૧૫ એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે, ૨૮ ઑગસ્ટે યાત્રાનું સમાપન થશે
બાબા બર્ફાની
જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથની ગુફામાં કુદરતી રીતે આકાર લેતા શિવલિંગની યાત્રા આ વર્ષે ૩ જુલાઈથી શરૂ થશે અને ૨૮ ઑગસ્ટ સુધી ચાલશે. જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘આ વર્ષે ૫૭ દિવસની લાંબી યાત્રા માટે પ્રથમ બૅચ જમ્મુના ભગવતીનગર બેઝ કૅમ્પથી રવાના થશે. યાત્રા માટે રજિસ્ટ્રેશન ૧૫ એપ્રિલથી શરૂ થશે. ૧૩થી ૭૦ વર્ષની વયના લોકો આ યાત્રા કરી શકે છે. ગુફામાં પ્રથમ પૂજા ૧૯ જૂને જ્યેષ્ઠ પૂર્ણિમાના રોજ કરવામાં આવશે. અનંતનાગથી પરંપરાગત ૪૮ કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને ગાંદરબલથી ૧૪ કિલોમીટર લાંબો બાલતાલ માર્ગ યાત્રા માટે ખુલ્લો રહેશે.
સુવિધામાં વધારો
પાછલાં વર્ષોની સરખામણીમાં આ વર્ષે યાત્રાળુઓની સુવિધા વ્યવસ્થામાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ટ્રેકિંગ અને સુરક્ષાપ્રણાલીને સુધારવા માટે RFID કાર્ડ રજૂ કરવામાં આવ્યાં છે.
યાત્રાળુઓ માટે ગ્રુપ ઍક્સિડન્ટ ઇન્શ્યૉરન્સ કવચ પાંચ લાખથી બમણું કરીને ૧૦ લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. યાત્રા દરમ્યાન ઉપયોગમાં લેવાતા ટટ્ટુઓનું મૃત્યુ થાય તો ૫૦,૦૦૦ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
ADVERTISEMENT
યાત્રાના બે રૂટ
યાત્રા બે રૂટથી થાય છે; પહેલગામ રૂટથી ગુફા સુધી પહોંચવામાં ૩ દિવસ લાગે છે, પરંતુ આ રસ્તો સરળ છે. પ્રવાસમાં ઊભાં ચડાણ નથી. પહલગામથી પહેલું સ્ટૉપ ચંદનવાડી છે. એ બેઝ કૅમ્પથી ૧૬ કિલોમીટર દૂર છે. અહીંથી ચડાણ શરૂ થાય છે. ત્રણ કિલોમીટર ચડ્યા પછી યાત્રા પિસુ ટૉપ પર પહોંચે છે. અહીંથી પગપાળા યાત્રા સાંજે શેષનાગ પહોંચે છે. આ યાત્રા લગભગ ૯ કિલોમીટરની છે. બીજા દિવસે મુસાફરો શેષનાગથી પંચતરણી જાય છે. એ શેષનાગથી લગભગ ૧૪ કિલોમીટર દૂર છે. આ ગુફા પંચતરણીથી માત્ર ૬ કિલોમીટર દૂર રહે છે.
બીજો બાલતાલ રૂટ છે અને જે યાત્રાળુઓ પાસે સમય ઓછો હોય તેમને માટે આ રૂટ છે. બાબા અમરનાથનાં દર્શન માટે બાલતાલ રૂટથી માત્ર ૧૪ કિલોમીટર ચડવું પડે છે, પરંતુ આ માર્ગમાં ચડાણ ઊભું હોવાથી વૃદ્ધોને આ માર્ગ પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ માર્ગ પર સાંકડા રસ્તા અને જોખમી વળાંકો છે.
