Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > વાસ્તુ Vibes: ઘરમાં ફીશટૅન્ક મૂકવાથી ફાયનૅન્શિયલ પ્રશ્નો સૉલ્વ થાય છે એ વાતમાં તથ્ય કેટલું?

વાસ્તુ Vibes: ઘરમાં ફીશટૅન્ક મૂકવાથી ફાયનૅન્શિયલ પ્રશ્નો સૉલ્વ થાય છે એ વાતમાં તથ્ય કેટલું?

Published : 04 May, 2026 01:46 PM | IST | Mumbai
Dharmik Parmar | dharmik.parmar@mid-day.com

Vaastu Vibes: આજે આપણે વાત કરીશું જળ તત્ત્વની. જેનું વસ્તુમાં ખૂબ જ મહત્વ છે. પાણી એ કુદરતી રીતે જીવનશક્તિની ઊર્જા વહન કરતું એક મહત્વપૂર્ણ માધ્યમ ગણાય છે.

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)


Vaastu Vibes: વાસ્તુશાસ્ત્ર મૂળ તો વ્યક્તિની રહેવાની જગ્યા અને વ્યક્તિગત ઊર્જા વચ્ચેના ગહન સંબંધને શોધવા મદદ કરે છે. જેના પાયામાં પાંચ તત્ત્વો છે. અને એ છે- પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશ. દરેક તત્ત્વના પોતાના ગુણો છે, જે વ્યક્તિના સ્વભાવ અને તેની આંતરિક સ્થિતિ બંનેને પ્રભાવિત કરતાં હોય છે. આ તત્ત્વો માત્ર ભૌતિક જગ્યાઓ સુધી મર્યાદિત નથી પણ તે દિશાઓ, રંગો, આકારો, ડિઝાઇનના પ્રિન્સિપલ, સ્થાપત્ય અને જન્મ તારીખ, સંખ્યાઓ અને લોગો જેવા વ્યક્તિગત પાસાઓને પણ આવરી લે છે.

વાત જળ તત્ત્વની



આ પાંચ તત્ત્વમાંથી આજે આપણે વાત કરીશું જળ તત્ત્વની. જેનું વસ્તુમાં ખૂબ જ મહત્વ છે. પાણી એ કુદરતી રીતે જીવનશક્તિની ઊર્જા વહન કરતું એક મહત્વપૂર્ણ માધ્યમ ગણાય છે. તે મહાસાગરો, નદીઓ, તળાવો, ઝરણાંઓ, સરોવરો, કુવાઓ, ભૂગર્ભ ભંડાર, વાદળો અને માનવ શરીરની અંદર પણ વહેતું હોય છે. આપણા શરીરનો સિત્તેર ટકાથી વધુનો ભાગ પાણીથી ભરાયેલો હોઇ પ્રકૃતિ અને વ્યક્તિગત ઊર્જા વચ્ચેની સાંકળ પણ બની રહે છે. વાસ્તુશાસ્ત્રમાં પાણી એ માત્ર એક ભૌતિક જરૂરિયાત નથી પરંતુ એક ઊંડી ઊર્જાસભર શક્તિનો સ્ત્રોત પણ છે. જળ તત્ત્વ એ અનુકૂલનક્ષમતા, શુદ્ધિકરણ અને સાતત્યનું પ્રતીક માનવામાં આવે છે. તે આપણને જીવનમાં પ્રવાહી રહેવાનું, આપણા ઉર્જાસ્પંદનોને શુદ્ધ કરવાનું અને બ્રહ્માંડના પ્રવાહ સાથે આપણા આંતરિક લયનો સુમેળ સાધતાં શીખવે છે. આ જ જળ તત્ત્વના માધ્યમથી આપણે આપણી જગ્યાઓ (Vaastu Vibes) અને આપણા જીવનમાં સ્પષ્ટતા, વ્યાપકતા અને ભાવનાત્મક સંતુલન સાધી શકીએ છીએ.


જગ્યા સંબંધિત વાસ્તુમાં જળ તત્ત્વની શી ભૂમિકા છે?

પરંપરાગત વાસ્તુશાસ્ત્ર હોય કે ફેંગ શુઇ, પાણી હંમેશા સંપત્તિ, પ્રવાહ (Vaastu Vibes) અને ભાવનાત્મક સંતુલન સાથે સંકળાયેલું તત્ત્વ છે. જોકે, એ વાત પણ ધ્યાન રાખવી જોઈએ કે જળ તત્ત્વ એ કંઇ ફક્ત ફુવારાઓ, ફીશટૅન્ક કે ચોક્કસ દિશામાં ઘરની ભીંતો પર ધોધનાં ચિત્રો લગાડવાથી સ્ટ્રોંગ નથી થતું. જળ ઊર્જાનો હેતુ અને ઉપયોગ કરતી પહેલાં તેને ઊંડાણપૂર્વક સમજવું આવશ્યક છે. કોઈપણ જગ્યાએ તે મૂકી દેવાથી ઊર્જાને સુધારવાને બદલે બગાડી શકે છે. માટે સભાનપણે અને પૂરી સમજણ સાથે તેનો ઉપયોગ કરવો જોઈએ.


