વર્ષના પહેલા દિવસે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને ચેતવણી
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી
ભારતના ચીફ ઑફ આર્મી સ્ટાફ (COAS) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ આપવાની સાથે ઑપરેશન સિંદૂર અંતર્ગત થયેલી સૈન્ય કાર્યવાહીની સફળતા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આ ઑપરેશન આજે પણ ચાલુ છે અને ભારતીય સેના દેશની સુરક્ષા માટે પૂરી સતર્કતા અને દૃઢ સંકલ્પ સાથે કામ કરી રહી છે. સેના એક દાયકાના પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. એમાં જૉઇન્ટનેસ, આત્મનિર્ભરતા અને ઇનોવેટિવ સ્ટ્રેટેજિક શક્તિ મુખ્ય આધારસ્તંભ છે. સ્વદેશી ટેક્નિક્સ અને પોતાના હથિયારોના માધ્યમથી સેના ભવિષ્યના યુદ્ધો માટે તૈયાર છે.’
LoC પાસે પાકિસ્તાને ડ્રોનથી ફેંક્યો શંકાસ્પદ સામાન
નવું વર્ષ શરૂ થયું છે ત્યારે પણ પાકિસ્તાન પોતાની હરકતો સુધારવાનું નામ નથી લેતું. જમ્મુ-કાશ્મીરના પૂંછમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પાસે શંકાસ્પદ ડ્રોનની મૂવમેન્ટ થઈ હોવાની સૂચના પછી ભારતીય સેના અને સ્પેશ્યલ ઑપરેશન ગાર્ડ્સ અને પોલીસે સંયુક્ત સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. પૂંછ પાસે ગ્રામીણોએ ડ્રોનથી કોઈ ચીજ ફેંકાઈ હોવાની માહિતી આપી હતી. સુરક્ષા એજન્સીઓએ LoC પાસે શંકાસ્પદ ચીજ શોધવા માટે સઘન ઑપરેશન હાથ ધર્યું છે. જે એરિયામાં ડ્રોન જોવા મળ્યું હતું એની આસપાસના જંગલો, ખેતરો અને વસાહતોમાં શોધખોળ આરંભી છે.
આ પહેલાં પણ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોએ ડ્રોનના માધ્યમથી જમ્મુ-કાશ્મીરમાં હથિયાર, દારૂગોળો અને માદક ચીજો પાડવાની કોશિશ કરી છે અને ડ્રોનથી હથિયારો ઘુસાડવામાં આવ્યા છે.


