મતદારયાદીમાંથી કપાયેલાં નામોની સુનાવણી માટે પહોંચેલા ૭ SIR અધિકારીઓને પશ્ચિમ બંગાળમાં ૯ કલાક બંધક બનાવી દેવાયા
ગઈ કાલે કલકત્તાના ભવાનીપુરમાં રૅલી દરમ્યાન અમિત શાહ.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ પહેલાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને લઈને માહોલ ગરમાયો છે. વોટર-લિસ્ટમાંથી નામ નીકળી ગયું હોવાના વિવાદને લઈને કેટલાક પ્રદર્શનકારીઓના ટોળાએ SIR અધિકારીઓને બંધક બનાવી દીધા હતા. SIR પ્રક્રિયામાં લોકોની સમસ્યા સાંભળવા માટે ૭ ન્યાયિક અધિકારીઓ બુધવારે માલદાની બ્લૉક ડેવલપમેન્ટ ઑફિસર (BDO)ની ઑફિસ પર પહોંચ્યા હતા. એમાં ૩ મહિલા પણ હતી. અધિકારીઓ બપોરે બે વાગ્યે ત્યાં આવ્યા એ પછી તરત જ વોટર-લિસ્ટમાંથી નામ કપાયાના વિરોધમાં હજારો લોકોએ એ ઑફિસને ઘેરી લીધી હતી. એ પછી તમામ અધિકારીઓને એ ઑફિસમાં લગભગ ૯ કલાક માટે ઘેરી લેવામાં આવ્યા હતા.
બંગાળમાં ચૂંટણી પહેલાં ચૂંટણીપંચની SIR એક્સરસાઇઝ બહુ મોટો મુદ્દો બની ગયો છે. આ પ્રોસેસ બાદ ફાઇનલ વોટર-લિસ્ટમાંથી ૬૩ લાખથી વધુ લોકોનાં નામ નીકળી ગયાં છે. બીજા ૬૦ લાખ વોટર્સને ‘અન્ડર-જજમેન્ટ’ રાખવામાં આવ્યા છે. SIRના જુડિશ્યલ અધિકારીઓ આ કેસોના રિવ્યુ કરવાનું કામ કરી રહ્યા છે. તેઓ આ રિવ્યુમાં દસ્તાવેજોની ચકાસણી કરીને મતદાતાનું નામ રાખવું કે હટાવવું એ નક્કી કરવાના હતા. આ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર જ થઈ રહ્યું હતું. જોકે ૯ કલાક ઑફિસમાં બંધક રાખ્યા પછી રાતે એક વાગ્યે એક પોલીસટીમે તેમને ત્યાંથી રેસ્ક્યુ કર્યા હતા. તેમને ઑફિસમાંથી લઈ જવાઈ રહ્યા હતા ત્યારે પોલીસની વૅન પર પણ પ્રદર્શનકારીઓએ પથ્થરો ફેંક્યા હતા.
ADVERTISEMENT
બીજા દિવસે પણ વિરોધ ચાલુ
રાતે SIR અધિકારીઓના નીકળ્યા પછી પણ વિરોધ વધતો ગયો હતો. પ્રદર્શનકારીઓના ટોળાએ નૅશનલ હાઇવેને વાંસ અને ફર્નિચર મૂકીને બ્લૉક કરી દીધો. તેમણે ટાયર સળગાવ્યાં હતાં અને રોડ પર જ ચૂલો જલાવીને ખાવાનું બનાવતા જોવા મળ્યા હતા. ગઈ કાલે બીજા દિવસે પણ વિરોધ-પ્રદર્શન ચાલુ રહ્યું હતું. તોફાન કરનારા લગભગ ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે આડે હાથ લીધા
આ મામલે ગઈ કાલે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી હતી. કોર્ટે કહ્યું હતું કે ‘૭ જુડિશ્યલ ઇલેક્શન ઑબ્ઝર્વરોને બંધક બનાવીને રાખવામાં આવ્યા. તેમને ખાવા-પીવાનું પણ ન મળ્યું. આ ઘટના બહુ સમજી-વિચારીને અને ભડકાવવા માટે થયેલી છે. અમને ખબર છે કે ઉપદ્રવી કોણ છે. તેમનો ઇરાદો ન્યાયિક અધિકારીઓનું મનોબળ તોડવાનો અને ચૂંટણીપ્રક્રિયાને બાધિત કરવાનો છે.’
ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે રાજ્યમાં કાનૂન-વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી એમ જણાવીને રાજ્યના હોમ સેક્રેટરી, DGP અને અન્ય અધિકારીઓની નિષ્ક્રિયતા પર જવાબ માગ્યો હતો.
ચીફ જસ્ટિસે મમતા સરકારની ટીકા કરી આ ઘટનાને સરકારની નિષ્ફળતા ગણાવીને કહ્યું હતું કે ‘રાતે ૧૧ વાગ્યા સુધી તમારા કલેક્ટર ઘટનાસ્થળે નહોતા. મારે રાતે સખત ઑર્ડર આપવા પડ્યા. કલકત્તા હાઈ કોર્ટના ચીફ જસ્ટિસની દખલ પછી જુડિશ્યલ અધિકારીઓને છોડવામાં આવ્યા. આ ઘટના જુડિશ્યલ અધિકારીઓને ડરાવવા-ધમકાવવાની ખુલ્લી કોશિશ તો છે જ અને સુપ્રીમ કોર્ટના આદેશને પણ ચૅલેન્જ કરે છે. અમે કદી આવું ફાંટા પડાવનારું રાજ્ય નથી જોયું જે કોર્ટના ઑર્ડર માનવાની બાબતમાં પણ પૉલિટિક્સ રમે.’
મમતા બૅનરજીની પાર્ટીનું ચૂંટણી-મૅનેજમેન્ટ કરતી કંપનીની ૩ બ્રાન્ચ પર EDની છાપામારી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ ગુરુવારે પૉલિટિકલ કન્સલ્ટન્સી કંપની I-PACનાં ત્રણ શહેરોનાં ઠેકાણાંઓ પર એકસાથે છાપામારી કરી હતી. EDના ઑફિસરોની ત્રણ ટીમોએ દિલ્હી, બૅન્ગલોર અને હૈદરાબાદની I-PACની ઑફિસમાં છાપામારી કરી હતી. આ દરોડા કોલસા-ગોટાળાના મામલે તપાસ કરવા માટેના છે. I-PAC એ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીની તૃણમૂલ કૉન્ગ્રેસ પાર્ટી માટે ચૂંટણી-મૅનેજમેન્ટનું કામ કરતી કન્સલ્ટિંગ કંપની છે. I-PAC અને એના ડિરેક્ટર ઋષિરાજ સિંહ પર કરોડો રૂપિયાની કોલસાચોરીના ગોટાળાનો આરોપ છે. આ મામલે CBIએ ૨૦૨૦ની ૨૭ નવેમ્બરે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો. આ મામલો ૨૭૪૨ કરોડ રૂપિયાના ગોટાળા સાથે સંકળાયેલો છે.
હવે ૧૫ દિવસ હું બંગાળમાં જ રહેવાનો છું
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે પશ્ચિમ બંગાળના ભવાનીપુરમાં રોડ-શો કર્યો હતો. એમાં તેમણે જાહેરાત કરી હતી કે ‘આગામી ૧૫ દિવસ હું બંગાળમાં રહેવાનો છું. તૃણમૂલ કૉન્ગ્રેસને જડથી ઉખાડવા અને બંગાળની ખાડીમાં ફેંકી દેવા માટે દરેક વ્યક્તિએ કોઈ ડર વિના મત આપવો જોઈએ. કોઈ પણ ગુંડો બંગાળના મતદાતાઓને નહીં રોકી શકે. ભવાનીપુરવાસીઓ, આખા બંગાળમાં પરિવર્તન કરવાનું હવે તમારા હાથમાં છે.’ અમિત શાહના રોડ-શોમાં ભારે ભીડ એકઠી થઈ હતી. જોકે રોડ-શો દરમ્યાન તેઓ કાલીઘાટ પહોંચ્યા હતા જ્યાં મમતા બૅનરજીનું ઘર છે. ત્યાં તૃણમૂલ કૉન્ગ્રેસનો કાર્યકર્તાઓએ અમિત શાહના કાફલાની સામે ‘જય બાંગલા’ અને ‘મમતા બૅનરજી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા અને માથે કાળું કપડું બાંધીને અમિત શાહને કાળા ઝંડા દેખાડ્યા હતા.
