News in Shorts: ગયાજીમાં વિદેશીઓએ પણ કર્યું પિતૃતર્પણ; H-1B વીઝા-પ્રોગ્રામ સંપૂર્ણ નિષ્ફળ હોવાથી એને બંધ કરવાનું કહ્યું અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વૅન્સે અને વધુ સમાચાર
ભોપાલમાં ૧૦૦૦ શિક્ષકો બેઠા ધરણાં પર
મધ્ય પ્રદેશમાં ગઈ કાલે રાજ્યભરના શિક્ષકોએ જ્યાં સુધી તેમની ડિમાન્ડ પૂરી ન થાય ત્યાં સુધી ધરણાં પર બેસવાના ઇરાદે પ્રદર્શન આરંભ્યું હતું. રતલામના એક શિક્ષકે તો આમરણાંત ઉપવાસની સાથે ખીલાની શૈયા પર સૂઈને વિરોધ કર્યો હતો. ટીચરોના અસોસિએશનની મુખ્ય ડિમાન્ડ હતી કે જે શિક્ષકો લાંબા સમયથી કામ કરી રહ્યા છે તેમને ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપવાનું ફરજિયાત ન કરવામાં આવે. તેમણે હાથમાં પોસ્ટર્સ પકડ્યાં હતાં જેમાં લખ્યું હતું કે અમે અમારો હક માગીએ છીએ, ભીખ નહીં.
ગયાજીમાં વિદેશીઓએ પણ કર્યું પિતૃતર્પણ
ADVERTISEMENT

શ્રાદ્ધપક્ષ દરમ્યાન બિહારના ગયાજીમાં રોજના લગભગ દોઢથી બે લાખ લોકો પિતૃતર્પણ અને પિંડદાનની વિધિ કરાવે છે. એમાં માત્ર ભારતમાંથી જ નહીં, વિદેશના શ્રદ્ધાળુઓ પણ મોટી માત્રામાં હોય છે. ગઈ કાલે ફાલ્ગુ નદીના કિનારે રશિયા, જર્મની, ઇટલી, સ્પેન, પોર્ટુગલ અને નેધરલૅન્ડ્સથી આવેલા શ્રદ્ધાળુઓએ ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં હિન્દુ ધર્મના વિધિવિધાન અનુસાર પ્રિયજનોનું તર્પણ કર્યું હતું.
H-1B વીઝા-પ્રોગ્રામ સંપૂર્ણ નિષ્ફળ હોવાથી એને બંધ કરવાનું કહ્યું અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જે.ડી.વૅન્સે
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વૅન્સે ગુરુવારે H-1B વીઝા-પ્રોગ્રામને સંપૂર્ણપણે નિષ્ફળ ગણાવીને એને બંધ કરી દેવાનું સમર્થન કર્યું હતું. વૅન્સે આરોપ લગાવ્યો હતો કે ટેક્નૉલૉજી અને અકાઉન્ટિંગ કંપનીઓ સસ્તા વિદેશી કર્મચારીઓ રાખીને અમેરિકન કામદારો સાથે છેતરપિંડી કરી રહી છે. વાર્ષિક ૫૭ લાખ રૂપિયા (૬૦,૦૦૦ ડૉલર) કમાતા અમેરિકન અકાઉન્ટન્ટને બદલે ૪૨.૭૫ લાખ રૂપિયા (૪૫,૦૦૦ ડૉલર) કમાતા વિદેશી કર્મચારીને લાવવો એ અમેરિકન નોકરીઓનો વિનાશ છે એમ તેમણે કહ્યું હતું.
દુર્ગામાતાની મૂર્તિ લઈને પાછા ફરી રહેલા વર્ધાના મંડળના સભ્યોની જીપ અને ટ્રકનો અકસ્માત : સાત જણનાં મોત, ૧૨ ઘાયલ
નવરાત્રિ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વર્ધાના નવદુર્ગા પૂજા ઉત્સવ સમિતિના કાર્યકરો દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની મૂર્તિ લેવા શેગાવ ગયા હતા. તેઓ જીપમાં મૂર્તિ લઈને પાછા આવી રહ્યા હતા ત્યારે સમૃદ્ધિ હાઇવે પર ધામણગાવ સ્ટેશન પાસે ગુરુવારે મધરાત બાદ પોણા વાગ્યે પૂરઝડપે જઈ રહેલી એક ટ્રકે તેમની જીપને પાછળથી અડફેટે લેતાં ગંભીર અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ૭ કાર્યકરોનાં મોત થયાં હતાં અને ૧૨ કાર્યકરો ઘાયલ થયા હતા.