ઘરમાં ફીશટૅન્ક મૂકવાથી ફાયનાન્શિયલ પ્રશ્નો સોલ્વ થઈ જાય છે?

જળ ઊર્જા વિશે લોકોમાં પ્રવર્તતા સામાન્ય પ્રશ્નોમાંથી એક એ હોય છે કે શું ઘરમાં ફીશટૅન્ક મૂકવાથી ફાયનાન્શિયલ પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. ઘણા લોકો માને છે કે ઘરમાં ફીશટૅન્ક રાખવાથી આર્થિક તણાવ દૂર થઈ શકે છે અથવા ભાગ્યોદય થાય છે. પરંતુ સમજો કે આર્થિક તણાવ એ માત્ર વાસ્તુની ખામીઓને કારણે થતો નથી. તે સામાન્ય રીતે ત્યારે જન્મે છે જ્યારે જગ્યાની ઊર્જા અને વ્યક્તિગત ઊર્જા બંને ઓછી હોય.  કોઈ ચોક્કસ દિશામાં ફીશટૅન્ક મૂકી દેવાથી કંઇ આપમેળે સુખના ખજાના મળતા નથી. એ પણ સમજો કે આપણે સ્વલાભ માટે અન્ય જીવોને કેમ બાંધી રાખવા? દરેક માછલીને પણ પોતાનું જીવન છે. જ્યારે આપણે આ જીવોને ફક્ત આપણા સ્વાર્થને સંતોષવા ટૅન્કમાં ગોંધી રાખીએ છીએ ત્યારે આપણે તેમની કુદરતી સ્વતંત્રતામાં બધારૂપ બનીએ છીએ. આવું કરવાથી અસંતુલન પેદા થાય છે, કારણ કે જ્યારે ઊર્જા કોઈનું શોષણ કરીને કે બાંધીને મેળવવામાં આવે તો એ સુમેળમાં મળી શકતી નથી.

કૉન્શિયસ વાસ્તુ (Vaastu Vibes) એ વાત પર ભાર મૂકે છે કે દરેક જીવના પોતાની વાઇબ્રેશન હોય છે. જ્યારે આપણે તેમાં દખલગીરી કરીએ છીએ તો ઉપરથી આપણે એક મોટા ઉર્જા ક્ષેત્રને ખલેલ પહોંચાડીએ છીએ.  સાચો સુમેળ તો મા સમી કુદરતને સાચવીને ચાલીએ તેમાં છે, નહીં કે તેની વિરુદ્ધ કામ કરવાથી. એટલે જ કૉન્શિયસ વાસ્તુ કોઈ દિવસ ફીશટૅન્ક કે વિવિધ ફેન્સી ગેજેટ્સ જેવા સુશોભનના ઉપાયો પર આધાર રાખતું નથી.  તેના બદલે તે પ્રકાશ, હવા, પાણી, છોડ, રંગો અને દિશાઓ જેવા પ્રકૃતિ સાથે ડાયરેક્ટ પડઘો પાડતા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને જગ્યાની ઊર્જાને સંતુલિત કરવા પર ભાર મૂકે છે. આ ઉપાયો સરળ, કુદરતી અને તમામ જીવ માટે આદરપૂર્ણ હોય છે.

અંતે, કહેવાનું એટલું જ કે...

ટૂંકમાં કહેવાનું એટલું જ કે, ફીશટૅન્ક કે અન્ય વાસ્તુ ઉપાયો એ કોઈ જાદુઈ ઉકેલો નથી કે જે ફાયનાન્શિયલ પ્રશ્નોનો હલ લાવી આપે. સાચું પરિવર્તન ત્યારે જ ગતિ પકડે છે જ્યારે આપણે આપણી પોતાની ઊર્જાને ઠીક કરીએ છીએ અને સમસ્યાના મૂળ (Vaastu Vibes) કારણને સમજીએ છીએ. જ્યારે વ્યક્તિગત ઊર્જા અને જગ્યાની પોતાની ઊર્જા બંને સાથે ચાલે છે ત્યારે આપણે આરોગ્યપ્રદ, વધુ સશક્ત રીતે સમસ્યાઓનો સામનો કરી શકવા સમર્થ બનીએ છીએ. આવો, સમસ્યાઓને ઉકેલવા ખાતર ઉકેલવા કરતાં આપણી અંદર અને આસપાસની ઊર્જાને સમજણપૂર્વક બદલીએ. સભાન વાસ્તુ એ વાત પર પણ ભાર મૂકે છે કે વાસ્તુ સંબંધિત ઉપાયો કુદરત સાથે સુમેળ સાધતાં હોવા જોઈએ, નહિ કે તેની વિરુદ્ધ હોય.

Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2026 01:46 PM IST | Mumbai | Dharmik Parmar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK