વિસ્ફોટ નાનો હોવા છતાં એને ગંભીરતાથી લઈને અનેક એજન્સીઓ તપાસમાં લાગી
શરણપ્રીત પાસેથી એક P-86 હૅન્ડગ્રેનેડ, એક ૯ એમએમ ગ્લોક પિસ્તોલ, પાંચ જીવંત કારતૂસ અને ૬૫ ગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યાં હતાં.
પ્રજાસત્તાક દિવસના ૪૮ કલાક પહેલાં પંજાબમાં શુક્રવારે મોડી રાત્રે ફતેહગઢ સાહિબ જિલ્લાના સરહિન્દ વિસ્તારમાં એક રેલવે-ટ્રૅક પર શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો, જેને કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. અમ્રિતસર-દિલ્હી રેલમાર્ગ પર ખાનપુર ગામ નજીક એક માલગાડી લેવલ-ક્રૉસિંગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે રાત્રે લગભગ ૯.૫૦ વાગ્યે આ વિસ્ફોટ થયો હતો.
જ્યાં વિસ્ફોટ થયો એ ટ્રૅક ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર (DFC)નો ભાગ છે, જેને ખાસ કરીને માલગાડીના સંચાલન માટે અપગ્રેડ કરવામાં આવ્યો છે. માલગાડીનું એન્જિન ટ્રૅકના એ ભાગ પર પહોંચતાં જ એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર દૂર સંભળાયો હતો. વિસ્ફોટથી રેલવે-ટ્રૅકના એક ભાગને નુકસાન થયું હતું અને માલગાડીના એન્જિનને પણ નુકસાન થયું હતું.
ADVERTISEMENT
વિસ્ફોટથી ટ્રૅક અને એન્જિનને નુકસાન થયું હતું, જ્યારે ડ્રાઇવરને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેને પ્રાથમિક સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સદ્નસીબે વિસ્ફોટમાં કોઈનું મોત થયું નથી.
આ ઘટના બાદ રેલવે અને સુરક્ષા-એજન્સીઓ સતર્ક છે. ઘટનાની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની માહિતી મળતાં જ રેલવે-અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને સુરક્ષા-એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને તપાસ માટે ફૉરેન્સિક ટીમ બોલાવવામાં આવી હતી. આ સંદર્ભમાં રૂપનગરના સિનિયર પોલીસ-અધિકારી નાનક સિંહે જણાવ્યું હતું કે ‘આ કોઈ મોટો વિસ્ફોટ નહોતો, પરંતુ એને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આંતર-એજન્સી સંકલન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ગુનેગારો સુધી પહોંચવા માટે દરેક પાસાની વૈજ્ઞાનિક રીતે તપાસ કરવામાં આવશે.’
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પ્રજાસત્તાક દિવસ પહેલાં સમગ્ર પંજાબમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. પંજાબ પોલીસે તાજેતરના દિવસોમાં અનેક આતંકવાદી મૉડ્યુલોનો પર્દાફાશ કર્યો છે. હોશિયારપુર અને અમ્રિતસરમાં બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ સાથે જોડાયેલાં મૉડ્યુલોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે મોટી માત્રામાં શસ્ત્રો અને RDX-આધારિત IED મળી આવ્યાં હતાં. વધુમાં તાજેતરમાં પઠાણકોટ સરહદી વિસ્તારમાંથી શસ્ત્રોનો જથ્થો મળી આવ્યો હતો જેને પાકિસ્તાનથી મોકલવામાં આવ્યો હોવાની શંકા છે. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને રેલવે-ટ્રૅક પર થયેલા આ વિસ્ફોટને ગંભીર માનવામાં આવે છે. હાલમાં રેલવે-ટ્રાફિક પર નજર રાખવામાં આવી રહી છે અને તપાસ ચાલી રહી છે.
પંજાબમાં બબ્બર ખાલસા મૉડ્યુલનો પર્દાફાશ, પાંચની ધરપકડ, મોટા પ્રમાણમાં શસ્ત્રો ઝડપાયાં
પ્રજાસત્તાક દિવસ પહેલાં પંજાબ પોલીસે એક મોટા આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો હતો. પોલીસે પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનૅશનલ (BKI) સાથે જોડાયેલાં બે આતંકવાદી મૉડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. દરોડા દરમ્યાન હૅન્ડગ્રેનેડ, RDX-આધારિત ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોસિવ ડિવાઇસ (IED), વિદેશી બનાવટની પિસ્તોલ અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ સંદર્ભમાં પંજાબના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ‘સ્ટેટ સ્પેશ્યલ ઑપરેશન સેલ (SSOC), અમ્રિતસરની એક ટીમે તરનતારન જિલ્લાના દિનેવાલ ગામના રહેવાસી શરણપ્રીત સિંહની ધરપકડ કરીને સંભવિત આતંકવાદી હુમલો ટાળ્યો હતો. શરણપ્રીત પાસેથી એક P-86 હૅન્ડગ્રેનેડ, એક ૯ એમએમ ગ્લોક પિસ્તોલ, પાંચ જીવંત કારતૂસ અને ૬૫ ગ્રામ મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવ્યાં હતાં.


