ભારતીય તરીકે અંતિમ દિવસો વિતાવવા આંધ્ર પ્રદેશનાં ૯૪ વર્ષનાં મહિલાએ અમેરિકાની નાગરિકતા છોડી દીધી
કલેક્ટર સમક્ષ અરજી કરવા ગયેલાં કોન્દ્રાગુન્તા મહાલક્ષ્મમ્મા
૧૮ વર્ષ અમેરિકામાં રહ્યા બાદ આંધ્ર પ્રદેશનાં ૯૪ વર્ષનાં કોન્દ્રાગુન્તા મહાલક્ષ્મમ્માએ પોતાની અમેરિકન નાગરિકતાનો ત્યાગ કર્યો છે અને અધિકારીઓને પોતાની ભારતીય નાગરિકતા પાછી આપવા અપીલ કરી છે. આ મહિલાએ જણાવ્યું છે કે તેમની છેલ્લી ઇચ્છા એ છે કે તે પોતાનું બાકીનું જીવન ભારતમાં વિતાવે, ભારતીય તરીકે મૃત્યુ પામે અને તેમના અંતિમ સંસ્કાર તેમના વતનના ગામમાં થાય.
બુધવારે મહાલક્ષ્મમ્માએ તેમના પુત્ર સાથે બાપતલા જિલ્લા-કલેક્ટર જે. વેન્કટ મુરલી સમક્ષ હાજર થઈને તેમની નાગરિકતાની અરજી વહેલી તકે પૂરી કરવાની વિનંતી કરીને કહ્યું હતું કે જો મારી નાગરિકતા પુનઃ સ્થાપિત કરવામાં આવે તો હું ભારતીય બંધારણનો આદર કરીશ અને દેશના તમામ કાયદાઓનું પાલન કરીશ. આ મુદ્દે કલેક્ટરે કહ્યું હતું કે ‘અરજી પર નિર્ધારિત નિર્ણય લેવામાં આવશે. તપાસ પૂરી થયા પછી રાજ્ય સરકારને એક અહેવાલ સુપરત કરવામાં આવશે, જે નાગરિકતા અરજી પર અંતિમ નિર્ણય માટે કેન્દ્રને એની ભલામણ મોકલશે.’
ADVERTISEMENT
૨૦૦૦માં અમેરિકન નાગરિક બન્યાં
મહાલક્ષ્મમ્મા તેમના પતિ નાગભૂષણમના મૃત્યુ પછી તેમના ઑન્કોલૉજિસ્ટ પુત્ર બુચૈયા ચૌધરી સાથે રહેવા માટે અમેરિકામાં વર્જીનિયાના પીટર્સબર્ગ ગયાં હતાં. તેઓ જુલાઈ ૨૦૦૦માં અમેરિકન નાગરિક બન્યાં હતાં અને લગભગ ૧૮ વર્ષ અમેરિકામાં રહ્યાં હતાં. તેમનો પુત્ર મંગલાગિરિમાં NRI હૉસ્પિટલમાં જોડાયો હતો અને તેમના વતનના ગામમાં સ્થાયી થયો હતો. એ પછી તેઓ ૨૦૧૮માં ભારત પાછાં ફર્યાં હતાં. મહાલક્ષ્મમ્માએ કહ્યું હતું કે ત્યારથી તેમણે તેમની અમેરિકન નાગરિકતાનો ત્યાગ કર્યો છે અને સરકારના ઑનલાઇન પૉર્ટલ દ્વારા ભારતીય નાગરિકતા માટે અરજી કરી છે.
