મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘શકુનિનો ચેલો દુશાસન માહિતી એકત્રિત કરવા બંગાળ આવ્યો છે.
અમિત શાહ
૨૦૨૬ના માર્ચ-એપ્રિલમાં જ્યાં ચૂંટણી યોજાવાની છે એવા પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે કલકત્તામાં એક પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ‘મમતા બૅનરજી સરકાર પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી રોકી શકતી નથી. જો રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બનશે તો અહીં એક પક્ષી પણ ઘૂસણખોરી કરી શકશે નહીં. કેન્દ્ર સરકારની બધી યોજનાઓ બંગાળમાં ઠપ થઈ ગઈ છે.’
અમિત શાહની પ્રેસ-કૉન્ફરન્સ બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘શકુનિનો ચેલો દુશાસન માહિતી એકત્રિત કરવા બંગાળ આવ્યો છે. ચૂંટણી નજીક આવતાંની સાથે જ દુશાસન અને દુર્યોધન જોવા મળવા લાગે છે. આજે BJP કહી રહી છે કે મમતા બૅનરજીએ જમીન આપી નહોતી, તો પેટ્રાપોલ અને અંદાલમાં કોણે જમીન આપી?’
ADVERTISEMENT
બાંકુરામાં આયોજિત એક કાર્યક્રમમાં મમતાએ કહ્યું હતું કે ‘BJP કહે છે કે ઘૂસણખોરો ફક્ત બંગાળથી આવે છે. જો એવું હોય તો શું તમે પહલગામ હુમલો કરાવ્યો? દિલ્હીમાં થયેલી ઘટના પાછળ કોણ હતું? BJP સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના નામે લોકોને હેરાન કરી રહી છે.’
અમિત શાહે બીજું શું કહ્યું?
બંગાળમાં ઘૂસણખોરી: તૃણમૂલ કૉન્ગ્રેસના ૧૫ વર્ષના શાસનમાં લોકો ભયભીત છે. મમતા બૅનરજી સરકાર ચૂંટણી-લાભ માટે બંગલાદેશી ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહી છે. મોદી સરકાર દેશમાં ગરીબી નાબૂદ કરી રહી છે. બંગાળના લોકો ઘૂસણખોરીથી પીડાઈ રહ્યા છે. શું કોઈ સરકાર ઘૂસણખોરો માટે સલામત આશ્રયસ્થાન બની શકે છે? આ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આ બંગાળનો નહીં, પરંતુ સમગ્ર દેશનો મામલો છે. ફક્ત એક રાષ્ટ્રવાદી સરકાર જ આનો ઉકેલ લાવી શકે છે.
મહિલાઓની સુરક્ષા: બંગાળ સરકાર મહિલાઓને તેમના અધિકારો પૂરા પાડવામાં નિષ્ફળ ગઈ છે. સંદેશખલી અને આર. જી. કાર હૉસ્પિટલ બળાત્કાર જેવા કેસ છે જ્યાં મમતા સરકાર મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે.
હિન્દુઓની દુર્દશા: હવે મલમ લગાડવાથી કંઈ થવાનું નથી. બંગાળમાં હિન્દુઓના હૃદય પર ખૂબ જ ઘા થયા છે. મમતા સરકારનો જવાનો સમય આવી ગયો છે. જનતા પણ ઇચ્છે છે કે આપણે આ સાંપ્રદાયિક સરકારને દૂર કરીએ.
કેન્દ્રીય યોજનાઓ રોકી દેવી: મમતા બૅનરજીના શાસનમાં બંગાળનો વિકાસ અટકી ગયો છે. મોદી સરકાર દેશમાં ગરીબી નાબૂદ કરવા માટે કામ કરી રહી છે. બંગાળમાં બધી યોજનાઓ ઠપ થઈ ગઈ છે. મમતા સરકાર સુપ્રીમ કોર્ટના આદેશો દ્વારા બનાવેલા નિયમો તોડે છે. તે મનસ્વી રીતે કાર્ય કરે છે. તે પ્રૉક્સી અધિકારીઓની નિમણૂક કરે છે.
૨૦૨૬ની ચૂંટણીમાં વિજય વિશે : અમે ૨૦૨૬ની બંગાળ ચૂંટણીમાં સરકાર બનાવીશું. આ માટે અમારી પાસે મજબૂત પાયો છે. BJP જંગી જીત સાથે સરકાર બનાવશે.
નરેન્દ્ર મોદીના વિરોધ વિશે : બંગાળમાં વડા પ્રધાનવિરોધી માનસિકતા ફેલાવવામાં આવી રહી છે. વડા પ્રધાન રાજ્યની મુલાકાત લે છે ત્યારે મમતા બૅનરજી સ્ટેજ પર આવતાં નથી. બંગાળ સરકારની બેદરકારીને કારણે બંગાળના ખેડૂતોના ૧૦,૦૦૦ કરોડ રૂપિયા પાછા ગયા છે. બંગાળ સરકારે આયુષ્માન યોજના લાગુ કરી નથી.
મમતાને અમિત શાહના સવાલ
કઈ સરકાર સરહદ પર વાડ માટે જગ્યા નથી આપી રહી? એ તમારી સરકાર છે.
જો કોઈ ઘૂસણખોર ગામમાં ઘૂસે છે તો તેની સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી?
તમારી સરકાર શું કરી રહી છે? ઘૂસણખોરોને પાછા કેમ નથી મોકલી રહી?
કાશ્મીર, આસામ અને ત્રિપુરાની સરહદો પર બંગાળની જેમ ઘૂસણખોરી કેમ નથી થતી?


