તેજસ્વી યાદવે બિહારમાં પરાજય માટે બહેનને જવાબદાર ઠેરવતાં કહ્યું, ‘તુમ્હારે કારણ હમ ચુનાવ હાર ગએ, તુમ્હારા હાય લગ ગયા હમ લોગોં કો’
પિતા લાલુ યાદવના ખોળામાં દીકરી રોહિણી આચાર્ય. રોહિણીએ ૨૦૨૨માં ૧૧ નવેમ્બરે પિતાને કિડની ડોનેટ કરી એના થોડા દિવસ પહેલાં સોશ્યલ મીડિયા પર આ તસવીર શૅર કરી હતી.
કાલે મને ગાળો આપીને કહેવામાં આવ્યું કે હું ગંદી છું, મેં પોતાના પિતાને ગંદી કિડની આપી, કરોડો રૂપિયા લીધા, ટિકિટ લીધી ત્યારે ગંદી કિડની આપી
રોહિણી આચાર્યએ સોશ્યલ મીડિયા પર આ વાતે અફસોસ જતાવતાં લોકોને સલાહ આપી કે જ્યારે પિયરમાં કોઈ દીકરો કે ભાઈ હોય ત્યારે ભૂલથીયે પોતાના ભગવાન જેવા પિતાને બચાવશો નહીં, એ ઘરના દીકરાને જ કહેજો કે તે પોતાની કે પોતાના કોઈ હરિયાણવી દોસ્તની કિડની લગાવી દે
ADVERTISEMENT
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને મળેલી કારમી હાર માટે કહેવાય છે કે મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી યાદવે તેની બહેન રોહિણી આચાર્યને દોષી ઠેરવી હતી અને શનિવારે તેમના ઘરમાં ભારે ઝઘડા બાદ તેના પર ચંપલ ફેંક્યું હતું. ચૂંટણીમાં પરાજય બાદ તેજસ્વીને રોહિણી આચાર્ય સાથે ઉગ્ર દલીલો થઈ હતી. એ સમયે તેજસ્વીએ એમ કહ્યું હોવાનું જાણવા મળે છે કે ‘તુમ્હારે કારણ હમ ચુનાવ હાર ગએ’ (તારા કારણે અમે ચૂંટણી હારી ગયા), ‘તુમ્હારા હાય લગ ગયા હમ લોગોં કો’ (અમને લોકોને તારી હાય લાગી ગઈ).
મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી
શનિવારે મોડી રાતે રોહિણીએ રડતાં-રડતાં રાબડી આવાસ છોડ્યો હતો અને પટના ઍરપોર્ટ પર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘મારો કોઈ પરિવાર નથી. તેમણે જ મને પરિવારમાંથી કાઢી છે. અત્યારે હું સાસરે જાઉં છું. આ બધો તમાશો જોઈને મારી સાસુ પણ રડી રહ્યાં છે.’
મીડિયા સાથે વાત કરતાં રોહિણી આચાર્ય ભાવુક અને આક્રમક દેખાયાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘મારો કોઈ પરિવાર નથી. મારા પરિવારના સભ્યોએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. કોઈ જવાબદારી લેવા માગતું નથી. જ્યારે ચૂંટણીમાં પરાજય બાદ જનતા પ્રશ્નો ઉઠાવી રહી છે ત્યારે પક્ષનું નેતૃત્વ જવાબ આપવાને બદલે આંતરિક મતભેદોને દબાવવામાં વ્યસ્ત છે. જો તમે તેજસ્વીને આ પ્રશ્ન પૂછશો તો તમને ચંપલથી મારવામાં આવશે. મારી ટીકા કરવાનો અને મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમે સંજય યાદવ કે રમીઝ વિશે ઘરમાં કોઈ પ્રશ્ન પૂછશો તો તમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવશે.’
શું તમારી સામે ચંપલ ફેંકાયું એ વાત સાચી છે? એવું પૂછતાં રોહિણીએ એ વાત સાચી છે એમ જણાવતાં કહ્યું હતું કે ‘રોહિણી જે બોલે એ સાચું બાલે છે. આ વાત તેજસ્વી, સંજય અને રમીઝને જઈને પૂછો. આખી દુનિયા સવાલ કરી રહી છે કે પાર્ટીની હાલત આવી કેમ થઈ છે, પણ કોઈએ એની જવાબદારી નથી લેવી. આ સવાલ પૂછશો તો ગાળો આપશે અને ચંપલથી મારવામાં આવશે.’
રોહિણી આચાર્યએ ગઈ કાલે શું લખ્યું?
