ગંગા નદી પર ૬૯ કરોડ ના ખર્ચે બનેલા સૌથી મોટા કાચના પુલની ગુણવત્તા પર સવાલ ઊઠ્યા
હૃષીકેશના સહેલાણીઓ બહુ લાંબા સમયથી બજરંગ સેતુ ખૂલવાની રાહ જોઈ રહ્યા છે
ઉત્તરાખંડના હૃષીકેશમાં લક્ષ્મણઝૂલા પાસે બની રહેલો બજરંગ સેતુ એક વાર ફરીથી ગુણવત્તાને લઈને શંકાનાં વમળોમાં અટવાયો છે. આ બ્રિજ બનીને તૈયાર છે અને એનું ઉદ્ઘાટન થાય એ પહેલાં જ પુલની ફુટપાથ પરના ગ્લાસમાં તિરાડો જોવા મળી છે. એને કારણે પ્રશાસને આ પુલ પરથી તરત જ લોકોની અવરજવર રોકવી પડી છે.
હૃષીકેશના સહેલાણીઓ બહુ લાંબા સમયથી બજરંગ સેતુ ખૂલવાની રાહ જોઈ રહ્યા છે જે ૬૯ કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે. જોકે કાચમાં પડેલી તિરાડોને કારણે પુલની સેફ્ટી અને નિર્માણની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. એવો દાવો થઈ રહ્યો છે કે કેટલાંક અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો અને ભારે વસ્તુથી આઘાત કરવાને કારણે તિરાડ પડી છે.
ADVERTISEMENT
૧૩૨ મીટર લાંબા અને પાંચ મીટર પહોળા આ પુલનું નિર્માણ ૨૦૨૨માં શરૂ થયું હતું. એની બન્ને તરફ ગ્લાસની ફુટપાથ બનાવવામાં આવી છે. જોકે હજી સુધી એનું ઉદ્ઘાટન થયું નથી. એ પછી પણ સ્થાનિકો અને સહેલાણીઓ એના પરથી અવરજવર કરે છે.
