અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘની માગણીને પગલે સરકારે ફરજિયાત લાઇસન્સનો આદેશ ખેંચી લીધો
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ખાદ્ય વસ્તુઓના જથ્થાબંધ અને છૂટક વેપારીઓને મોટી રાહત મળી છે. અખિલ ભારતીય ખાદ્ય તેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમ જ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે આપેલી માહિતી મુજબ હવે તેમને ફૂડ, સિવિલ સપ્લાય ઍન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ પાસેથી કોઈ પણ પ્રકારનું લાઇસન્સ લેવાની જરૂર રહેશે નહીં.
શંકર ઠક્કરે માહિતી આપતાં કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે ૨૦૧૬માં વડા પ્રધાનના ઈઝ ઑફ ડૂંઇગ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે તેલ, તેલીબિયાં, ચોખા, ઘઉં જેવી આવશ્યક વસ્તુઓ પર ફરજિયાત લાઇસન્સ લેવાનો આદેશ પાછો ખેંચ્યો હતો; પરંતુ ૨૦૨૫માં વેપારીઓ માટે ફરી લાઇસન્સ ફરજિયાત કરવાનો આદેશ અપાયા બાદ વિવિધ વેપારી સંગઠનોના પ્રતિનિધિઓએ રાજ્યના સપ્લાય સેક્રેટરીને આ આદેશ પાછો ખેંચવાની માગણી કરી હતી.’
ADVERTISEMENT
સરકારે વેપારીઓની માગણી સ્વીકારીને નવો આદેશ જાહેર કર્યો છે જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેલ, તેલીબિયાં, ચોખા, ઘઉં અને એનાં ઉત્પાદનો (સૂજી, મેંદો, લોટ), જુવાર, બાજરી, ખાંડ, ગોળ, દાળ, કઠોળ, વનસ્પતિ, કાંદા અને બટાટાના વેપારીઓએ હવે કોઈ પણ પ્રકારનું ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટનું લાઇસન્સ લેવાની જરૂર નથી.
જેમણે પહેલેથી લાઇસન્સ લીધું છે તેઓ પરત કરીને તેમની જમા રકમ પાછી મેળવી શકે છે. જો કોઈ અધિકારી લાઇસન્સના નામે અનાવશ્યક દબાણ બનાવે તો વેપારીઓ સંગઠનનો સંપર્ક કરી શકે છે. -શંકર ઠક્કર
APMC માર્કેટમાં કેરીઓ રસાયણોથી પકવવામાં આવી રહી હોવાની ફરિયાદ મળતાં FDAની ડ્રાઇવ
નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ના ફ્રૂટબજારમાંથી એક ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી છે. એક સતર્ક ગ્રાહકે જોયું કે બજારમાં કેટલાક વેપારીઓ ખુલ્લેઆમ કેરી પર રસાયણોનો છંટકાવ કરી રહ્યા છે. આ ઘટના ધ્યાનમાં આવતાં જ સંબંધિતોએ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને જાણ કરી હતી. કેરીને કૃત્રિમ રીતે પકવવા માટે જોખમી રસાયણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ થતાં સામાન્ય ગ્રાહકોના મનમાં ફરી એક વાર પ્રશ્ન ઊભો થયો છે કે આપણે જે કેરી ખાઈએ છીએ એ કુદરતી છે કે રાસાયણિક? પ્રાપ્ત માહિતી અનુસાર ત્યાર બાદ FDA અને APMC ઍડ્મિનિસ્ટ્રેશન તાત્કાલિક ઍક્શન મોડમાં આવી ગયાં હતાં. એક સંયુક્ત ટીમે બજારમાં કાર્યવાહી કરીને શંકાસ્પદ વેપારીઓને ત્યાં રેઇડ પાડી હતી અને કેરીના નમૂના જપ્ત કર્યા હતા.
