વેપારીએ દુકાનમાં પેટ્રોલ છાંટીને મચાવ્યો હોબાળો
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVCMC) દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ હાથ ધરાયેલી કડક ઝુંબેશ અંતર્ગત વસઈ-ઈસ્ટના ધુમાળનગરમાં આવેલા બે વ્યાપારી એકમો પરથી આશરે ૩ ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડા દરમ્યાન કાર્યવાહીથી રોષે ભરાયેલા એક વેપારીએ પોતાની દુકાનની અંદર પેટ્રોલ છાંટીને આગ લગાવી દેવાની ધમકી આપતાં સ્થળ પર ભારે અફરાતફરી અને તનાવનો માહોલ સર્જાયો હતો. VVCMCના કર્મચારીઓએ તરત હસ્તક્ષેપ કરીને મામલો થાળે પાડ્યો હતો અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
તપાસટીમ દ્વારા ધુમાળનગરમાં આવેલી અંબિકા એન્ટરપ્રાઇઝિસ અને ચામુંડા સ્ટેશનરી ઍન્ડ પૅકેજિંગ નામની બે દુકાનોની સઘન તપાસ કરવામાં આવી હતી. બન્ને સ્થળેથી મોટા પાયે સરકારે પ્રતિબંધિત કરેલું પ્લાસ્ટિક મળી આવતાં અધિકારીઓએ તાત્કાલિક સમગ્ર માલ જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ જપ્તીની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક વેપારી VVCMCની કાર્યવાહી સામે અત્યંત ગુસ્સે ભરાયો હતો. તેણે અચાનક પેટ્રોલની બૉટલ લાવીને દુકાનની અંદર છાંટી દીધી હતી અને એવી ધમકી આપી હતી કે બરબાદ થવા કરતાં દુકાનને સળગાવી દેવી વધુ સારી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી તેને તાત્કાલિક અટકાવ્યો હતો અને કાયદેસરની પોલીસ-કાર્યવાહીની ચેતવણી આપી હતી.
