આ એક સંપૂર્ણપણે રિમોટ જૉબ છે અને એના માટે કંપની દર મહિને ૩૦૦૦ ડૉલર (આશરે ૨.૮ લાખ રૂપિયા)નો તગડો પગાર ચૂકવશે.
પ્રતીકાત્મક તસવીર
તમે તમારા પાર્ટનર સાથે બ્રેકઅપ કરવા માગો છો પરંતુ કઈ રીતે કહેવું એ સમજાતું નથી અથવા તમે મારાથી વધુ સારું ડિઝર્વ કરો છો એવું કહેવામાં મુશ્કેલી પડી રહી છે? હવે તમારી આ મુશ્કેલીનો ઉકેલ એક ડેટિંગ કંપનીએ શોધી કાઢ્યો છે. ડેટિંગડૉટકૉમ (Dating.com) નામના ઑનલાઇન પ્લૅટફૉર્મે સત્તાવાર રીતે ચીફ બ્રેકઅપ ઑફિસર (CBO)ની ભરતી શરૂ કરી છે. આ એક સંપૂર્ણપણે રિમોટ જૉબ છે અને એના માટે કંપની દર મહિને ૩૦૦૦ ડૉલર (આશરે ૨.૮ લાખ રૂપિયા)નો તગડો પગાર ચૂકવશે.
કંપનીના જણાવ્યા અનુસાર આ પદ માટે એવી વ્યક્તિની શોધ છે જેની પાસે અસાધારણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને મજબૂત કમ્યુનિકેશન સ્કિલ્સ હોય. ચીફ બ્રેકઅપ ઑફિસરનું મુખ્ય કામ સંબંધોનો અંત લાવવામાં અસમર્થ લોકો વતી પ્રોફેશનલ રીતે અને સહાનુભૂતિપૂર્વક પાર્ટનર સાથે વાતચીત કરીને બ્રેકઅપ કરાવવાનું રહેશે. આ નોકરીમાં રસપ્રદ શરત એ છે કે જે ઉમેદવારે પોતાના અંગત જીવનમાં ઓછામાં ઓછાં ૩ બ્રેકઅપનો સામનો કર્યો હોય તેને ભરતીમાં પહેલી પસંદગી આપવામાં આવશે.
ADVERTISEMENT
શા માટે ઊભી થઈ આ નોકરી?
આ અનોખી નોકરી પાછળનું મુખ્ય કારણ આજની પેઢીમાં વધતું ‘ઘોસ્ટિંગ’ કલ્ચર છે જેમાં પાર્ટનર સામેવાળી વ્યક્તિને કોઈ પણ કારણ આપ્યા વિના જ અચાનક તમામ સંપર્ક તોડી નાખે છે. એક રિપોર્ટ અનુસાર આશરે ૮૪ ટકા જેન-ઝી અને મિલેનિયલ્સ આ ઘોસ્ટિંગનો ભોગ બન્યા છે. આ સાઇલન્ટ ગુડબાયને કારણે યુવાનોમાં માનસિક તનાવ વધે છે. આથી સંબંધોનો આદરપૂર્વક અંત લાવીને લોકોને માનસિક શાંતિ આપવા માટે કંપનીએ આ અનોખો કીમિયો અપનાવ્યો છે.
