રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પાટોત્સવ અનુષ્ઠાનોમાં ભાગ લેશે: પરકોટામાં અન્નપૂર્ણા મંદિરના શિખર પર થશે ધ્વજારોહણ
ગઈ કાલે સાંજે રામ લલાની સાંકેતિક પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.
આજે છે પોષ સુદ દ્વાદશી. અયોધ્યામાં રામ લલાની પ્રાણપ્રતિષ્ઠાને તિથિ મુજબ આજે બે વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. રામ મંદિરની બીજી વર્ષગાંઠ નિમિત્તે ૨૭ ડિસેમ્બરથી રામ મંદિર પરિસરમાં ધાર્મિક અનુષ્ઠાનો થઈ રહ્યાં છે. પાંચ દિવસના પાટોત્સવનો મુખ્ય સમારોહ આજે થશે જેમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આજે ૧૧ વાગ્યાથી રામ મંદિર પરિસરમાં રામ લલાનાં દર્શન-પૂજન કર્યા પછી અન્નપૂર્ણા મંદિરમાં શિખર પર ધ્વજારોહણ કરવામાં આવશે. ગઈ કાલે રામ મંદિરમાં અનુષ્ઠાનના ચોથા દિવસે તત્ત્વકળશ, તત્ત્વહોમ, કળશાધિવાસહોમ જેવાં અનુષ્ઠાન થયાં હતાં અને સાંજે પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.


