તામિલનાડુમાં ૪૯ વર્ષ બાદ એમ. જી. રામચંદ્રન જેવો ચમત્કાર કરી બતાવ્યો ઍક્ટર જોસેફ વિજય ચંદ્રશેખરે
ફાઇલ તસવીર
ઍક્ટર એમ. જી. રામચંદ્રન (MGR)એ લોકપ્રિયતાના જોરે પાર્ટી બનાવી હતી અને ૧૯૭૭માં તામિલનાડુની સત્તા મેળવી હતી. ત્યાર બાદ કોઈ ઍક્ટર ત્યાં આવી સફળતા મેળવવામાં સફળ થયા નહોતો, પણ ૪૯ વર્ષ બાદ જોસેફ વિજય ચંદ્રશેખરે આવું કરી બતાવ્યું છે. ૧૯૭૭માં એમ. જી. રામચંદ્રન ઍક્ટરમાંથી પહેલા મુખ્ય પ્રધાન બન્યા હતા અને હવે આવું વિજયે કરી બતાવ્યું છે. તેની પાર્ટી તામિલનાડુમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. રાજકીય પદાર્પણનાં માત્ર બે વર્ષ પછી વિજય તામિલનાડુ વિધાનસભામાં પ્રવેશવા માટે તૈયાર છે. વિજયના મુદ્દે એવું કહી શકાય કે આ એક એવી બ્લૉકબસ્ટર ફિલ્મ છે જેની કોઈ આગાહી કરી શકાતી નથી.
એમ. જી. રામચંદ્રને ૧૯૭૭થી ૧૯૮૭ સુધી, તેમના મૃત્યુ સુધી, એક દાયકા સુધી તામિલનાડુ પર શાસન કર્યું હતું. તેમણે ચાહકોની ભક્તિને સંસ્થાકીય રાજકીય મશીનમાં રૂપાંતરિત કરી હતી, મતદારો સાથે ભાવનાત્મક સંબંધ કેળવ્યો હતો અને લોકોનું કલ્યાણ કર્યું હતું. વારંવાર પ્રયાસો અને વિશાળ ચાહકો હોવા છતાં ત્યાર બાદ કોઈ પણ ઍક્ટર ચૂંટણી જીતી શક્યો નથી. એક મુખ્ય ફિલ્મસ્ટાર તરીકેની પ્રતિષ્ઠા હોવા છતાં જયલલિતા પોતાનો નવો રાજકીય પક્ષ બનાવવાને બદલે એમ. જી. રામચંદ્રનના પક્ષ AIADMKનો વારસો મજબૂત કરીને અને અંતે પ્રભુત્વ મેળવીને મુખ્ય પ્રધાનપદ સુધી પહોંચ્યાં હતાં.
ADVERTISEMENT
૨૦૦૯માં શરૂઆત કરી
વિજયે ૨૦૦૯ની શરૂઆતમાં જ પોતાના ચાહકોનું નેટવર્ક બનાવવાનું શરૂ કર્યું હતું. તેની વિશાળ ફૅન ક્લબોને વિજય મક્કલ ઇયક્કમમાં પરિવર્તિત કરવામાં આવી અને શરૂઆતમાં કલ્યાણ અને સેવા નેટવર્ક તરીકે સ્થિત સંગઠને રાહતકાર્ય, શિક્ષણ-સહાય અને સ્થાનિક બૂથસ્તરની કામગીરી શરૂ કરી હતી. ૨૦૧૧માં તેણે AIADMKની આગેવાની હેઠળના મોરચાને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. આમાં તેણે જોયું હતું કે સ્ટાર અપીલ મતોને ખેંચી શકે છે કે નહીં.
CAAનો વિરોધ
૨૦૧૦ના દાયકાના અંતમાં અને ૨૦૨૦ના દાયકાની શરૂઆતમાં વિજયે ફિલ્મ-કેન્દ્રિત જાહેર કાર્યક્રમો વધારી દીધા હતા. ૨૦૧૯માં તેણે કેન્દ્રના સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (CAA)નો વિરોધ કરીને સિનેમાથી આગળ વધવાની ઇચ્છા દર્શાવી હતી. ચાહકોની મીટિંગો અને ચૅરિટી ઇવેન્ટ્સમાં તેણે જનસંપર્ક વધારી દીધો હતો અને એક્ઝામિનેશન સ્ટ્રેસ, યુવા બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સરકારના ગેરવહીવટ જેવા મુદ્દાઓ વિશે બોલવાનું શરૂ કર્યું હતું.
