કલેક્ટરે જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગ કરવાના શપથ લેવડાવ્યા
દમણમાં યોજાયેલી યાત્રામાં ભેગી થયેલી થાર અને ફૉર્ચ્યુનર ગાડીઓ તથા સ્ટેજ પર દર્શાવવામાં આવેલું સ્લોગન.
થાર અને ફૉર્ચ્યુનર જેવી ગાડીઓ ધરાવતા પોતાને કંઈક અલગ જ મિજાજના સમજતા હોય છે એવી છાપ પડી ગઈ છે એને પગલે દમણ પ્રશાસન દ્વારા રોડ-સેફ્ટી અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા માટે અનોખી જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ નગર ખાતે ‘થાર/ફૉર્ચ્યુનર સંકલ્પયાત્રા’ યોજીને સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV)ના ડ્રાઇવરોને રસ્તા પર ભાઈગીરી કે દાદાગીરી બતાવવાને બદલે જવાબદાર નાગરિક બનવાની હાકલ કરવામાં આવી હતી. દમણના કલેક્ટર સૌરભ મિશ્રાએ સેંકડો થાર અને ફૉર્ચ્યુનરના માલિકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના અને માર્ગસલામતી જાળવવાના શપથ લેવડાવ્યા હતા.
આ કાર્યક્રમ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. એમાં સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SP) કેતન બંસલ અને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી આશિષ મોહન સહિતના ઉચ્ચ અધિકારીઓ અને વાહનમાલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
પ્રશાસને વાહનોમાં કરવામાં આવતા ગેરકાયદે ફેરફારો જેવા કે વિન્ડશીલ્ડ અને બારીઓ પર બ્લૅક ફિલ્મ-ટિન્ટેડ ગ્લાસ, ઓવરસાઇઝ ટાયર અને જોરદાર અવાજ કરતી મૉડિફાઇડ સાઉન્ડ-સિસ્ટમ સામે ચિંતા વ્યક્ત કરી હતી. વાહનમાલિકોને આવા તમામ ફેરફારો તાત્કાલિક હટાવી લેવાની સૂચના આપવામાં આવી છે.
વહીવટી તંત્રે #TharKaMatlabZimmedari હૅશટૅગ સાથે સોશ્યલ મીડિયા અભિયાનની જાહેરાત કરી છે. સહભાગીઓને આ હૅશટૅગનો ઉપયોગ કરીને મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રને ટૅગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે જેથી જવાબદારીપૂર્વક ડ્રાઇવિંગનો સંદેશ વ્યાપકપણે પહોંચી શકે.