ગઈ કાલે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે હું ગંદી છું અને મેં મારા પિતાને મારી ગંદી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી. મેં કરોડો રૂપિયા લીધા અને ટિકિટ પણ લીધી અને પછી ગંદી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી. હું બધી પરિણીત દીકરીઓ અને બહેનોને કહીશ કે જ્યારે તમારા પિયરમાં ઘરે દીકરો કે ભાઈ હોય તો ભૂલથી પણ તમારા ભગવાન જેવા પિતાને બચાવશો નહીં. તમારા ભાઈ, તે ઘરના દીકરાને કહો કે તે તેના કોઈ હરિયાણવી મિત્રની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવે. બધી બહેનો અને દીકરીઓએ તેમના ઘર અને પરિવાર, તેમનાં બાળકો, તેમના કામ, તેમનાં સાસરિયાંઓનું ધ્યાન રાખવું જોઈએ; તેમનાં માતા-પિતાની પરવા કર્યા વિના ફક્ત પોતાના વિશે જ વિચારવું જોઈએ. મેં એક મોટો ગુનો કર્યો છે કે મેં મારા પરિવાર, મારાં ૩ બાળકોનું ધ્યાન રાખ્યું નથી. મારી કિડની દાન કરતી વખતે મેં મારા પતિ કે મારાં સાસરિયાંઓની પરવાનગી લીધી નથી. મારા ભગવાન, મારા પિતાને બચાવવા માટે, મેં એવું કંઈક કર્યું જેને આજે ગંદી કહેવામાં આવ્યું છે. તમારે બધાએ ક્યારેય મારા જેવી ભૂલ ન કરવી જોઈએ. કોઈના ઘરે રોહિણી જેવી દીકરી ન થાય.
ગઈ કાલે રોહિણીએ બે સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને પરિવાર અને પાર્ટીથી સંબંધ તોડવા બદલ તેજસ્વી યાદવ અને સંજય યાદવ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. હજી પચીસ મેએ લાલુ યાદવે પોતાના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢ્યો હતો. તેજ પ્રતાપે આ માટે સંજય યાદવને જવાબદાર ઠેરવ્યા હતા.
બહેનનું અપમાન કરનારાઓ સામે કૃષ્ણનું સુદર્શન ચક્ર ચાલશે : તેજ પ્રતાપ યાદવ
રોહિણી આચાર્યના ભાઈ તેજ પ્રતાપ યાદવ તેના સમર્થનમાં બહાર આવ્યા છે. મીડિયા સાથે વાત કરતાં તેજ પ્રતાપે કહ્યું હતું કે જે કોઈ મારી બહેનનું અપમાન કરશે તેના પર કૃષ્ણનું સુદર્શન ચક્ર ચાલશે.
બીજી ત્રણ બહેનો પણ ઘર છોડીને નીકળી ગઈ
ગઈ કાલે લાલુ યાદવના પરિવારને વધુ એક ફટકો પડ્યો હતો. તેમની બીજી ત્રણ દીકરીઓ રાગિણી, ચંદા અને રાજલક્ષ્મી પણ તેમનાં બાળકો સાથે પટનાનું ઘર છોડીને દિલ્હી જતી રહી હતી. આ પરથી સંકેત મળી રહ્યો છે કે હવે આ વિવાદ માત્ર રાજનૈતિક નથી રહ્યો, પરંતુ પારિવારિક સ્તર પર પણ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.
બહારની વ્યક્તિ પરિવારને તોડી રહી છે : BJP
લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણીએ રાજકારણ અને પરિવાર છોડવા માટે સંજય યાદવ અને રમીઝને દોષી ઠેરવ્યા હતા. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં બિહારના BJP પ્રમુખ દિલીપ જાયસવાલે લાલુ પ્રસાદ યાદવને ઉદ્દેશીને કહ્યું હતું કે ‘લાલુને કિડની આપનાર રોહિણીને પરિવારની બહાર ફેંકી દેવામાં આવતી જોવી દુઃખદ છે. તમારા પરિવારને તૂટતો બચાવવો જોઈએ. બહારની એક વ્યક્તિ તમારા પરિવારને તોડી રહી છે.’
યાદવ નહીં, આચાર્ય અટક પાછળની કહાણી
રોહિણીનો જન્મ ૧૯૭૯માં પટનામાં થયેલો. તેનો જન્મ ડૉ. કમલા આચારીના નર્સિંગ હોમમાં થયેલો. દીકરીના જન્મ પછી ડૉ. કમલાએ ફી નહોતી લીધી. એને બદલે તેમણે દીકરીને પોતાની અટક આપવાનો અનુરોધ લાલુ પ્રસાદને કર્યો હતો. એ પછી યાદવ પરિવારે રોહિણીને આચાર્ય અટક આપી હતી. રોહિણીએ જમશેદપુરની મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કૉલેજથી MBBS કર્યું છે. ૨૦૦૨માં તેનાં લગ્ન સમરેશ સિંહ સાથે થયાં હતાં અને તે પતિ સમરેશ સાથે સિંગાપોરમાં સેટલ છે. તેમને એક દીકરી અને બે દીકરા છે.