૨૦૨૧માં ચાહકોની રાજકારણમાં એન્ટ્રી
૨૦૨૪માં પોતાની પાર્ટીના લૉન્ચ પહેલાં ૨૦૨૧માં તામિલનાડુમાં યોજાયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં તેની ફૅન ક્લબ વિજય મક્કલ ઇયક્કમના ઉમેદવારો મેદાનમાં ઊતર્યા હતા. તેમણે લડેલી મોટા ભાગની બેઠકો જીતી હતી. આના પરથી ખબર પડી હતી કે તેનું નેટવર્ક લોકપ્રિયતાને ફક્ત ભીડમાં નહીં પણ મતપત્રોમાં રૂપાંતરિત કરી શકે છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં વિજયે જાહેરાત કરી હતી કે તમિલગા વેત્રી કઝગમ (TVK) ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પોતાના દમ પર લડશે, ચૂંટણી પહેલાંનાં જોડાણોને નકારી કાઢશે અને DMK-AIADMKના સ્વચ્છ વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરશે.
વિજયે શું વચન આપ્યાં છે?
TVKનો મૅનિફેસ્ટો યુવાનો, મહિલાઓ અને માછીમારો પર કેન્દ્રિત છે. તેની પાર્ટીએ પચીસ લાખ રૂપિયા સુધીની કોલૅટરલ-મુક્ત શિક્ષણ લોનનો પ્રસ્તાવ મૂક્યો છે. વાર્ષિક છ મફત LPG સિલિન્ડર આપવામાં આવશે. માસિક નાણાકીય સહાય ૧૦૦૦થી વધારીને ૨૫૦૦ રૂપિયા કરવામાં આવશે.લગ્ન સહાય યોજના હેઠળ ૮ ગ્રામ સોનું આપવામાં આવશે.
જાણવા જેવું
ઍક્ટરનું પૂરું નામ : જોસેફ વિજય ચંદ્રશેખર
પાર્ટીનું નામ : તમિલગા વેત્રી કઝગમ (TVK) જેનો અર્થ તામિલનાડુ વિજય પાર્ટી થાય છે.
ઍક્ટર વિજયની કરીઅર
વિજયે ૧૯૮૦ના દાયકામાં બાળકલાકાર તરીકે શરૂઆત કરી હતી. ૩ દાયકામાં તેણે ૭૦ ફિલ્મોમાં કામ કર્યું છે.
વિજયની ૨૦૧૩માં આવેલી ફિલ્મ ‘થલાઇવા’ની ટૅગલાઇન ‘ટાઇમ ટુ લીડ’ હતી અને એની સાથે એવી ચર્ચા શરૂ થઈ હતી કે વિજય આગળ જતાં રાજકારણમાં પ્રવેશ કરી શકે છે.
વિજયે ૨૦૨૪માં આવેલી ફિલ્મ GOATમાં ડબલ રોલ ભજવ્યો હતો. એણે બૉક્સ-ઑફિસ પર ૪૫૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી, જેનાથી તેના રાજકીય પ્રવેશનો પાયો નાખ્યો હતો. ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લિયો’એ વિશ્વભરમાં ૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ૨૦૨૩માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વારિસુ’એ વિજયને તામિલનાડુના પુત્ર અને અન્ના (મોટા ભાઈ)ની ઇમેજ આપી હતી. ફિલ્મો સુપરહિટ થઈ રહી હતી, પરંતુ વિજયે અચાનક રાજકારણમાં પ્રવેશની જાહેરાત કરી. ‘જન નાયગમ’ તેની છેલ્લી ફિલ્મ હોત, પરંતુ વિવાદોને કારણે એ રિલીઝ નથી થઈ.
૨૦૨૦માં વિજયના પિતાએ વિજયની ફિલ્મ-કારકિર્દીને પણ આકાર આપ્યો હતો. તેમણે પુત્રના તમામ ચાહકોને એક કરવા ફૅન ક્લબની સ્થાપના કરી હતી અને એનું નામ વિજય મક્કલ ઇયક્કમ રાખવામાં આવ્યું હતું.
