Bomb Threat in Indigo Flight: અમદાવાદથી લખનૌ થઈને દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ (6E-2111)માં શુક્રવારે બૉમ્બની ધમકી મળતાં હડકંપ મચી ગયો હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અમદાવાદથી લખનૌ થઈને દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટ (6E-2111)માં શુક્રવારે બૉમ્બની ધમકી મળતાં હડકંપ મચી ગયો હતો. ફ્લાઇટ હવામાં હતી ત્યારે તેના ટોઇલેટમાંથી એક ટીશ્યુ પેપર મળી આવ્યું હતું, જેના પર `બૉમ્બ` લખેલું હતું. આ માહિતી મળતાં જ પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી અને ઇમરજન્સી લેન્ડિંગ માટે મંજૂરી માગી હતી. એરપોર્ટના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે કલાકો સુધી ચાલેલી તપાસ છતાં વિમાનની અંદર કે આસપાસ કોઈ બૉમ્બ, વિસ્ફોટક અથવા અન્ય જોખમી સામગ્રી મળી આવી નથી. પ્રાથમિક તપાસ મુજબ, આ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી મજાક હોવાનું માનવામાં આવે છે, જેનો એકમાત્ર હેતુ મુસાફરોમાં અને એરપોર્ટ પર ભય ફેલાવવાનો હતો.
ATCએ તરત જ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધા હતા. ત્યારબાદ સવારે લગભગ 11:15 વાગ્યે ફ્લાઇટને લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી. વિમાનમાં સવાર તમામ 180 મુસાફરોને તેમના સામાન સાથે નીચે ઉતારવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
એક કલાક સુધી ચાલ્યું ચેકિંગ
સુરક્ષા પ્રોટોકોલ મુજબ CISF, બૉમ્બ નિરોધક દળ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ વિમાનની તપાસ હાથ ધરી હતી. ડોગ સ્ક્વોડની મદદથી મુસાફરોના સામાન તેમજ કાર્ગો વિસ્તારની પણ ચકાસણી કરવામાં આવી હતી. જો કે, તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.
લગભગ એક કલાક સુધી ચાલેલી તપાસ બાદ તમામ મુસાફરોને ફરીથી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરે લગભગ 2:40 વાગ્યે ફ્લાઇટ દિલ્હી જવા માટે રવાના થઈ હતી.
એપ્રન વિસ્તારમાં રાખીને કરાઈ તપાસ
ધમકીની માહિતી મળ્યા બાદ વિમાનને તરત ટેકઓફથી રોકી દેવામાં આવ્યું હતું અને એરપોર્ટના એપ્રન વિસ્તારમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યાં સુરક્ષા દળોએ આધુનિક સાધનો અને ડોગ સ્ક્વોડની મદદથી વિમાનના દરેક ખૂણાની તપાસ કરી હતી.
એવિએશન વિભાગને મોકલાશે રિપોર્ટ
આ સમગ્ર ઘટનાને લઈને CISF અને ATC દ્વારા એવિએશન વિભાગને વિગતવાર રિપોર્ટ મોકલવામાં આવશે. જો તપાસ દરમિયાન ટિશ્યૂ પેપર પર `બૉમ્બ` લખનાર વ્યક્તિની ઓળખ થશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નહીં
એરપોર્ટના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે કલાકો સુધી ચાલેલી તપાસ છતાં વિમાનની અંદર કે આસપાસ કોઈ બૉમ્બ, વિસ્ફોટક અથવા અન્ય જોખમી સામગ્રી મળી આવી નથી. પ્રાથમિક તપાસ મુજબ, આ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી મજાક હોવાનું માનવામાં આવે છે, જેનો એકમાત્ર હેતુ મુસાફરોમાં અને એરપોર્ટ પર ભય ફેલાવવાનો હતો.
હાલ પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે કાનૂની અને સુરક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી છે અને ટોયલેટમાં ટિશ્યૂ પેપર કોણે મૂક્યું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.
