૨૫ નવેમ્બરે ૧૧.૫૮ વાગ્યાના અભિજિત મુહૂર્તમાં નરેન્દ્ર મોદી બટન દબાવીને ૧૦ સેકન્ડમાં જ ધ્વજ હવામાં ફરકાવશે ઃ ઍરપોર્ટથી લઈને રામ મંદિર પરિસર સુધી જડબેસલાક સુરક્ષા-વ્યવસ્થા
ગઈ કાલે યોગી આદિત્યનાથે અયોધ્યાના રામ મંદિરમાં ધજારોહણનું રિહર્સલ નિહાળ્યું હતું.
અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધજા ફરકાવવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે અને ધજા કઈ રીતે ઑટોમૅટિક બટન દબાવવાથી ૧૬૧ ફુટ ઊંચે શિખર પર ચડશે એનું રિહર્સલ ગઈ કાલે થઈ ગયું છે. પચીસમી નવેમ્બરે રામ મંદિરના શિખર પર નરેન્દ્ર મોદી ધજા ફરકાવશે અને એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ સાથે રહેશે. ધજા ફરકાવવાનું શુભ મૂહૂર્ત ૧૨થી ૧૨.૩૦ વાગ્યાની વચ્ચે છે અને ચોક્કસ અભિજિત મુહૂર્ત છે બપોરે ૧૧.૫૮ વાગ્યે.
ધજા ફરકાવવાનું કામ બટન દબાવતાં જ ઑટોમૅટિક થઈ જાય એવી સિસ્ટમથી ગોઠવાયું છે. કેસરિયા રંગની ધજા પર ખાસ સૂર્ય, ઓમ અને કોવિદારના વૃક્ષનું પ્રતીક બનેલું હશે. શ્રીરામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંતપરાયે ધ્વજા પર અંકિત પ્રતીક સંબંધે કહ્યું હતું કે ‘ધ્વજ કેસરિયા રંગનો છે જે જ્વાળા અને ત્યાગનું પ્રતીક છે. એ ધ્વજ પર સૂર્યની વચ્ચે ઓમ અંકિત કરેલું છે. સૂર્ય પ્રભુ રામના વંશનું પ્રતીક છે અને ૐ એ પરમાત્માનો પ્રથમ અક્ષર છે. એ ઉપરાંત કોવિદારનું વૃક્ષ અયોધ્યાના રાજવંશની સત્તાનું ચિહ્ન છે. વાલ્મીકિ રામાયણ અને હરિવંશપુરાણમાં એનું વર્ણન છે. કોવિદાર વિશે જ્ઞાનીઓ કહે છે કે એ વૃક્ષની રચના ઋષિ કશ્યપે પારિજાત અને મંદારના વૃક્ષના સંયોગથી કરી હતી. કહેવાય છે કે આ સંસારનું પહેલું હાઇબ્રિડ વૃક્ષ હતું. આ જ વૃક્ષ પર ચડીને લક્ષ્મણે ભરતને સેના સાથે વનમાં આવતો જોયો હતો.’
ADVERTISEMENT
પૅરૅશૂટ ફૅબ્રિકથી ધ્વજ
રામ મંદિર પર ફરકાવવા માટેનો ધ્વજ અમદાવાદના કારીગરોએ બનાવ્યો છે. એ ખાસ નાયલૉનમાંથી પૅરૅશૂટ ફૅબ્રિકથી તૈયાર થયો છે. રામ મંદિરમાં રિહર્સલ માટે પહોંચેલી ધજા પાછી મોકલવામાં આવી છે. નવી ધજા થોડા હલકા વજનની હશે. એ તડકો, વરસાદ અને તેજ પવન સામે પણ ટકી શકશે. ૨૨X૧૧ ફુટમાં ફેલાયેલી ધજા ત્રણ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાશે.
ત્રણ કલાકનો કાર્યક્રમ
નરેન્દ્ર મોદી રામ મંદિરના ધજારોહણ કાર્યક્રમ માટે પચીસમી નવેમ્બરે ત્રણ કલાક રહેશે. સવારે ૧૧ વાગ્યે પહોંચીને સૌથી પહેલાં તેઓ હનુમાનગઢી જશે. ત્યાં દર્શન-પૂજા કરીને રામલલાના દરબારમાં દર્શન અને આરતી કરશે અને પછી અભિજિત મુહૂર્ત ૧૧.૫૮ વાગ્યે ધ્વજારોહણ કરશે.
જડબેસલાક વ્યવસ્થા
પચીસમી નવેમ્બરે સામાન્ય જનતા રામલલાનાં દર્શન નહીં કરી શકે. VIP મૂવમેન્ટને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પહેલાં મંદિર પરિસરમાં મોબાઇલ લઈ જવાની છૂટ હતી, પરંતુ દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પછી મોબાઇલ ધજારોહણ વખતે કોઈ વ્યક્તિ મોબાઇલ નહીં લઈ જઈ શકે.
૧૫,૦૦૦ CCTV કૅમેરા મંદિર અને એની આસપાસના વિસ્તારોની નિગરાની કરશે.
કાર્ડ પરના QR કોડ સ્કૅન કર્યા પછી જ મહેમાનોને એન્ટ્રી મળશે.
રામ મંદિરના પરિસરમાં મેટલ ડિટેક્ટર, ડૉગ સ્ક્વૉડ અને સર્વેલન્સ સિસ્ટમમાંથી પસાર થઈને મહેમાનો અંદર જઈ શકશે.
મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કર્મચારીઓના ટૂ-સ્ટેપ વેરિફિકેશન કર્યા પછી જ તેમનો ડ્યુટી-ચાર્ટ ફાઇનલ થશે.
ઍરપોર્ટની આસપાસના ૩ કિલોમીટરના એરિયામાં હોટેલ, હોમ-સ્ટે અને ઘરોની તપાસ થઈ રહી છે.