લાલુ યાદવના પરિવારમાં ડખો પેદા કરનારા સંજય યાદવ અને રમીઝ નેમત ખાન કોણ છે?
હરિયાણાનો સંજય યાદવ તેજસ્વીની સૌથી વિશ્વાસુ વ્યક્તિ
રમીઝ ભૂતપૂર્વ સમાજવાદી સંસદસભ્ય રિઝવાન ઝહીરનો જમાઈ છે. તે RJDના સોશ્યલ મીડિયા અને ચૂંટણી-કામગીરીનું નિરીક્ષણ કરે છે. તેની પત્ની ઝેબા રિઝવાન બે વાર તુલસીપુર વિધાનસભા ચૂંટણી લડી ચૂકી છે. રોહિણીની પોસ્ટ પછી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથેના તેના ફોટો વાઇરલ થયા છે. તુલસીપુર તહસીલના ભંગહાકાલા ગામના રહેવાસી રમીઝ પર અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. તેના પર ૨૦૨૧ની પંચાયતની ચૂંટણી દરમ્યાન હિંસા, આગચંપી અને રમખાણોનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે બાદમાં કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો હતો. રમીઝ ૨૦૨૨માં તુલસીપુર નગર પંચાયતના ભૂતપૂર્વ અધ્યક્ષ ફિરોઝ પપ્પુના હત્યાકેસમાં આરોપી છે. આ કેસમાં તેના પર NSA અને ગૅન્ગસ્ટર ઍક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેના પર કૌશાંબીના કોખરાજ પોલીસ-સ્ટેશનમાં પણ હત્યાનો કેસ નોંધાયેલો છે. બલરામપુર જેલમાં લાંબો સમય વિતાવ્યા બાદ તેને એપ્રિલ ૨૦૨૫માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.રોહિણી આચાર્યના રમીઝના નામ સાથે જાહેર આરોપોએ હવે એક નવું રાજકીય તોફાન ઊભું કર્યું છે. બિહારમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય રાબડી દેવીના ૧૦, સર્ક્યુલર રોડ, પટનાસ્થિત નિવાસસ્થાનથી અચાનક દિલ્હી જવા રવાના થઈ ગઈ હતી. આ એ જ ઘર છે જ્યાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ રહે છે.
રમીઝ પર ઉત્તર પ્રદેશમાં હત્યા સહિત ૧૨ કેસ
સંજય યાદવ રાજ્યસભાના સંસદસભ્ય છે અને તેજસ્વીના અંગત સહાયક છે. એવું માનવામાં આવે છે કે તેજસ્વી તેની સલાહ વિના કોઈ કાર્યવાહી કરતા નથી. સંજય નક્કી કરે છે કે તેજસ્વીએ ક્યાં જવું જોઈએ અને કોને મળવું જોઈએ. રમીઝ પણ તેજસ્વી સાથે કામ કરે છે. ઉત્તર પ્રદેશમાં તેની સામે હત્યાનો કેસ નોંધાયેલો છે. સંજય યાદવ હરિયાણાના મહેન્દ્રગઢના નાંગલ સિરોહી ગામનો રહેવાસી છે. તેના ચૂંટણી સોગંદનામા મુજબ સંજય કમ્પ્યુટર સાયન્સમાં પોસ્ટ-ગ્રૅજ્યુએટ છે અને તેની પાસે ૨.૧૮ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેજસ્વી અને સંજય ૨૦૧૨ની આસપાસ દિલ્હીના એક ક્રિકેટ ગ્રાઉન્ડ પર મળ્યા હતા. ૨૦૧૩માં જ્યારે લાલુ યાદવ ઘાસચારા કૌભાંડમાં જેલમાં ગયા ત્યારે તેજસ્વી પટના પાછા ફર્યા હતા. રાજકારણ શીખવાનું શરૂ કરતાં તેમણે તેમના મિત્ર સંજયને પટના બોલાવ્યો હતો. સંજયે એક બહુરાષ્ટ્રીય IT કંપનીમાં નોકરી છોડી દીધી હતી અને પટના આવ્યો હતો. સંજયે તેજસ્વીને સમાજવાદી રાજકારણ પર અસંખ્ય પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તે તેજસ્વી યાદવને અટલ બિહારી વાજપેયી, જ્યૉર્જ ફર્નાન્ડિસ, કાંશી રામ, માયાવતી, ચંદ્રશેખર અને વી. પી. સિંહ સહિતના દેશના ટોચના નેતાઓનાં ભાષણો બતાવતો અને સંભળાવતો હતો જેથી તેજસ્વી પણ ભાષણ કરવાની સારી કળા અને સૂક્ષ્મતા શીખી શકે. સંજય લાલુના દિલ્હીમાં તુઘલક રોડસ્થિત નિવાસસ્થાને દરરોજ ચારથી પાંચ કલાક તેજસ્વી સાથે વિતાવતો હતો.


