ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના કૉક્રૉચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, વિશાલ દાદલાણી, વિશાલ ભારદ્વાજ જોડાયાં : જ્ઞાનેશ કુમાર રાજીનામું ન આપે તો ૧૦ આૅક્ટોબરથી જંતર મંતર પર આંદોલન કરવાની અભિજિત દીપકેની જાહેરાત
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે હજારોની સંખ્યામાં આંદોલકો શિવાજીપાર્ક પહોંચ્યા હતા
ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરીને મુંબઈમાં ગઈ કાલે ગાંધી જયંતીના સપરમા દિવસે શિવાજી પાર્ક પર કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ જેલભરો આંદોલનનું એલાન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં જેન-ઝી જોડાયા હતા. આઝાદીની લડત વખતે જે રીતે ‘સાયમન પાછો જા’ની લડત ચલાવવામાં આવી હતી એ રીતે કૉક્રૉચ જનતા પાર્ટી દ્વારા ‘ગો જ્ઞાનુ ગો’ની લડત ચલાવાઈ રહી છે. પોલીસે શિવાજી પાર્કમાં આંદોલન કરવાની પરવાનગી આપી નહોતી. એથી એક ટ્રકમાં જ સ્ટેજ બનાવીને એના પરથી આ આંદોલનના મુંબઈમાં શ્રીગણેશ કરાયા હતા. આ આંદોલનને સમર્થન આપવા ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી સહિત બૉલીવુડના જાણીતા ચહેરા પણ શિવાજી પાર્ક પહોંચી ગયા હતા જેમાં નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, વિશાલ દાદલાણી અને વિશાલ ભારદ્વાજ પણ પહોંચી ગયાં હતાં, જ્યારે કેટલાક કલાકારોએ મેસેજિસ મોકલાવીને પોતાનો સપોર્ટ જાહેર કર્યો હતો.
મીમ્સ અને ફિલ્મી ડાયલૉગ્સ સાથે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી: જ્ઞાનુ, તુઝા ડેમોક્રસી વર ભરોસા નાય કા
ADVERTISEMENT
વિરોધ કરી રહેલા યુવાનોના હાથમાં વ્યંગાત્મક મીમ્સ અને જાણીતા ફિલ્મી ડાયલૉગ્સ દર્શાવતાં પ્લૅકાર્ડ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. શિવાજી પાર્કના સ્થાનિક રહીશોનો વિરોધ અને દાદર સ્ટેશન સુધી વિસ્તરેલા ચુસ્ત પોલીસ-બંદોબસ્ત છતાં આંદોલનકારીઓએ ગાંધીવાદી વિચારો, ક્રાન્તિકારી સૂત્રોચ્ચાર અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરતાં પોસ્ટર્સથી પરિસર ગજવી મૂક્યું હતું. હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે પ્રદર્શનકારીઓએ ‘જ્ઞાનુ, તુઝા ડેમોક્રસી વર ભરોસા નાય કા?’, ‘જ્ઞાનેશ બ્રો, જસ્ટ રિઝાઇન’ અને ‘ગદ્દાર જ્ઞાનુ મસ્ટ ગો’ લખેલાં બૅનરો દર્શાવ્યાં હતાં. વિરોધ-પ્રદર્શનમાં અનોખી સામગ્રીનો પણ ઉપયોગ જોવા મળ્યો હતો. સાયનના એક વિદ્યાર્થીએ મેલડી ચૉકલેટનાં રૅપર્સમાંથી બનાવેલાં ઘરેણાં પહેર્યાં હતાં અને હાથમાં ફ્રૉડ ડિટર્જન્ટ પાઉડર લખેલું બૅનર રાખ્યું હતું. પુણેથી આવેલાં ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (AISF) સાથે જોડાયેલાં જૂથોએ મ્યુઝિક વગાડીને અને નારા લગાવીને વાતાવરણ ગૂંજવી દીધું હતું.
યે આંદોલન ચાલુ રહેગા તબ તક જબ તક ગો જ્ઞાનુ ગો : વિશાલ દાદલાણી
બૉલીવુડના જાણીતા મ્યુઝિક-ડિરેક્ટર વિશાલ દાદલાણીએ કૉક્રૉચ જનતા પાર્ટીના આ આંદોલનને તેનો સપોર્ટ જાહેર કર્યો હતો અને તે અભિજિત દીપકેને સ્ટેજ પર જઈને મળ્યો હતો અને તેઓ એકમેકને ભેટ્યા પણ હતા. વિશાલ દાદલાણીએ ત્યાર બાદ હાજર મેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘યે ઇતના સુંદર દૃશ્ય હૈ. મુઝે ઇનકે સાથ (અભિજિત દીપકે કે સાથ) દિલ્હી મેં હોને કા મૌકા નહીં મિલા લેકિન યહાં હોને કા મૌકા મિલ રહા હૈ. યે આંદોલન ચાલુ રહેગા તબ તક જબ તક ગો જ્ઞાનુ ગો.’ વિશાલ દાદલાણીએ ત્યાર બાદ જેન-ઝીને ‘ગો જ્ઞાનુ ગો’ના નારા રિપીટ કરાવ્યા હતા અને પછી કહ્યું હતું... અરે, કર લે થોડી શરમ, ગો જ્ઞાનુ ગો.
