AC બંધ થઈ ગયું એને પગલે દિલ્હીથી પુણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટમાં પ્રવાસીઓનો હંગામો, ટેકઑફ કૅન્સલ કરાવીને પ્લેન બદલાવડાવ્યું
પ્લેનમાં AC બંધ હોવાને કારણે ગૂંગળામણ અનુભવવા લાગેલા પ્રવાસીઓનો પિત્તો ગયો હતો. પ્લેનમાંથી ઊતર્યા પછી પ્રોટેસ્ટ કરતા પ્રવાસીઓ. પ્લેનમાં અત્યંત બફારાને કારણે કેટલાક લોકોની તબિયત બગડી ગઈ હતી.
મંગળવારે રાત્રે દિલ્હીથી પુણે જતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG-105માં ઍર-કન્ડિશનિંગ (AC) સિસ્ટમ ખરાબ થઈ જતાં પ્રવાસીઓને ભારે અગવડનો સામનો કરવો પડ્યો હતો અને શ્વાસ રૂંધાઈ જવાના કિસ્સા થતાં પ્રવાસીઓએ ફ્લાઇટનું ટેકઑફ રોકી દીધું હતું.
AC ફેલ થતાં વિમાનમાં બેસેલા પ્રવાસીઓને ભારે અકળામણ થઈ હતી. ફ્લાઇટ ૪૫ મિનિટ મોડી પડી હતી અને બાદમાં અંદર તાપમાનમાં વધારો થયો હતો એ છતાં પાઇલટ્સે ટેકઑફ માટે તૈયારી ચાલુ રાખી હતી. આ ઘટનાના વાઇરલ થયેલા વિડિયોમાં લોકો બૂમો પાડી રહ્યા હતા કે દરવાજો ખોલો, લોકો મરી જશે.
ADVERTISEMENT
વિમાનમાં ગર્ભવતી મહિલાઓ હતી અને ઘણા પરસેવે રેબઝેબ હતા. ઘણા લોકો સીટ પરથી ઊભા થઈને કહેવા લાગ્યા હતા કે ‘મારો શ્વાસ રૂંધાવા લાગ્યો છે, દરવાજા ખોલો.’
મુસાફરોના વિરોધને પગલે વિમાનને ટેકઑફ પહેલાં પાછું લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. ઍરલાઇને વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરી હતી અને મુસાફરોને પુણે મોકલ્યા હતા.
