આ લાંબી કાનૂની લડાઈમાં એક જ પરિવારની ૪ પેઢી છેલ્લાં ૭૦ વર્ષથી કોર્ટના ધક્કા ખાઈ રહી હતી.
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે ૭ દાયકા જૂના એક જટિલ જમીનવિવાદનો આખરે અંત લાવતાં ૧૯૫૭માં થયેલા રજિસ્ટર્ડ સેલ-ડીડ (વેચાણ દસ્તાવેજ)ને કાયદેસર રીતે માન્ય રાખ્યો છે. આ લાંબી કાનૂની લડાઈમાં એક જ પરિવારની ૪ પેઢી છેલ્લાં ૭૦ વર્ષથી કોર્ટના ધક્કા ખાઈ રહી હતી. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના નારસિપુર કલાં ગામમાં આવેલી ૧૫.૫ વીઘા જમીન અંગે આ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ રસપ્રદ કેસ ચુકાદો આપનારા ન્યાયાધીશોની ઉંમર કરતાં પણ વધારે જૂનો છે. અરજદાર શરાફત અલીના પૂર્વજોએ ૧૯૫૭ની ચોથી જૂને ૧૯૫૭ના રોજ સેલ-ડીડ દ્વારા આ જમીન ખરીદી હતી અને ત્યારથી તેઓ એના કબજેદાર હતા.
આ પહેલાં વર્ષ ૨૦૧૭માં ઉત્તરાખંડ હાઈ કોર્ટે અને સ્થાનિક કન્સોલિડેશન સત્તાધિકારીઓએ અત્યંત નજીવી વિસંગતતાઓને આધારે આ સેલ-ડીડને રદ્બાતલ ગણાવ્યું હતું. નીચલી કોર્ટોએ એવો તર્ક આપ્યો હતો કે દસ્તાવેજના એક સાક્ષીના રહેઠાણના સરનામામાં વિસંગતતા હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ કાનૂની ભૂલને સુધારીને જણાવ્યું કે કાયદાની દૃષ્ટિએ રજિસ્ટર્ડ દસ્તાવેજની માન્યતાની એક આગવી ગરિમા હોય છે.
ADVERTISEMENT
સામા પક્ષે ક્યારેય આ દસ્તાવેજ નકલી, દબાણપૂર્વકનો કે છેતરપિંડીથી બનાવવામાં આવ્યો હોવાનો કોઈ દાવો કે પુરાવો રજૂ કર્યો નથી. આથી, માત્ર નાની વહીવટી ખામીઓને કારણે આટલાં વર્ષો જૂના જમીન અધિકારને નકારી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના આદેશને ફગાવીને ચાર પેઢીઓથી ન્યાયની રાહ જોતા પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
