પોલીસને પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ પાસેથી મળી આ માહિતી
આશિષ શેલાર પહોંચ્યા ટાઇગર શ્રોફના ખબર પૂછવા: લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા કરવામાં આવેલા હુમલા પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલાર ટાઇગર શ્રોફના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો ફોટો આશિષ શેલારે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ‘આ પ્રકારની હિંસાને આપણા સમાજમાં કોઈ સ્થાન નથી. હું ટાઇગર શ્રોફ જલદી સાજો થઈ જાય એવી પ્રાર્થના કરું છું.’
ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ અને હુમલાના પ્રકરણમાં પોલીસતપાસ દરમ્યાન આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં એવો મોટો ખુલાસો થયો છે કે હુમલાખોરોના મૂળ ટાર્ગેટ પર શરૂઆતમાં ટાઇગર શ્રોફ નહોતો. તેઓ મુંબઈમાં કોઈ અન્ય મોટી વ્યક્તિની હત્યા કરવા માટે આવ્યા હતા. જોકે પોતાના અગાઉથી નક્કી કરેલા મુખ્ય લક્ષ્ય સુધી સહેલાઈથી પહોંચી ન શકવાને કારણે તેમણે આ યોજના બદલી હતી. બૉલીવુડમાં પોતાની દહેશત ફેલાવવા માટે તેમણે ટાઇગર શ્રોફને જાનથી મારી નાખવાનું નક્કી કર્યું હતું. આ પાછળનો મુખ્ય હેતુ મુંબઈની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ભય ઊભો કરવાનો હતો. પોલીસે જોકે એ ઓરિજિનલ ટાર્ગેટનું નામ જાહેર નથી કર્યું. જોકે પોલીસનું માનવું છે કે આ તમામ માહિતી હાલ માત્ર આરોપીઓનાં પ્રાથમિક નિવેદનોના આધારે સામે આવી છે અને હજી તમામ આરોપીઓનું ક્રૉસ-ચેકિંગ બાકી છે. એ પ્રક્રિયા પૂરી થયા બાદ જ આ કેસમાં વધુ અને મોટા ખુલાસા થવાની શક્યતા છે.
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે હુમલાખોરોએ સોશ્યલ મીડિયાનો સહારો લઈને ટાઇગર શ્રોફને નિશાન બનાવ્યો હતો. ટાઇગર શ્રોફ અને તેના ચાહકો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવતી રીલ્સ તથા પોસ્ટ્સ પરથી હુમલાખોરોએ અભિનેતાની મૂવમેન્ટ્સ ટ્રેસ કરી હતી. આ સોશ્યલ મીડિયા રીલ્સ પરથી જ તેમને જાણ થઈ હતી કે ટાઇગર શ્રોફની સાથે સામાન્ય રીતે કોઈ પોલીસ-સુરક્ષા કે બંદોબસ્ત હોતો નથી જેનો લાભ લઈને તેમણે આ હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. આ ઉપરાંત આ હુમલો અચાનક નહોતો થયો, અગાઉથી સુનિયોજિત હતો.
