જમ્મુના ડોડામાં વાદળ ફાટવાથી વિનાશ, પૂરમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યો, વૈષ્ણોદેવીની યાત્રા તત્કાળ રોકી દેવામાં આવી
અચાનક તવી નદી પરનો પાકો બ્રિજ તૂટી પડતાં ત્રણથી ૪ ગાડીઓ ખડી પડી હતી.
જમ્મુ-કાશ્મીરના ડોડામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે અને ૪ લોકોએ એમાં જીવ ગુમાવ્યો છે. પાણી અને કાટમાળમાં વૃક્ષો, ઘર અને રસ્તા તણાઈ ગયાં છે. ચિનાબ નદીમાં પાણીનું જળસ્તર વધી જતાં વૈષ્ણોદેવીની યાત્રાને ટેમ્પરરી રીતે સ્થગિત કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ થઈ ગયો છે.
કેટલીક સેકન્ડોમાં પૂરનાં પાણી ધસમસતાં આવી રહ્યાં છે અને રસ્તામાં આવતી તમામ ચીજોને સાથે લઈ જાય છે એવો ખતરનાક વિડિયો પણ વાઇરલ થયો છે. સોમવારે થાથરી સબ-ડિવિઝનમાં અચાનક આવેલી મોટી દુર્ઘટનાએ ઉત્તરાખંડના ઉત્તરકાશી જેવી ભયાનક યાદ તાજી કરી દીધી છે. આ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બાદ થયેલી તબાહીએ જનજીવન ખોરવી નાખ્યું છે.
અચાનક કુદરતી આફતને કારણે પર્વતોમાંથી પાણી અને કાટમાળનું પૂર નદીઓ અને નાળાંઓમાં આવી ગયું હતું. જોરદાર પ્રવાહમાં રસ્તામાં આવતાં વૃક્ષો, ઘરો અને રસ્તાઓ તણાઈ ગયાં છે. પ્રશાસને ૪ જણનાં મૃત્યુની પુષ્ટિ કરી છે, જ્યારે ઘણા લોકો ગુમ થયાના અહેવાલ છે.પૂરગ્રસ્તોને બહાર કાઢવા માટે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સની ટીમો કામે લાગી છે.

