે ૧૯૦૦ પરિવારની ઓળખ બની ગયાં છે. ૧૯૯૦ની આસપાસ જ્યારે ગામમાં આર્થિક સમૃદ્ધિ વધી અને લોકોએ ટ્રૅક્ટર, જીપ અને મોટરસાઇકલ ખરીદવાની શરૂઆત કરી ત્યારે ‘એક પરિવાર, એક નંબર’ ટ્રેન્ડનાં બીજ રોપાયાં હતાં. શરૂઆતમાં ગામના કેટલાક પ્રતિષ્ઠિત પરિવારોએ પોતાના નવા વાહન માટે RTOમાંથી પસંદગીનો નંબર લીધો. ગામના ખેડૂત પાંડુરંગ યાદવે પોતાની પહેલી મોટરસાઇકલ ખરીદી ત્યારે તેણે શોખ ખાતર 7777 નંબર પસંદ કર્યો હતો. ત્યાર બાદ તેના પરિવારમાં જેટલા પણ નવાં વાહનો આવ્યાં એ તમામ માટે તેણે આ જ નંબર લેવાનો આગ્રહ રાખ્યો. તેની આ અનોખી રીત જોઈને ગામના અન્ય પરિવારો પણ પ્રેરિત થયા અને ધીમે-ધીમે આખા ગામમાં પોતપોતાના સિગ્નેચર નંબર રાખવાની પ્રથા શરૂ થઈ ગઈ. રસ્તા પરથી પસાર થતી ગાડીનો નંબર જોઈને ગામવાસીઓ કહી દે છે કે આ વાહન કોનું છે. જેમ કે MH09 8282 એટલે દળવી પરિવાર. પચીસ સભ્યોના સંયુક્ત પરિવારના મોભી સંપતરાવ દળવીના ઘરે કાર, બાઇક અને ઇલેક્ટ્રિક સ્કૂટર મળીને કુલ ૧૧ વાહનો છે અને તમામનો નંબર MH09 8282 છે. મરાઠીમાં ૮૨ને ‘બ્યાંશી’ બોલાય છે. બ્યાંશી-બ્યાંશી બોલવામાં જે લય અને રણકાર આવે છે એના કારણે દળવી પરિવારે આ નંબર પસંદ કર્યો છે. એવી જ રીતે ગોળનો વ્યવસાય ધરાવતા બાબુરાવ પાટીલનાં ચારેય વાહનો પર MH09 7000 નંબર છે, કારણ કે ૭નો આંકડો તેમના માટે લકી છે. રસ્તા પર MH09 5151 નંબર દેખાય એટલે બધા સમજી જાય કે રાજપૂત પરિવારની ગાડી પસાર થઈ રહી છે. હેરકટિંગ સેલોં ચલાવતા સાજરાવ સાળુંખે પરિવારનાં ત્રણેય વાહનોનો નંબર MH09 1314 છે જેનો સરવાળો ૯ થાય છે.
ગ્રામજનો શું કહે છે?
કોલ્હાપુરની પ્રખ્યાત ગોકુળ ડેરીમાં કામ કરતા અને ગામના સરપંચ તરીકે ચૂંટાઈ આવેલા રોહિત પાટીલ કહે છે, ‘અમારું ગામ અનોખી નંબરપ્લેટ માટે જાણીતું છે. અમારા ગામના લગભગ ૭૫ ટકા પરિવારો પાસે પોતાના ખાસ નંબર છે. અમારા પરિવારનાં તમામ વાહનોનો નંબર MH09 3500 છે જે ૩૦ વર્ષ પહેલાં મારાં દાદીએ પસંદ કર્યો હતો. ત્યાર બાદ મારા પપ્પાએ એ જ નંબર લેવાનો આગ્રહ રાખ્યો અને મેં પણ એને અનુસરવાનું ચાલુ રાખ્યું છે. માત્ર વાહન જ નહીં, મારા મોબાઇલ-નંબરના છેલ્લા ૪ આંકડા પણ 3500 જ રાખ્યા છે. આ માત્ર શોખ નથી, પેઢીઓથી ચાલતી પરંપરા અને પરિવારની ઓળખ છે. પ્રયાગ ચિખલીમાં અંદાજે ૪૦૦૦ વાહનો રજિસ્ટર્ડ છે. ગ્રામજનો RTOમાં અરજી કરીને પહેલાં પોતાના પરિવારનો નંબર પાકો કરે છે અને નંબર મળ્યા પછી જ નવું વાહન ખરીદે છે. ઘણા પરિવારોએ પોતાની ઓળખને વધુ મજબૂત બનાવવા તેમના વાહનના નંબર અને મોબાઇલ ફોનના છેલ્લા ૪ આંકડા એકસરખા જ રાખ્યા છે.’
