ગેરકાયદે બંગલાદેશીઓ પર સકંજો કસવા કૅબિનેટનો આકરો નિર્ણય
પ્રતીકાત્મક તસવીર
આસામમાં ગેરકાયદે ઘૂસણખોરી પર કડક પ્રતિબંધ લગાવવા માટે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માની સરકારે એક મોટો અને નીતિવિષયક નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે ૧૮ વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિનું નવું આધાર કાર્ડ બનાવવામાં આવશે નહીં. મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ ગઈ કાલે શનિવારે કૅબિનેટની બેઠક બાદ માહિતી આપતાં જણાવ્યું હતું કે ઘૂસણખોરો આધાર કાર્ડ જેવા મહત્ત્વના દસ્તાવેજો મેળવી ન શકે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્ય પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ વિશેષ પરિસ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિને આધાર કાર્ડ આપવાનું થશે તો ડિસ્ટ્રિક્ટ કમિશનરે રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલવો પડશે અને સરકાર જ એની યોગ્યતા નક્કી કરશે. રાજ્યના કેટલાક સરહદી જિલ્લાઓમાં આધાર કાર્ડ ઇશ્યુ થવાનો આંકડો ૧૦૦ ટકાને પણ પાર થઈ ગયો હોવાથી સરકાર ઍક્શનમાં આવી છે.
ADVERTISEMENT
નવા નિયમો અને છૂટછાટ
ચાના બગીચાના શ્રમિકો, અનુસૂચિત જનજાતિ (ST), અનુસૂચિત જાતિ (SC) અને દિવ્યાંગ લોકોને નવું કાર્ડ મેળવવામાં હાલ પૂરતી છૂટછાટ અપાશે, કારણ કે ઘણા લોકો હજી વંચિત છે. જોકે આ સમુદાયો માટે પણ ૨૦૨૭ની પહેલી એપ્રિલથી આ છૂટ કાયમી ધોરણે બંધ થઈ જશે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના આધાર કાર્ડ પહેલાંની જેમ જ સામાન્ય પ્રક્રિયાથી બનતાં રહેશે. સરકારે અગાઉથી જ સંકેત આપ્યા હતા કે બંગલાદેશથી થતા ગેરકાયદે ઇમિગ્રેશનને રોકવા માટે આસામમાં આધાર કાર્ડ મેળવવાની પ્રક્રિયાને દેશમાં સૌથી કડક બનાવવામાં આવશે.
