Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ગોળી ચલાવી દીધી છે તો સજા તો મળશે

ગોળી ચલાવી દીધી છે તો સજા તો મળશે

Published : 27 February, 2026 07:10 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિષયના મામલે ચીફ જસ્ટિસ બરાબરના વીફર્યા, NCERTની માફીનો અસ્વીકાર કરતાં કહ્યું....

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાન્ત, આ છે એ પાઠ.

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાન્ત, આ છે એ પાઠ.


ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર વિષયવાળી આઠમા ધોરણની સોશ્યલ સાયન્સની આખી ટેક્સ્ટ-બુક પર પ્રતિબંધ, તમામ હાર્ડ કૉપી પાછી લેવા અને ડિજિટલ કૉપીઓ હટાવવાનો આદેશ, NCERTને શોકૉઝ નોટિસ આપીને કહ્યું કે જવાબદાર લોકોને બક્ષવામાં નહીં આવે

ગુરુવારે સુપ્રીમ કોર્ટે ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ ચૅપ્ટરવાળી આઠમા ધોરણની સોશ્યલ સાયન્સની બુક પર બૅન મૂકી દીધો હતો. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે પુસ્તક છપાવવા અને એના વેચાણ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપીને ઉમેર્યું હતું કે તમામ ફિઝિકલ કૉપી જપ્ત કરી લેવામાં આવે અને ડિજિટલ ફૉર્મ પણ ડિલીટ કરવામાં આવે.



નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT)ના આઠમા ધોરણના પુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ વિષય પર સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું હતું અને NCERTનો ઊધડો લીધો હતો. NCERTનો પક્ષ રજૂ કરતા સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ પહેલાં જ કોઈ શરત વિના માફી માગી હતી, પરંતુ કોર્ટે એને સ્વીકારવાનો ઇનકાર કરીને NCERTના ડિરેક્ટરને કારણ બતાવો નોટિસ આપી હતી. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું હતું કે ‘અમે આ વિષયની ઊંડી તપાસ કરવા માગીએ છીએ. જુડિશ્યરીના હેડ હોવાના નાતે આ મામલે જવાબદાર કોણ છે એ પાકું કરવું એ મારું કર્તવ્ય છે. જેની પણ ભૂલ છે તેને સજા મળવી જોઈએ.’


આઠમા ધોરણની સોશ્યલ સાયન્સની બુકની તમામ પ્રિન્ટ અને ડિજિટલ કૉપીઓને તત્કાળ જપ્ત કરવાનો અને હટાવવાનો નિર્દેશ આપવા ઉપરાંત ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘જ્યાં સુધી જવાબદાર કોણ છે એ નક્કી નહીં થાય ત્યાં સુધી હું આ કાર્યવાહી બંધ નહીં કરું. અમે જાણવા માગીએ છીએ કે આની પાછળ કોણ લાગેલું છે. નામ જણાવો.’

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓને તેમના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપીને ચેતવણી આપી હતી કે જો કોઈ પણ રીતે નિર્દેશોની અવહેલના કરવામાં આવી તો ગંભીર કાર્યવાહી કરવામાં આવશે. 


NCERT વિવાદ પર નરેન્દ્ર મોદી પણ ખફા, પૂછ્યું...પુસ્તકમાં આ કઈ રીતે અને કોણે છાપ્યું? એની જવાબદારી સ્પષ્ટ કરો