વિજયે ફેબ્રુઆરી ૨૦૨૪માં પોતાની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ની સ્થાપના કરી હતી. તેણે યુવાનોને ‘વ્હિસલ ક્રાન્તિ’ માટે હાકલ કરી હતી અને પાર્ટીના ચૂંટણી-પ્રતીક તરીકે ‘વ્હિસલ’નો પણ ઉપયોગ કર્યો છે. પાર્ટીના કામ માટે તેણે ફિલ્મોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેની લગભગ ૩ દાયકાની કારકિર્દીમાં ૭૦ ફિલ્મો આવી છે.
વિજયની મોટી જીતનાં પાંચ કારણો
૧. વિજયનું સ્ટારડમ
વિજયનું સ્ટારડમ જ આ ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહ્યો છે. DMKના ચાહકોને પણ લાગ્યું કે વિજય એકમાત્ર વિકલ્પ છે, તે તામિલનાડુમાં પરિવર્તન લાવી શકે છે.
૨. રાજકારણ માટે ફિલ્મો છોડી દીધી
ઍક્ટરમાંથી પહેલા મુખ્ય પ્રધાન બનનારા એમ. જી. રામચંદ્રનની જેમ વિજયે રાજકારણમાં આવવા માટે ફિલ્મોમાં નિવૃત્તિ લીધી છે. વિજય વર્તમાન તામિલ ફિલ્મઉદ્યોગનો સૌથી મોટો સ્ટાર છે. તેણે તેની કારકિર્દીની ટોચ પર રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
૩. ફૅન ક્લબ રાજકારણ
થલપતિ વિજય ૨૦ વર્ષથી તેની ફૅન ક્લબ દ્વારા સામાજિક કાર્ય કરી રહ્યો છે. તેણે તામિલનાડુના વિવિધ પ્રદેશોમાં સંગઠનો સ્થાપ્યાં અને પછી એમના દ્વારા સામાજિક કાર્ય કર્યું છે. વિજય ૨૦ વર્ષ પહેલાંથી ૨૦૨૬ માટે તૈયારી કરી રહ્યો હતો. વિજયની તામિલનાડુમાં સેંકડો ફૅન ક્લબ છે. આ ફૅન ક્લબો એક પાર્ટી-માળખામાં પરિવર્તિત થઈ ગઈ છે. ફૅન ક્લબનું માળખું રાજકીય પક્ષ જેવું જ છે. રાજ્યસ્તરે નેતૃત્વ હોય છે. દરેક પ્રદેશ માટે સંયોજકો કામ કરે છે. ત્યાર બાદ વિસ્તાર-વિશિષ્ટ સંયોજકો આવે છે. તળિયે વિસ્તાર અને બૂથ સ્વયંસેવકો હોય છે. આ ફૅન ક્લબો રક્તદાન શિબિરો અને તબીબી શિબિરો જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરતી હતી અને ગરીબોને ખોરાક અને કપડાં પૂરાં પાડીને મદદ કરતી હતી. તેમણે સરકારી કચેરીઓ, હૉસ્પિટલો, પોલીસ અને અદાલતોને લગતી બાબતોમાં મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું. આનાથી લોકોનો વિજય પર વિશ્વાસ વધ્યો હતો.
૪. ખ્રિસ્તી-મુસ્લિમ મત વિજયને મળ્યા
વિજયે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી ત્યારે તેણે સૌપ્રથમ TVK પ્લૅટફૉર્મ પરથી વાત કરતાં કહ્યું હતું કે મારું નામ જોસેફ વિજય છે. તેણે સ્પષ્ટ કર્યું કે તે એક ખ્રિસ્તી છે. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ મળીને તામિલનાડુમાં લગભગ ૧૨ ટકા મતદારો છે. અત્યાર સુધી આ મતબૅન્ક DMKની હતી. મુસ્લિમ અને ખ્રિસ્તી મતો મોટા ભાગે શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત છે, જ્યાં TVK સૌથી મજબૂત પાર્ટી તરીકે ઊભરી આવી છે.
૫. યુવાનો-મહિલાઓનું સમર્થન
યુવાનો અને મહિલાઓને વિજય પ્રત્યે એક અનોખો જુસ્સો છે. એક આખી પેઢી વિજયની ફિલ્મો જોઈને મોટી થઈ છે. આ પેઢી મુખ્યત્વે પહેલી વાર અને બીજી વાર વિજયને મત આપનારા મતદારો છે. યુવાનો અને મહિલાઓની વસ્તી આશરે બે કરોડ છે. વિજય તામિલનાડુના લગભગ વીસથી પચીસ ટકા મતોને સીધી રીતે પ્રભાવિત કરે છે.
