કર્ણાટકમાં કારોબારી સમિતિની બેઠક પહેલાં પોસ્ટરોમાં કાશ્મીર ભારતનો ભાગ નથી એવો નકશો દર્શાવ્યો
કૉન્ગ્રેસે એનાં પોસ્ટરોમાં ભારતનો એવો નકશો રજૂ કર્યો હતો જેમાં કાશ્મીર ભારતનો ભાગ નથી એવું દર્શાવ્યું છે
કર્ણાટકના બેલગામમાં ગઈ કાલે કૉન્ગ્રેસ કારોબારી સમિતિ (CWC)ની બેઠક પહેલાં કૉન્ગ્રેસે એનાં પોસ્ટરોમાં ભારતનો એવો નકશો રજૂ કર્યો હતો જેમાં કાશ્મીર ભારતનો ભાગ નથી એવું દર્શાવ્યું છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ નકશાની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું છે કે કૉન્ગ્રેસે વોટબૅન્કની રાજનીતિ માટે ભારતની સંપ્રભુતાનું અપમાન કર્યું છે, આ શરમજનક છે કે દેશની સૌથી જૂની પાર્ટીએ આવી લાપરવાહી કરી છે.
કૉન્ગ્રેસે આ વિશેષ બેઠકનું આયોજન ૧૯૨૪માં મહાત્મા ગાંધીએ કૉન્ગ્રેસનું અધ્યક્ષપદ સંભાળ્યું એની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે કર્યું છે. એના માટે કૉન્ગ્રેસે જે પોસ્ટરો મૂક્યાં છે એમાં ભારતનો એવો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર અને અક્સાઈ ચીન ગાયબ છે.
ADVERTISEMENT
આ સંયોગ નહીં, વોટબૅન્કનો ઉદ્યોગ : BJP
BJPના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ આ મુદ્દે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે બેલગામમાં નેતાઓની તસવીરો સાથે ભારતનો ખોટો નકશો બતાવીને ભારતની એકતા અને સંપ્રભુતા પ્રતિ અનાદર કર્યો છે. આનાથી સાબિત થાય છે કે કૉન્ગ્રેસ ભારત જોડો કે બંધારણમાં વિશ્વાસ રાખતી નથી પણ ભારત તોડોમાં વિશ્વાસ રાખે છે. આર્ટિકલ ૩૭૦નું સમર્થન કરવું, જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ દર્શાવવો - સોનિયા ગાંધી એક એવા સંગઠનનાં સહઅધ્યક્ષ છે જે કાશ્મીરને ભારતથી અલગ કરવાનું સમર્થન કરે છે. આ દર્શાવે છે કે આ સંયોગ નહીં પણ વોટબૅન્કનો ઉદ્યોગ છે.’
BJPના સંસદસભ્ય સુધાંશુ ત્રિવેદીએ પણ આ મુદ્દે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે પહેલી વાર ભારતના નકશા સાથે છેડછાડ કરી નથી. અગાઉ કૉન્ગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને શશી થરૂરે પણ આવા નકશા શૅર કર્યા હતા. આ કૉન્ગ્રેસની ભારતવિરોધી માનસિકતા દર્શાવે છે. શું આ માત્ર સંયોગ છે કે કોઈ વ્યવસ્થિત કાવતરાનો ભાગ છે એ જાણવું જોઈએ.’