ફિંગરપ્રિન્ટ પરીક્ષણ કરવામાં આવશે જેથી એ નક્કી કરી શકાય કે કોણે અને ક્યારે આ વસ્તુઓને પકડી હતી
પોલીસના દરોડામાં AK-47 રાઇફલની જીવંત કારતૂસ, પાકિસ્તાનના ધ્વજ અને પાકિસ્તાની ચલણ મળી આવ્યું હતું
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક જ્વેલરી શૉપ પર પોલીસના દરોડામાં AK-47 રાઇફલની જીવંત કારતૂસ, પાકિસ્તાનના ધ્વજ અને પાકિસ્તાની ચલણ મળી આવ્યું હતું. સીમાપારથી આવેલી આ વસ્તુઓ જ્વેલરી શૉપમાં કેવી રીતે પહોંચી એની તપાસ એજન્સીઓ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓની કાર્યવાહીમાં સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પૂંછ પોલીસ, નાયબ તહસીલદાર અને ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL)ની ટીમ સાથે ઘટનાસ્થળે હાજર હતી. પોલીસ અને ફૉરેન્સિક ટીમે જ્વેલરી શૉપ પર અચાનક દરોડો પાડવાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ શૉપ પૂંછના મોહલ્લા ખોરીનારના રહેવાસી નરિન્દર સિંહના પુત્ર દવિંદર સિંહની હોવાનું કહેવાય છે.
દરોડાની કાર્યવાહી અને સર્ચ ઑપરેશન રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. પોલીસે બધી જ વસ્તુઓને સીલ કરીને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી હતી. FSL ટીમની હાજરી સ્પષ્ટપણે દર્શાવે છે કે બધી વસ્તુઓનું વૈજ્ઞાનિક અને ફિંગરપ્રિન્ટ પરીક્ષણ કરવામાં આવશે જેથી એ નક્કી કરી શકાય કે કોણે અને ક્યારે આ વસ્તુઓને પકડી હતી.
ADVERTISEMENT
આ કેસ સરહદી જિલ્લાનો હોવાથી સુરક્ષા એજન્સીઓ એને હળવાશથી લઈ રહી નથી. યુદ્ધ સમયનાં કારતૂસ અને પાકિસ્તાની પ્રચારસામગ્રી આ શૉપ સુધી કેવી રીતે પહોંચી એ નક્કી કરવા માટે હવે તપાસ ચાલી રહી છે. આ નાની જ્વેલરી શૉપ માત્ર એક મોહરું હતું કે શું આની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત હતું એની જાણકારી મેળવવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે.
