મા, બહેન અને ભાઈને ધતૂરાવાળું ખાવાનું ખવડાવીને મારી નાખ્યા પછી યુવકે પોલીસને સરેન્ડર કરી દીધું
પોલીસ પહોંચી હતી ઘટનાસ્થળે
દિલ્હીમાં લક્ષ્મીનગરમાં યશબીર સિંહ નામના પચીસ વર્ષના યુવાને સોમવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ પોલીસ-સ્ટેશનમાં જઈને પોતાના આખા પરિવારને મારી નાખ્યો હોવાનું કબૂલીને સરેન્ડર કરી દીધું હતું. તેના પરિવારમાં મમ્મી, બહેન અને ભાઈ હતાં. પરિવાર આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો હોવાથી ગુજરાન ચલાવવાનું ભારે પડી ગયું હતું. તેના પિતા ટ્રક-ડ્રાઇવર છે અને છેલ્લા છ મહિનાથી તેમણે પરિવારને તરછોડી દીધો હતો. પોલીસે કહ્યું હતું કે યશબીરે કબૂલ્યું હતું કે તેણે ખુદ પોતાની મા, બહેન અને ટીનેજર ભાઈને ધતૂરાના ઝેરવાળું ખાવાનું ખવડાવીને મોતને ઘાટ ઉતાર્યાં હતાં.
પરિવારની હાલત સુધરે એ માટે યશબીરે પહેલાં પોતાને મારવાની કોશિશ કરી હોવાનો દાવો કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે ‘યશબીરે દાવો કર્યો હતો કે તેણે ૧.૫ કરોડ રૂપિયાની ટર્મ લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી લીધી હતી અને છેલ્લા બે મહિનાથી તે મરવાની કોશિશ કરતો હતો પણ એ નાકામ રહી હતી. તેણે ઍક્સિડન્ટનું નાટક કર્યું, સાપ કરડ્યાનો દાવો કર્યો, શરીરમાં હવાનું ઇન્જેક્શન ભરીને મરવાની કોશિશ કરી હતી. તેના કહેવા મુજબ આ બધાની જ્યારે તેની માને જાણ થઈ તો તેણે કહ્યું હતું કે જો તે મરવા ઇચ્છતો હોય તો પહેલાં પરિવારના બધા સભ્યોને મારી નાખે અને પછી મરે. તેના આ બધા દાવાને હજી વેરિફાય કરવાનું બાકી છે.’
ADVERTISEMENT
આરોપીએ સોમવારે સવારે યમુના બૅન્ક મેટ્રો સ્ટેશન પાસેના એક મંદિર પાસેથી ધતૂરાના છોડ પરથી બી એકઠાં કર્યાં હતાં અને એના લાડુ બનાવ્યા હતા. એ લાડુ ૪૬ વર્ષની મા કવિતા, ૨૪ વર્ષની બહેન મેઘના અને ૧૪ વર્ષના ભાઈ મુકુલને ખવડાવી દીધા હતા.