હું તારો બહુ મોટો ફૅન છું : અભિજિત દીપકેને કહ્યું નસીરુદ્દીન શાહે
નસીરુદ્દીન શાહે સ્ટેજ પર જઈને અભિજિત દીપકેને સપોર્ટ જાહેર કર્યો હતો. તેમને જોઈ અભિભૂત થઈ ગયેલો અભિજિત દીપકે તેમને માન આપવા વાંકો વળ્યો ત્યારે નસીરુદ્દીન શાહે તેને એમ કરતાં રોકી દીધો હતો અને કહ્યું હતું કે હું તો તને ધન્યવાદ કહેવા આવ્યો છું. સામે અભિજિત દીપકેએ કહ્યું હતું કે હું તમારો ફૅન છું, મને લાગતું નહોતું કે તમે આવશો. એના જવાબમાં નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે હું તારો બહુ મોટો ફૅન છું.
દેવેન્દ્ર ફડણવીસ, હું પણ એ જ બોલીશ જે તમે બોલ્યા હતા, મી પુન્હા યેઈન: અભિજિત દીપકે
અભિજિત દીપકેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ટોણો મારતાં કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, તમે સાંભળો છોને? તો આ સાંભળો. તમે અમને જો આંદોલન કરીશું તો ૩ દિવસ જેલમાં પૂરવાના હતા. આવો, અમને જેલમાં ગોંધી દો. ૩ દિવસ નહીં, ૩ મહિના જેલમાં નાખી દો. બહાર આવ્યા પછી પણ હું એ જ બોલીશ જે તમે બોલ્યા હતા : મી પુન્હા યેઈન... મી પુન્હા યેઈન (હું ફરી આવીશ). તમને શું અમે લોકો વિધાનસભ્યો લાગ્યા કે તમે ધમકી આપશો એટલે દોડીને તમારી પાસે આવી જઈશું. તમારી ખુરસી એટલે ફેવિકૉલથી ચોંટાડેલો એક-એક પગ છે. એથી ક્યારે તમારી ખુરસી તૂટી પડશે એ કહેવાય નહીં. અમે એવા દેશમાં રહીએ છીએ જ્યાં બધા ધર્મના અને જાતિના લોકો સાથે રહે છે. સરકાર અમને જુદા નહીં કરી શકે.’
મુંબઈ પોલીસ બહુ ક્યુટ છે, કુચુ-પુચુ છે; તેમને મને ઉપાડી લેવાનો ઉપરથી આદેશ હતો, પણ સામેથી ચા પીવડાવી અને જવા દીધો : અભિજિત દીપકે
અભિજિત દીપકેએ ગઈ કાલે મહારાષ્ટ્ર પોલીસ, મુંબઈ પોલીસનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર પોલીસ, મુંબઈ પોલીસ દેશની બેસ્ટ પોલીસ છે. મુંબઈ પોલીસ બહુ ક્યુટ છે. મુંબઈ પોલીસ ઇઝ કુચુ-પુચુ. તેમને (મુંબઈ પોલીસને) ઉપરથી ઑર્ડર પણ આવી ગયો હતો કે અભિજિતને ઉપાડી લો. જોકે મુંબઈ પોલીસ એટલી ક્યુટ છે કે તેમણે મને ઉપાડ્યો નહીં પણ મને લઈ ગઈ, ચા પીવડાવી અને કહ્યું કે નીકળી જાઓ. મુંબઈ પોલીસ પણ કહી રહી હતી કે સર, તમે જે કરી રહ્યા છો એ બહુ સારું કરી રહ્યા છો. એથી મુંબઈ પોલીસ માટે તાળીઓ વગાડો, તાળીઓ રોકાવી ન જોઈએ. સૅલ્યુટ છે મારી મુંબઈ પોલીસને, સલામ છે મારી.’
આંદોલનમાં ભાગ લેવા આવેલા ૭૫ વર્ષના વડીલે હાર્ટ-અટૅકમાં જીવ ગુમાવ્યો
શિવાજી પાર્ક ખાતે CJPના વિરોધ-પ્રદર્શન દરમ્યાન મૂળ કેરલમના ૭૫ વર્ષના વડીલનું હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થયું હતું. થાણેના રહેવાસી ગોપાલકૃષ્ણ પિલ્લઈ ગઈ કાલે સાંજે ૪.૩૦ વાગ્યે શિવાજી પાર્ક પહોંચ્યા હતા. સાંજે પાંચ વાગ્યે તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ થઈ હતી. ઘટનાસ્થળે હાજર પોલીસ-કર્મચારીઓએ CPR દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તેમને સારવાર માટે શિવાજી પાર્કની શુશ્રૂષા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
કૉક્રૉચ જનતા પાર્ટીના આંદોલનના વિરોધમાં મંત્રાલય સામે આંદોલન
મુંબઈમાં એક બાજુ CJPનું ઇલેક્શન કમિશન સામે આંદોલન થઈ રહ્યું હતું તો બીજી બાજુ અભિજિત દીપકેના આ આંદોલનના વિરોધમાં જનરેશન નેક્સ્ટ રસ્તા પર ઊતર્યું છે. CJPના આ આંદોલનના વિરોધમાં જેન-નેક્સ્ટે મંત્રાલય સામે ઓવલ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમણે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની વિરુદ્ધમાં નારાબાજી કરી હતી. ‘કેજરીવાલ ચોર હૈ ચોર હૈ’ના નારા લગાવ્યા હતા.