ફર્નિચરનો વ્યવસાય કરતો ૨૭ વર્ષનો શિવતેજ શંકર યાદવ રસપ્રદ ખુલાસો કરતાં કહે છે, ‘અમારા પરિવારમાં ૩ જણ છે. હું, મારો ભાઈ અને પપ્પા ત્રણેયના નામના પહેલા અક્ષરના ઇનિશ્યલ્સ SSY છે. અમારી પાસે ૬ બાઇક, એક સ્કૂટર અને એક કાર મળીને કુલ ૮ વાહનો છે જે બધાનો નંબર MH09 0554 છે. એને ચોક્કસ પ્રકારે લખવામાં આવે તો અંગ્રેજીમાં SSY વંચાય છે એટલે અમે આ નંબર પસંદ કર્યો છે. શહેરોમાં લોકો જ્યોતિષ કે ન્યુમરોલૉજી મુજબ નંબર લે છે, જ્યારે અમારા ગામમાં આવું કરવાનું કારણ અંધશ્રદ્ધા નહીં પણ દાદા-પરદાદાની યાદ અને પારિવારિક એકતાનું ગણિત છે. વર્તમાન સમયમાં જ્યાં સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે ત્યાં પ્રયાગ ચિખલી ગામમાં આજે પણ ૨૦-૨૫ સભ્યો એક છત નીચે રહે છે.’
પહેલાં નંબર, પછી ગાડી
એક પરિવારથી શરૂ થયેલો આ વિચાર લોકોને એટલો ગમી ગયો કે જોતજોતામાં એ પરંપરા બની ગઈ. પછી તો ગામમાં સ્પર્ધા જામી અને દરેક પરિવારે પોતાનો એક ખાસ સિગ્નેચર નંબર નક્કી કરી લીધો. સામાન્ય રીતે કોઈ પણ વાહનની નંબરપ્લેટ ફક્ત સરકારી નોંધણીનો એક ભાગ હોય છે; પરંતુ પ્રયાગ ચિખલી ગામમાં આ નંબરપ્લેટ પરિવારની શાખ, એકતા અને પેઢીઓની ઓળખ બની ગઈ હોવાથી વાહન ખરીદવાની રીત પણ સાવ અલગ છે. કોઈ પરિવારમાં નવી બાઇક કે કાર ખરીદવાની વાત આવે તો શોરૂમમાં જતાં પહેલાં કોલ્હાપુર RTO (MH09)માં પોતાના ખાનદાની નંબરની તપાસ અને બુકિંગની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જ્યાં સુધી મનપસંદ નંબર ન મળે ત્યાં સુધી ઘણા લોકો ગાડીની ડિલિવરી પણ લેતા નથી. ગામના લોકો આર્થિક રીતે સધ્ધર થયા છે, પરંતુ બધા પરિવારો ધનવાન નથી છતાં નંબરપ્લેટ માટે અલગથી ૫૦૦૦ રૂપિયાથી લઈને ૫૦,૦૦૦ રૂપિયા સુધીનું બજેટ રાખે છે. તેમના માટે આ વધારાનો ખર્ચ નથી પણ વડીલોના વારસા અને પરિવારની શાખનો સવાલ છે. મોટા ભાગે તેઓ દશેરા,
ગુઢીપાડવા અને દિવાળી જેવા શુભ દિવસોમાં નવું વાહન ખરીદે છે.
પ્રયાગ ચિખલી અને આસપાસના વિસ્તારોમાં ફૅન્સી નંબરોના જબરદસ્ત ક્રેઝને કારણે કોલ્હાપુર RTOની તિજોરી છલકાઈ રહી છે. ડેપ્યુટી RTO મનોજ ઓતારી કહે છે, ‘નવી સિરીઝ ખૂલતાંની સાથે જ પહેલા દિવસે સેંકડો અરજીઓ આવે છે.
દશેરા-દિવાળી જેવા તહેવારોમાં તો એક જ સિરીઝ માટે ૧૨,૦૦૦ જેટલી અરજીઓ આવી જાય છે, જેની હરાજી ૩ કલાકથી વધુ સમય સુધી ચાલે છે. પારદર્શકતા જાળવવા માટે RTO દ્વારા ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) મગાવવામાં આવે છે અને તમામ અરજદારોની હાજરીમાં બંધ કવર ખોલીને હરાજી થાય છે. એક ગ્રાહકે મોટરસાઇકલ માટે 1008 નંબર મેળવવા હરાજીમાં ૧.૫૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા, જે તેની બાઇકની મૂળ કિંમત કરતાં પણ ઘણા વધારે હતા. કોલ્હાપુરનો કોડ MH09 હોવાથી અહીં ૯ સાથે જોડાયેલા આંકડાઓ (જેમ કે 9999, 9009, 0909) માટે સૌથી વધુ બોલી લાગે છે.
પ્રયાગ ચિખલી ગામમાં હવે પેટ્રોલ બાઇક અને ટ્રૅક્ટરની સાથે-સાથે આધુનિક ઇલેક્ટ્રિક સ્કૂટર (EV) પણ આવી ગયાં છે. નવી પેઢીના યુવાનો પણ પરંપરાને વળગી રહ્યા છે અને નવાં ઇલેક્ટ્રિક વાહનો માટે જૂનો ખાનદાની નંબર લેવાનો આગ્રહ રાખે છે. જો તમે ક્યારેય કોલ્હાપુરના પ્રયાગ ચિખલી ગામની મુલાકાત લો અને રસ્તા પર એક જ નંબરની અનેક ગાડીઓ એકસાથે પસાર થતી જુઓ તો નવાઈ ન પામતા. આજના યુગમાં જ્યાં શહેરોમાં સંયુક્ત પરિવારો વિખેરાઈ રહ્યા છે અને માણસ પોતાની મૂળ ઓળખ ભૂલી રહ્યો છે ત્યાં આ ટચૂકડા ગામના લોકોએ વાહનની નંબરપ્લેટને પરિવારની પ્રતિષ્ઠાનું પ્રતીક બનાવીને સાબિત કરી દીધું કે અહીં વાહન બદલાય છે, પેઢી બદલાય છે પણ નંબરપ્લેટના એ ૪ આંકડા નથી બદલાતા.
જાણો છો?
પ્રયાગ ચિખલી ગામ જાણીતા પાર્શ્વગાયક સુરેશ વાડકરનું મૂળ વતન છે. નેવુંના દાયકામાં પોતાનાં તમામ વાહનો માટે 7777 નંબર લઈને આ અનોખી પરંપરાની શરૂઆત કરનારા પાંડુરંગ યાદવ તેમના જૂના પાડોશી છે.

પ્રયાગ ચિખલીના જુદાજુદા પરિવારની નંબરપ્લેટ આઇડેન્ટિટી.
‘દક્ષિણ કાશી’ તરીકે ઓળખાય છે પ્રયાગ ચિખલી
કોલ્હાપુર શહેરથી ઉત્તરે લગભગ ૯ કિલોમીટર દૂર કરવીર તાલુકામાં આવેલું પ્રયાગ ચિખલી ગામ માત્ર વાહનોના ફૅન્સી નંબરો માટે જ નહીં; એના પૌરાણિક, ભૌગોલિક અને આધ્યાત્મિક મહત્ત્વ માટે પણ જાણીતું છે. ગામના નામ આગળ ‘પ્રયાગ’ શબ્દ લાગવા પાછળ ખાસ કારણ છે. અહીં સહ્યાદ્રિની પર્વતમાળાઓમાંથી નીકળતી ૪ નદીઓ કાસારી, કુંભી, તુલસી અને ભોગાવતીનો સંગમ થાય છે અને લોકવાયકા મુજબ ગુપ્ત સરસ્વતી નદી પણ ભળે છે. આ પાંચ નદીઓના પવિત્ર સંગમસ્થાનથી જ કોલ્હાપુરની જીવાદોરી ગણાતી પંચગંગા નદીનો ઉદ્ભવ થયો છે. આ અદ્ભુત સંગમને કારણે શ્રદ્ધાળુઓ આ સ્થળને
દિક્ષણ પ્રયાગ અથવા દિક્ષણ કાશી તરીકે પૂજે છે. ‘શ્રી ગુરુચરિત્ર’ ગ્રંથમાં પણ આ સ્થાનનો ઉલ્લેખ છે અને એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય અહીં સ્નાન કરવા આવતા હતા. અહીં નદીના કિનારે દત્ત મંદિર, કાર્તિક સ્વામી મંદિર, નવગ્રહ શિલા અને સંગમ ઘાટ આવેલાં છે જ્યાં મકરસંક્રાન્તિ પછીનો માઘ સ્નાન ઉત્સવ, કાર્તિક પૂર્ણિમા અને દત્ત જયંતીના મેળામાં હજારો ભક્તો ઊમટે છે. કાળી ફળદ્રુપ જમીન અને નદીકિનારાને કારણે આખો વિસ્તાર શેરડીની ખેતી અને કોલ્હાપુરી ગોળના ઉત્પાદન માટે જાણીતો છે. જોકે ચોમાસામાં અહીં દર વર્ષે પૂરનું જોખમ રહે છે. ૧૯૮૯, ૨૦૦૫, ૨૦૧૯માં આવેલા મહાપૂર વખતે આખું ગામ જળમગ્ન થઈ ગયું હતું. ગ્રામજનોની એકતા અને અતૂટ શ્રદ્ધાને કારણે આ ગામ હંમેશાં ફરી બેઠું થયું છે. વાહનોના એકસરખા નંબરની પરંપરા પૂર, અકસ્માત જેવા કટોકટીના સમયે લાઇફલાઇન સાબિત થાય છે. નંબર જોઈને તરત જ ખબર પડી જાય છે કે કયા પરિવારની વ્યક્તિ મુશ્કેલીમાં છે અને કોઈ પણ પૂછપરછ વગર સીધો જ એ પરિવારનો સંપર્ક કરીને મદદ પહોંચાડી શકાય છે.
બધાં વાહનો પર એકસરખો નંબર કાયદેસર કેવી રીતે?
૧. ભારતમાં કોઈ પણ વાહનના રજિસ્ટ્રેશન-નંબરમાં રાજ્ય, જિલ્લાનો કોડ, સિરીઝના અંગ્રેજી અક્ષરો (AB, AC વગેરે) અને અંતે ૪ આંકડા હોય છે. દાખલા તરીકે MH 09 AB 8282. આમાં MH એટલે મહારાષ્ટ્ર, 09 એટલે કોલ્હાપુર RTO અને AB એ સિરીઝ (આલ્ફાબેટ) છે.
૨. કાયદા મુજબ એક જ સિરીઝમાં બે વાહનોને એકસરખો નંબર ન મળી શકે, પરંતુ જ્યારે RTOની નવી સિરીઝ (જેમ કે AB પછી AC, AD, AE...) ખૂલે છે ત્યારે દરેક નવી સિરીઝમાં 0001થી 9999 સુધીના નંબરો ફરીથી ઉપલબ્ધ થાય છે. આથી પરિવારના એક વાહનનો નંબર MH 09 AB 8282 હોય તો બીજા વાહનનો નંબર MH 09 CD 8282 અને ત્રીજાનો MH 09 EF 8282 હોઈ શકે છે. આ સંપૂર્ણપણે કાયદેસર છે.
૩. RTOમાં ટૂ-વ્હીલર, ફોર-વ્હીલર અને કમર્શિયલ/ખેતીનાં વાહનો (ટ્રૅક્ટર) માટે અલગ-અલગ સિરીઝ ચાલતી હોય છે. તેથી એક જ સમયે એક પરિવાર પોતાની કાર અને બાઇક બન્ને માટે અલગ-અલગ સિરીઝમાં એક જ ૪ આંકડાનો નંબર મેળવી શકે છે.
