પોલીસના જણાવ્યા અનુસાર માત્ર ૧૫ દિવસ પહેલાં જ નવું ધાબું ભરવામાં આવ્યું હતું.
ફાઇલ તસવીર
જૂની દિલ્હીના ચાવડી બજાર પાસે આવેલી ગલી શીશ મહેલમાં ગુરુવારે સવારે ત્રણ માળની એક ઇમારત ધરાશાયી થતાં બે મજૂરોનાં મોત થયાં હતાં અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર માત્ર ૧૫ દિવસ પહેલાં જ નવું ધાબું ભરવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે ૯.૪૮ વાગ્યે મજૂરો જ્યારે છતના ટેકા હટાવી રહ્યા હતા ત્યારે આખી ઇમારત તૂટી પડી હતી.
મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ દિલ્હી (MCD)ના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું હતું કે માલિકે બાંધકામ પ્લાનની મંજૂરી માટે કોઈ જ અરજી કરી નહોતી. ફરજમાં બેદરકારી દાખવવા બદલ MCDએ એક અસિસ્ટન્ટ એન્જિનિયર અને એક જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા હતા. પોલીસે માલિક અને કૉન્ટ્રૅક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૦૫ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
