Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં ૧૧ વર્ષની છોકરીએ ભૂલથી મુસ્લિમ મહિલા પર રંગ નાખ્યો

દિલ્હીમાં ૧૧ વર્ષની છોકરીએ ભૂલથી મુસ્લિમ મહિલા પર રંગ નાખ્યો

Published : 08 March, 2026 08:06 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એને પગલે થયેલી મારામારીમાં પચીસ વર્ષના હિન્દુ યુવાનની હત્યા. ઉત્તમનગરમાં વાહનો સળગાવી દેવામાં આવ્યાં, રસ્તાઓ બ્લૉક કરવામાં આવ્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિલ્હીના ઉત્તમનગરમાં હોળીના તહેવારમાં ૪ માર્ચે ૧૧ વર્ષની એક છોકરીએ ભૂલથી મુસ્લિમ મહિલા પર રંગ નાખ્યો હતો અને એને પગલે થયેલી મારામારીમાં પચીસ વર્ષના હિન્દુ યુવાન તરુણકુમારની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ એક કાર અને એક મોટરસાઇકલને આગ ચાંપી દીધી હતી. હિન્દુ રાજકીય સંગઠનો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉત્તમનગરમાં કલાકો સુધી રસ્તાઓ બ્લૉક કરવામાં આવ્યા હતા. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ ઉત્તમનગર-પૂર્વ મેટ્રો સ્ટેશન નીચે વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને તરુણની હત્યામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહીની માગણી કરી હતી.

ઘટના શું છે?



જે. જે. કૉલોનીમાં એક ઘરની ટેરેસ પરથી હોળી રમી રહેલી ૧૧ વર્ષની છોકરીએ રંગ ભરેલો પાણીનો ફુગ્ગો તેના સંબંધી પર નીચે ફેંક્યો ત્યારે ફુગ્ગામાંથી રંગીન પાણી એક મુસ્લિમ મહિલા પર પડ્યું હતું, જેને કારણે બન્ને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. શાબ્દિક ઝઘડો ટૂંક સમયમાં અથડામણમાં પરિણમ્યો હતો અને બન્ને પક્ષના ઘણા લોકોને ઈજાઓ પહોંચી હતી.


એકાએક હુમલો થયો

તરુણના દાદા માન સિંહે જણાવ્યું હતું કે ‘શરૂઆતમાં એવું લાગતું હતું કે મામલો ઉકેલાઈ ગયો છે, પરંતુ મુસ્લિમ મહિલાએ તેના પરિવાર અને સમુદાયના સભ્યોને પણ ભેગા કર્યા અને તરુણ ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેવો તે ગલીમાં પ્રવેશ્યો લગભગ આઠથી ૧૦ લોકોએ તેના પર લાકડીઓ, સળિયા અને પથ્થરોથી હુમલો કર્યો હતો. તેમણે તરુણને એટલી ખરાબ રીતે માર માર્યો કે તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.’


ચાર જણની ધરપકડ

આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરી છે અને એક સગીરની પણ હત્યાના સંબંધમાં ધરપકડ કરી છે. પોલીસ ઘટનાનો ચોક્કસ ક્રમ સ્થાપિત કરવા માટે એ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજની તપાસ કરી રહી છે અને સાક્ષીઓનાં નિવેદનો નોંધી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 08:06 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK