૫૦૦ ફુટ ઊંડી ખીણમાં પડું-પડું થઈ રહેલા અને ઝાડના સહારે અટકી ગયેલા કન્ટેનરમાંથી ડ્રાઇવરને બચાવવા રેસ્ક્યુ ટીમે પાંચ કલાકે બહુ જ સાવચેતી સાથે અભિયાન પાર પાડ્યું
બહુ જ સાવચેતી સાથે ડ્રાઇવરને બચાવી રહેલા રેસ્ક્યુ ટીમના જવાનો
પુણે-કોલાડ માર્ગ પર બુધવારે સાંજે એક કન્ટેનર ઊંડી ખીણમાં ખાબક્યું હતું. એમાં ફસાયેલા ડ્રાઇવર માટે ખીણની વચ્ચે આવેલું એક ઝાડ જીવન અને મૃત્યુ વચ્ચેની મહત્ત્વની કડી બની ગયું હતું. રેસ્ક્યુ ટીમના જણાવ્યા અનુસાર ગુડ્સ કન્ટેનર ઝાડને અડીને અટકી ગયું હતું, જેને કારણે એ વધુ ૫૦૦ ફુટ ઊંડી ખીણમાં સરકી જતાં અટકી ગયું હતું. રેસ્ક્યુ ટીમના જવાનો, ક્રેન અને પોલીસની મદદથી પાંચ કલાક સુધી ચાલેલા પડકારજનક ઑપરેશન બાદ ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો.
આ અકસ્માત સાંજે લગભગ ૬.૧૫ વાગ્યે વાળંજવાડી ગામની હદમાં આવેલા શંકર મંદિર નજીક થયો હતો. કન્ટેનર સુતારવાડીથી કોલાડ તરફ જઈ રહ્યું હતું ત્યારે એની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. કન્ટેનર રસ્તા પરથી નીચે ઊતરી ગયું હતું અને રસ્તાની બાજુમાં લગભગ ૪૦ ફુટ નીચે ખાબક્યું હતું. આ કન્ટેનર ખીણમાં ઊંડે સુધી પડી ગયું હતું અને એક ઝાડના ટેકે અટકેલું હતું. એ ઢાળ પર વધુ નીચે સરકી જવાની શક્યતા હોવાથી ફસાયેલા ડ્રાઇવર અને રેસ્ક્યુ ટીમના સભ્યો એમ બન્ને માટે ગંભીર જોખમ ઊભું થયું હતું. રેસ્ક્યુ ટીમની પાંચ કલાકની મહેનત બાદ ડ્રાઇવરને સહીસલામત બચાવી લેવામાં આવ્યો હતો.
