Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વર્ષોથી વેચાતો રમ અચાનક અસુરક્ષિત કેમ? FSSAIના આદેશ સામે બૉમ્બે હાઈ કોર્ટના સવાલો

વર્ષોથી વેચાતો રમ અચાનક અસુરક્ષિત કેમ? FSSAIના આદેશ સામે બૉમ્બે હાઈ કોર્ટના સવાલો

Published : 12 August, 2026 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાઈ કોર્ટે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારને ૧૯ ઑગસ્ટ સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવા આદેશ કર્યો છે

રમની બૉટલ

રમની બૉટલ


બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે જાણીતી લિકર બ્રૅન્ડ્સ ‘મૅક્ડોવેલ્સ નંબર 1 સેલિબ્રેશન મૅચ્યોર્ડ રમ’ અને ‘ઓલ્ડ મન્ક’ વિરુદ્ધ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધના આદેશો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. અદાલતે મૌખિક અવલોકન કરતાં જણાવ્યું હતું કે આ સમગ્ર વિવાદ પ્રોડક્ટ્સની ગુણવત્તા કે ગુણધર્મ સાથે નહીં પરંતુ એના લેબલિંગ સાથે સંબંધિત હોય એમ જણાય છે.
કાર્યવાહક મુખ્ય ન્યાયમૂર્તિ રવીન્દ્ર ઘુગે અને ન્યાયમૂર્તિ ગૌતમ અણખડની ખંડપીઠે દારૂ ઉત્પાદક કંપનીઓ યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ અને મોહન મીકિન લિમિટેડ દ્વારા દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. ઉત્પાદકોએ એમનાં મૅન્યુફૅક્ચરિંગ યુનિટ્સની તપાસ બાદ FSSAI દ્વારા આપવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધના આદેશોને પડકાર્યા છે.
યુનાઇટેડ સ્પિરિટ્સ વતી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ બીરેન્દ્ર સરાફે દલીલ કરી હતી કે પ્રતિબંધિત આદેશ આપતાં પહેલાં કંપનીને સાંભળવાની યોગ્ય તક આપવામાં આવી નહોતી. તેમણે જણાવ્યું હતું કે આ રમ ઘણાં વર્ષોથી એક જ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવી રહ્યો છે અને એની ગુણવત્તા વિશે કે એનાથી કોઈ ગ્રાહકને નુકસાન થયું હોય એવી એક પણ ફરિયાદ આવી નથી. 
આ તબક્કે હાઈ કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે માત્ર કોઈ ગ્રાહક ફરિયાદ કરે એના આધારે શું આવાં નિયમનકારી પગલાં ભરી શકાય?
બીજી તરફ મોહન મીકિન કંપની વતી વરિષ્ઠ વકીલ નવરોઝ સિરવાઈએ દાવો કર્યો હતો કે પ્રોડક્ટ નક્કી કરેલાં ધોરણો અનુસાર ૧૦૦ ટકા યોગ્ય છે. તેમણે ઉમેર્યું કે ‘માત્ર કોઈને એવું લાગ્યું કે આ રમ નથી એટલા માટે કાર્યવાહી કરી દેવાઈ. આટલાં વર્ષોથી કોઈ ગ્રાહકે ફરિયાદ કરી નથી.’
અરજદારોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે FSSAIએ હાલના સ્ટૉકને ‘રમ ફ્લેવર્ડ સ્પિરિટ’ તરીકે નવું લેબલ લગાવીને વેચવાની મંજૂરી આપી છે, પરંતુ નવા સ્ટૉકના ઉત્પાદન અને વેચાણ પર રોક લગાવી દીધી છે. બીરેન્દ્ર સરાફે સ્પષ્ટ કર્યું હતું કે દારૂના લેબલમાં તાત્કાલિક ફેરફાર કરવો શક્ય નથી, કારણ કે એના માટે રાજ્યના એક્સાઇઝ (આબકારી) વિભાગની મંજૂરી મેળવવી જરૂરી હોય છે.
હાઈ કોર્ટે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારને ૧૯ ઑગસ્ટ સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવા આદેશ કર્યો છે અને આ અરજીઓની વધુ સુનાવણી ૨૪ ઑગસ્ટે કરશે.


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK