કર્મચારીનું ઈ-મેઇલ અકાઉન્ટ હૅક થયું એને પગલે ૧૦૦૦ GB ડેટા થયો લીક
બૅન્ક ઑફ બરોડા
તાજેતરમાં થયેલા સાઇબર-હુમલામાં બૅન્કના એક કર્મચારીનું ઈ-મેઇલ અકાઉન્ટ હૅક થતાં બૅન્ક ઑફ બરોડાનો ૧૦૦૦ GB ડેટા લીક થયો હતો. આ મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર બૅન્કનો એક ટેરાબાઇટ ડેટા લીક થવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આ ૧૦૦૦ GB ડેટા લીક થયા બાદ સાવચેતીનાં પગલાંરૂપે બૅન્કે પોતાના ગ્રાહકોને તાત્કાલિક ધોરણે મોબાઇલ-બૅન્કિંગ અને નેટ-બૅન્કિંગના પાસવર્ડ બદલવાની સલાહ આપી છે. ઉપરાંત તમામ બૅન્કિંગ-ટ્રાન્ઝૅક્શન માટે શૉર્ટ મેસેજિંગ સર્વિસ (SMS) અને ઈ-મેઇલ અલર્ટ ઑન રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. એટલું જ નહીં, બૅન્કે ગ્રાહકોને બૅન્કના નામ જેવા અજાણ્યા SMS અથવા ઈ-મેઇલમાં આવેલી લિન્ક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે. વિશેષમાં પોતાના નામે કોઈ ક્રેડિટ કાર્ડ કે લોન લેવાયાં છે કે નહીં એની સમયાંતરે ચકાસણી કરતા રહેવાનું બૅન્કે કહ્યું છે.
