Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમરનાથ યાત્રીઓને લઈ જતી બસનો ખતરનાક અકસ્માત! ૩૯ થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ

અમરનાથ યાત્રીઓને લઈ જતી બસનો ખતરનાક અકસ્માત! ૩૯ થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ

Published : 28 July, 2026 03:08 PM | IST | Ganderbal
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Amarnath Yatra accident: મંગળવારે જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં હરિગનીવાન નજીક લગભગ ૪૦ યાત્રાળુઓને લઈ જતી એક બસ રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકી પડતા ૩૯ અમરનાથ યાત્રાળુઓ ઘાયલ થયા છે, તમામ યાત્રાળુઓની સ્થિતિ હાલ સ્થિર

બસ રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકી ગયા બાદ કાટમાળ પાસે સુરક્ષા કર્મચારીઓ એકઠા થયા હતા (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)

બસ રસ્તા પરથી લપસીને ખીણમાં ખાબકી ગયા બાદ કાટમાળ પાસે સુરક્ષા કર્મચારીઓ એકઠા થયા હતા (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)


જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના ગંદરબલ (Ganderbal) જિલ્લામાં મંગળવારે લગભગ ૪૦ યાત્રાળુઓને લઈ જતી એક બસ રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં ખાબકતાં ઓછામાં ઓછા ૩૯ અમરનાથ યાત્રીઓ ઘાયલ થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ, પોલીસ અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને તાત્કાલિક કંગન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ યાત્રાળુઓની સ્થિતિ હાલ સ્થિર છે.

જમ્મુ અને કાશ્મીરના ગંદરબલ જિલ્લામાં મંગળવારે એક માર્ગ અકસ્માત (Amarnath Yatra accident)માં ઓછામાં ઓછા ૩૯ અમરનાથ યાત્રીઓ ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગંદરબલ જિલ્લાના ગુંડ વિસ્તારમાં હરિગણિવાનના એસ-મોડ (S-Mode) નજીક આશરે ૪૦ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ રસ્તા પરથી લપસીને ઊંડી ખાઈમાં ખાબકી હતી.



અધિકારીઓએ જણાવ્યું કે, ‘રજીસ્ટ્રેશન નંબર AR11 D5655 ધરાવતી યાત્રી બસના ડ્રાઇવરે હરિગણિવાન નજીક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ વાહન રસ્તા પરથી લપસીને ખાઈમાં પડી ગયું હતું.’



ઘટનાની જાણ થતાં જ બચાવ ટુકડીઓ, પોલીસ, SDRF અને સ્થાનિક સ્વયંસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. દુર્ઘટનામાં ઘાયલ થયેલા આશરે ૩૦ યાત્રાળુઓને સારવાર અર્થે નજીકની કંગન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ, બે ઘાયલ યાત્રીઓને માથાના ભાગે ઈજા થઈ છે, પરંતુ હાલ તેમની સ્થિતિ સ્થિર છે. અન્ય તમામ ઈજાગ્રસ્ત મુસાફરોની હાલત પણ ખતરાથી બહાર હોવાનું કહેવાય છે. દરમિયાન, પોલીસે આ ઘટનાની નોંધ લઈ અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.

૨૫ દિવસમાં ૪.૨૬ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

બીજી તરફ, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ૩૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલી અમરનાથની પવિત્ર ગુફામાં સોમવારે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા લગભગ ૧૨,૦૦૦ શ્રદ્ધાળુઓએ નમન કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવાર સાંજ સુધીમાં ૧૧,૯૯૬ યાત્રાળુઓએ બાલ્તાલ માર્ગ પરથી પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા.

આ સાથે, ૩ જુલાઈથી શરૂ થયેલી ૫૭ દિવસીય યાત્રાના છેલ્લા ૨૫ દિવસ દરમિયાન પવિત્ર ગુફામાં દર્શન કરનારા શ્રદ્ધાળુઓની કુલ સંખ્યા ૪,૨૬,૩૩૯ પર પહોંચી ગઈ છે.

પહલગામમાં ભૂમિ પૂજન અને છડી મુબારકની વિધિ

શ્રી અમરનાથજીની પવિત્ર છડીના સંરક્ષક મહંત દીપેન્દ્ર ગિરીજી દ્વારા ૨૯ જુલાઈના રોજ અષાઢી પૂર્ણિમાના દિવસે પહલગામ ખાતે `ભૂમિ પૂજન`, `નવગ્રહ પૂજા` અને `ધ્વજારોહણ` કરવામાં આવશે. પરત ફરતી વખતે, છડી મુબારક માર્તંડ (મટન) ના પવિત્ર સૂર્ય મંદિરની મુલાકાત લેશે, ત્યાં પૂજા અર્ચના કરશે અને પવિત્ર કુંડમાં સ્નાન કરશે. તે પહલગામ નજીક આવેલા ગણેશબલ મંદિરમાં પણ પરંપરાગત રીતે પૂજા અર્ચના કરશે.

દરમિયાન, ૩૦૨૯ યાત્રીઓનો બીજો જથ્થો આજે સવારે કડક સુરક્ષા કવોય વચ્ચે જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી બાલ્તાલ બેઝ કેમ્પ માટે રવાના થયો હતો. જોકે, ટ્રેક મેન્ટેનન્સ (રસ્તાના સમારકામ) ના કારણે દક્ષિણ કાશ્મીરના પહલગામ રૂટ પરથી યાત્રા દિવસ પૂરતી સ્થગિત રાખવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 03:08 PM IST | Ganderbal | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK