ખૂબ જ ખરાબ રીતે બળી ગયેલાં ૯ શબ મળ્યાં, બે ઘાયલ ઃ સીડી અને બાલ્કનીમાં લાગેલી ગ્રિલને કારણે રસ્તો અવરોધાયો, નહીંતર વધુ લોકો બચી શક્યા હોત
દિલ્હીના વિવેક વિહારમાં ગઈ કાલે વહેલી સવારે ૪ માળના બિલ્ડિંગમાં ભભૂકી ઊઠેલી આગ. બિલ્ડિંગના આગળના ભાગના રહેવાસીઓને બચાવી લેવાયા હતા, પણ પાછળના ભાગમાં આગ કાબૂમાં આવતાં વાર લાગી હતી.
દિલ્હીના વિવેક વિહારમાં રવિવારે ૪ માળના એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ભીષણ આગમાં ૯ જણનાં મૃત્યુ થયાં હતાં અને બિલ્ડિંગના ૬ ફ્લૅટ બળીને ખાખ થઈ ગયા હતા. આગ લાગી ત્યારે જાગી ગયેલા રહેવાસીઓએ બચવા માટે કોશિશ કરી હતી. કેટલાક લોકો જીવ બચાવવા માટે છત તરફ ભાગ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ દરવાજો લૉક હોવાથી ત્યાં જ ફસાઈ ગયા હતા. કેટલાક લોકો સીડી પર સળગીને ભડથું થઈ ગયા હતા. જે માળમાં આગ લાગી હતી એ ઘરના ૪ લોકો પણ અગ્નિકાંડનો શિકાર બન્યા હતા.
વહેલી સવારે ૩.૨૭ વાગ્યે આ બિલ્ડિંગમાં આગ લાગ્યાની સૂચના ફાયર-બ્રિગેડ વિભાગને મળી હતી. એ પછી ફાયર-બ્રિગેડની બે ગાડીઓ તરત ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવદળોને બિલ્ડિંગના આગળના હિસ્સામાં રહેતા લોકોને સુરક્ષિત કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ પાછળના હિસ્સામાં ફસાયેલા લોકોને બચાવવાનું મુશ્કેલ બન્યું હતું. મૃત્યુ પામનારા લોકોનાં શબ એ હદે સળગી ગયાં હતાં કે તેમની ઓળખ કરવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે.
ADVERTISEMENT
બચાવદળોનું કહેવું હતું કે છતનો દરવાજો બંધ હતો અને બિલ્ડિંગની સીડીઓ અને બાલ્કની પર લાગેલી લોખંડની ગ્રિલને કારણે રેસ્ક્યુ કામગીરી મુશ્કેલ થઈ ગઈ હતી. જો અગાસી પર જવાનો દરવાજો લૉક ન હોત તો કદાચ વધુ લોકોને બચાવી શકાયા હોત. બચાવ-કામગીરી માટે પહેલાં આગને બુઝાવીને લોખંડની ગ્રિલને કાપીને બચાવદળોના લોકોએ અંદર જવું પડ્યું હતું.
બચવાની ભરપૂર કોશિશ પછી પણ આગમાં લોકોનાં પાર્થિવ શરીર એ હદે બળી ગયાં હતાં કે તેમની ઓળખ પણ મુશ્કેલ હતી. તેમને સફેદ કપડામાં વીંટાળીને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
આગ લાગે ત્યારે શું કરવું?
જો ACમાંથી ધુમાડો નીકળે કે આગ લાગે તો તરત જ મેઇન સ્વિચ ઑફ કરીને એ જગ્યાએથી બહાર નીકળી જવું.
ACમાં બ્લાસ્ટ ન થાય એ માટે શું તકેદારી રાખવી?
ગરમીની સીઝનમાં જ સૌથી વધુ ઍરકન્ડિશનર વપરાય છે અને આ જ સીઝનમાં એમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ અવારનવાર બને છે. આવું ન થાય એ માટે કેટલીક કાળજી રાખવી જરૂરી છે. મોટા ભાગે AC ફાટે છે એનું કારણ ટેક્નિકલ ખામી, ઓવરહીટિંગ કે ઇલેક્ટ્રિકલ ફૉલ્ટ કે પછી આઉટડોર યુનિટને પૂરતું વેન્ટિલેશન ન મળવાનું હોય છે.
આ પાંચ કાળજી રાખો
નિયમિત સર્વિસિંગ કરાવો. AC નવું હોય કે જૂનું, દર ત્રણ-ચાર મહિને એનું સર્વિસિંગ કરાવો. સર્વિસિંગ દરમ્યાન ગૅસ લીકની તકલીફ હોય તો એ દૂર થઈ જાય છે.
ACનું ટેમ્પરેચર સેટિંગ ૧૬થી ૨૪ની વચ્ચેનું જ રાખો. જ્યારે AC લાંબા સમય સુધી ૧૬ ડિગ્રી પર ચાલે છે ત્યારે એમાં ઓવરહીટિંગ થવાની સંભાવના વધી જાય છે. રાતે સૂતી વખતે એનો સ્લીપ મોડ ઑન કરી દો જેથી નિર્ધારિત ટેમ્પરેચર પછી એ આપમેળે ઍડ્જસ્ટ થઈ જાય છે.
આઉટડોર યુનિટ એટલે કે કૉમ્પ્રેસર ડાયરેક્ટ તડકામાં ન રહે એ જોવું જરૂરી છે. એના પર થોડોક શેડ હોવો જરૂરી છે. જોકે એ સાવ બંધ જગ્યામાં પણ ન હોવો જોઈએ, નહીંતર ગરમીને કારણે ફાટી શકે છે.
ACનાં ફિલ્ટર્સ નિયમિત સાફ કરાવતા રહો. એમાં કચરો જમા થઈ જશે તો ટેમ્પરેચર નીચું સેટ કરતી વખતે તકલીફ પડશે. કોઈ પણ પ્રકારનો અસામાન્ય અવાજ આવે કે વાસ જેવું લાગે તો તરત એને બંધ કરી દો.
ઊંચી ગુણવત્તાનું વાયરિંગ વાપરો. AC હાઈ પાવર યુઝ કરતું ડિવાઇસ છે. નબળી ક્વૉલિટીના કેબલ્સથી શૉર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. AC માટે ડેડિકેટેડ પાવરલાઇન અને સ્ટેબિલાઇઝર લગાવો.
