તામિલનાડુમાં ફેલાયેલી ઍક્ટર વિજયની લહેરનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા
કે. વી. વિજય ધામુ
ઍક્ટર વિજયની પાર્ટી TVKના ઉમેદવાર અને વ્યવસાયે ઑટોડ્રાઇવર કે. વી. વિજય ધામુએ તામિલનાડુમાં રોયાપુરમ બેઠક પર DMK અને AIADMKના દિગ્ગજોને હરાવ્યા હતા અને ૧૪,૨૪૯ મતના આરામદાયક માર્જિનથી બેઠક જીતી લીધી હતી. તેને ૫૯,૦૯૧ મત મળ્યા હતા. આ જીત ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે AIADMKના મજબૂત નેતા અને પાંચ વખતના વિધાનસભ્ય ડી. જયકુમારના ભોગે આવી છે, જેમને ૧૮,૪૨૦ મત મળ્યા હતા અને તેઓ ત્રીજા સ્થાને ધકેલાઈ ગયા હતા. દિવંગત અનુભવી પ્રધાન રહમાન ખાનના પુત્ર અને DMKના સુબેર ખાન ૪૪,૮૪૨ મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા, પરંતુ તામિલનાડુમાં ફેલાયેલી ઍક્ટર વિજયની લહેરનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
ઑટો-સ્ટૅન્ડથી વિધાનસભા સુધીની વિજય ધામુની સફર પાર્ટીના સામાન્ય માણસની કથા માટે પ્રતીકાત્મક વિજય તરીકે ઊભરી આવે છે. વિજય ધામુ લાંબા સમયથી વિજય મક્કલ ઇયક્કમ (અભિનેતાના ફૅન ક્લબ નેટવર્ક)નો ભાગ રહ્યો છે. તેણે તેની ઝુંબેશ એક સામાન્ય માણસ તરીકેની ઓળખ પર બનાવી હતી. વિજય ધામુએ કહ્યું હતું કે તમે અમને નવા ચહેરા કહી શકો છો, પરંતુ અમે વર્ષોથી અમારી ફૅન ક્લબ દ્વારા જમીન પર કામ કરી રહ્યા છીએ.