‘ન્યાય‌તંત્રમાં ભ્રષ્ટાચાર’વાળા ચૅપ્ટરને લઈને સુપ્રીમ કોર્ટની કડક ફટકાર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સખત નારાજગી દર્શાવી છે. તેમણે પૂછ્યું હતું કે ‘પુસ્તક છાપવાની પ્રક્રિયાની દેખરેખ અને જવાબદારી કોની હતી? આઠમા ધોરણનાં બાળકો ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવા ગંભીર વિષય પર કઈ રીતે ચર્ચા કરી શકે? આ લાપરવાહી છે અને એ માટે જવાબદારી કોની છે એ નક્કી કરવામાં આવે.’ મંગળવારે કૅબિનેટની બેઠક મળી ત્યારે જ નરેન્દ્ર મોદીએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે ‘સંવેદનશીલ સંસ્થાગત મુદ્દાઓને શિક્ષણના પ્રારંભિક ચરણમાં જ કેવી રીતે રજૂ કરવામાં આવે છે? આનાથી સ્કૂલનાં પાઠ્યપુસ્તકોની તૈયારી દરમ્યાન તપાસ અને ધારાધોરણો લાગુ કઈ રીતે થાય છે એના પર સવાલ ઊઠ્યા છે.’

પહેલાં માફીનો એક શબ્દ પણ નહીં

NCERTએ બુધવારે કોર્ટમાં જે રજૂઆત કરી હતી એમાં માફીનો એક શબ્દ પણ નહોતો, ઊલટાનું તેમના નિર્ણયને યોગ્ય ઠેરવવાની કોશિશ કરી હતી. જોકે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહીની શરૂઆતમાં જ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ શિક્ષણ ખાતા તરફથી કોઈ જ શરત વિના માફી માગી લીધી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ ભીનું સંકેલી લેવાના મૂડમાં નહોતી. કોર્ટે NCERTના ડિરેક્ટર અને સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરીને શોકૉઝ નોટિસ આપીને પૂછ્યું હતું કે આ માટે જવાબદાર લોકો સામે કેમ કડક કાર્યવાહી ન કરવી જોઈએ એનું એક કારણ જણાવો. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘ન્યાયતંત્ર પર કાયમી અસર નાખનારું આવું ખોટું કામ ક્રિમિનલ ગુનાની પરિભાષામાં આવશે. જો આવું બેરોકટોક ચાલવા દઈશું તો એનાથી લોકોનો ન્યાયતંત્રમાંથી ભરોસો ઊઠી જશે.’

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ માગી માફી 

સુપ્રીમ કોર્ટના કડક વલણ પછી કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે જે કોઈ પણ નિર્દેશ કર્યો છે એનું કડક પાલન કરવામાં આવશે. અમને ન્યાયતંત્ર માટે ખૂબ જ માન છે. જે કંઈ પણ થયું એનાથી હું ખૂબ દુખી છું અને ખેદ વ્યક્ત કરું છું. મારા ધ્યાનમાં આ વાત આવતાં જ મેં તાત્કાલિક ધોરણે NCERTને સંબંધિત પુસ્તકને પાછું ખેંચવાનો આદેશ આપી દીધો છે. જરૂરી તમામ પગલાં લેવામાં આવશે એની ખાતરી આપું છું.’

ચાર મુખ્ય નિર્દેશ 

આ વિષયનાં પુસ્તકો સ્કૂલોમાં હોય, કોઈને અપાયાં હોય કે છપાયાં હોય કે ડિજિટલ ફૉર્મમાં હોય એમને કેન્દ્ર અને રાજ્યના શિક્ષણ વિભાગો દ્વારા તરત જ હટાવવામાં આવે. 
પુસ્તકનું પ્રિન્ટેડ કે ડિજિટલ વર્ઝન ડિસ્ટ્રિબ્યુટ કરવું એ કોર્ટના આદેશનું જાણીજોઈને કરેલું ઉલ્લંઘન માનવામાં આવશે. 
તમામ રાજ્યોના શિક્ષણ વિભાગના મુખ્ય સેક્રેટરી બે વીકમાં આ કાર્યવાહીનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સોંપે.
તપાસનો રિપોર્ટ મળ્યા પછી કોર્ટ કમિટી બનાવશે, જે આખા મામલાની વિગતે ઊંડી તપાસ કરશે અને જવાબદાર લોકોની ઓળખ કરશે. 

Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 07:10 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK